નવી દિલ્હીઃ દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારની મસ્જિદમાં તબ્લિગી સમાજના કાર્યક્રમમાં ભાગ લેનાર ઘણા લોકોનો કોરોના વાઈરસનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે તેથી એમાં ભાગ લેનાર લોકોએ જેમાં સફર કરી હતી એ ટ્રેનો તથા એ ટ્રેનોમાં એમની સાથે સફર કરનાર હજારો અન્ય પ્રવાસીઓને શોધવાનું ભગીરથ કાર્ય રેલવે તંત્ર કરી રહ્યું છે.
આ બધી ટ્રેનો 13 માર્ચ અને 19 માર્ચની વચ્ચે દિલ્હીથી ઉપડી હતી. આ ટ્રેનો છે – દુરોન્તો એક્સપ્રેસ (આંધ્ર પ્રદેશના ગુન્ટુર તરફ), ગ્રેન્ડ ટ્રન્ક એક્સપ્રેસ (ચેન્નાઈ તરફ), તામિલનાડુ એક્સપ્રેસ (ચેન્નાઈ તરફ), નવી દિલ્હી-રાંચી રાજધાની એક્સપ્રેસ અને સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ.
અધિકારીઓનું કહેવું છે કે રેલવે રેલવે તંત્ર જિલ્લા સત્તાધિશોને ટ્રેન પ્રવાસીઓની યાદી પૂરી પાડી રહી છે જેથી તેઓ દિલ્હીના કાર્યક્રમમાં સામેલ થયેલાઓના નામોની યાદી સાથે એને સરખાવી શકે.
ગુજરાતમાંથી 72 જણ તે કાર્યક્રમમાં ગયા હતા. એમાંથી એકનું કોરોનાને કારણે મૃત્યુ થયું છે અને બાકીના 71 જણને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. ગુજરાતના એ 72 જણમાંથી 34 જણ અમદાવાદના હતા, 20 ભાવનગરના હતા. ભાવનગરના જ એક જણનું મૃત્યુ થયું છે. તે ઉપરાંત 12 જણ મહેસાણાના, 4 વડોદરાના અને બે જણ નવસારીના હતા.
દિલ્હીની મસ્જિદના કાર્યક્રમમાં ભાગ લેનાર અને કોરોના વાઈરસ પોઝિટીવ જાહેર થયેલી મલેશિયન મહિલા મૌલવીએ નવી દિલ્હી-રાંચી રાજધાની એક્સપ્રેસમાં સફર કરી હતી. એણે B1 કોચમાં સફર કરી હતી. હવે એ કોચમાંના આશરે 60 જણને સત્તાવાળાઓ શોધીને એમની કોરોના ટેસ્ટ લઈ રહ્યા છે.
તે મલેશિયન મહિલાએ 16 માર્ચે એ ટ્રેનમાં પ્રવાસ કર્યો હતો. એની સાથે બીજા 23 જણ હતા અને એ બધા કોરોના પોઝિટીવ જાહેર થયા છે.
આ હજારો રેલવે પ્રવાસીઓને શોધવાનું રેલવે માટે અત્યંત કપરું કામ છે. આમાં રેલવે અને જિલ્લા સત્તાવાળાઓ સાથે મળીને કામ કરી રહ્યા છે.
હઝરત નિઝામુદ્દીન સ્ટેશન અને નવી દિલ્હી રેલવે સ્ટેશન દેશના સૌથી વ્યસ્ત રેલવે સ્ટેશનોમાં ગણાય છે. હઝરત નિઝામુદ્દીન સ્ટેશનેથી દરરોજ લાંબા અંતરની 56 ટ્રેનો ઉપડે છે અને 130 ટ્રેનો અહીં ઉભે છે જ્યારે નવી દિલ્હી રેલવે સ્ટેશનેતી દરરોજ 62 ટ્રેનો ઉપડે છે અને 76 ટ્રેનો ઉભે છે.