યોગ એટલે શું માત્ર આસન, ધ્યાન કે પછી…

યોગ એટલે શું? યોગ એટલે માત્ર આસન:- ના, યોગ એટલે માત્ર પ્રાણાયમ:- ના, યોગ એટલે માત્ર ધ્યાન:-ના, યોગ એટલે માત્ર શુદ્ધિકરણ:- ના, તો શું? યોગ એટલે સર્વાંગી સ્વાસ્થ્ય (શરીર+મન), (શરીર+આત્મા).

યોગ શબ્દ ખૂબ જાણીતો થયો પરંતુ એની સાથે એનું મહાત્મ્ય ખોવાઈ ગયું-સાચો અર્થ ખોવાઈ ગયો. યોગ શાસ્ત્રમાં ઋષી પતંજલીએ અને ઋષી ઘેરંડે માત્ર શરીરની વાત નથી કરી. શરીર સાથે મન,બુદ્ધિ, ઈન્દ્રિયો અને આત્મા(પરમ ચૈતન્ય)ની વાત પણ કરી છે.

યોગ જીવન જીવવાની માર્ગદર્શિકા છે, જેવી રીતે શ્રીમદ્ ભાગવત ગીતામાં પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ ભગવાન આપણને જીવવાનું લક્ષ્ય, જીવનના મૂલ્યો શીખવે છે એવી જ રીતે યોગશાસ્ત્ર રોજબરોજ શરીર અ મનને કેવી રીતે કેળવવું એની જાણકારી આપે છે.

યોગશાસ્ત્રમાં આ જે ઉપર ચિત્ર દોર્યું છે એના વિશે વિગતે જણાવું છે-આપણી અંદર 5 ઇન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો અને 5 જ્ઞાનેન્દ્રિયો છે. આ ઇન્દ્રિયો આપણને લોભાવે છે, બીજી વસ્તુઓ માટે આકર્ષણ ઉત્પન્ન કરે છે. પરંતુ મન ઇન્દ્રિયોને કાબૂમાં લાવી રાકે- મન ને કોણ કાબુમાં લાવે તો એ છે બુદ્ધિ.

દા.ત. એક વ્યક્તિને એની રસેઇન્દ્રિય ગુલાબ જાંબુ ખાવા પ્રેરે છે- અને મન એમાં લોભાઈ જાય છે કે હા હા ગુલાબ જાંબુ ભાવે છે તો ખાઈ લઉ ત્યારે બુદ્ધિ મન ને કહે કે ભાઈ તને ડાયાબિટિસ છે તારાથી આ ગુલાબ જાંબુ ન ખવાય.

કઠોપનિષદ યોગનું વર્ણન કરતાં કહે છે- “જ્યારે ઇન્દ્રિયો સંયમિત બને છે મન શાંત થાય છે ને બુદ્ધિની ચંચળતા ચાલી જાય છે ત્યારે ઉચ્ચ સ્થિતિ પ્રાપ્ત થાય છે એમ જ્ઞાનીઓ કહે છે મન અને ઇન્દ્રિયોની સ્થિરતા અને સંચમ યોગ કહેવાય છે જે સ્થિતિ પ્રાપ્ત કરે છે તે મોહ અને માયાથી મુક્ત થાય છે.”

શ્રીમદ ભગવદગીતાજીમાં ભારત શ્રેષ્ઠ શ્રી અર્જુનના એક પ્રશ્નના ઉત્તરમાં શ્રી કૃષ્ણ ભગવાન કહે છે. “ખરેખર મન ચંચળ છે તેને વશ કરવું કઠીન છે, પરંતુ સતત અભ્યાસ અને વૈરાગ્યથી તેને વશ કરી શકાય છે. જે પુરૂષ પોતાના મનને સંયમમાં રાખી શકતો નથી તે પરમાત્મા સાથેનો યોગ સાધી શકતો નથી. મનને કાબુમાં લેવું અશક્ય નથી, યોગની મદદથી ચોક્કસ એ શક્ય છે.

મનને કાબૂમાં લેવાથી આપણે આપણા ધાર્યા કાર્યો કરી શકીશું આપણા સ્વપ્ન સાકાર કરવા સક્ષમ બનીશું વિદ્યાર્થીઓને ભણતરમાં, કુમાર અવસ્થામાં પોતાનાં વ્યવસાયમાં, પ્રૌઢ વ્યક્તિઓને પોતાનું સ્વાસ્થ્ય સારું રાખવામાં અને વડીલોને સ્વાસ્થ્યની સાથે હતાશા, નિરાશા દૂર કરવામાં મદદરૂપ થાય છે.

મનને કાબુ કરવા માટે સીધા ધ્યાનમાં (meditation) માં ન બેસાય. ધ્યાન લાગશે જ નહીં-મન ફર્યા જ કરશે, મન ભમ્યા કરે છે. માટે પહેલા થોડા આસનો કરવાના, પ્રાણાયામ કરવાના પછી ત્રાટક કરવાનું અને  પછી જો ધ્યાનમાં બેસી એ તો મન પર કાબૂ મેળવી શકાય.

  • હેતલ દેસાઇ 

(અમદાવાદસ્થિત હેતલ દેસાઇ એ યોગ અને વેલનેસ ક્ષેત્રે જાણીતું નામ છે. છેલ્લાં વીસ વર્ષથી આયંગાર યોગની તાલીમ આપીને યોગ ક્ષેત્રે જાગૃતિ લાવવામાં એમનું નોંધપાત્ર યોગદાન છે. ટેલિવિઝન પર એમના 2500 થી વધારે એપિસોડ પ્રસારિત થઇ ચૂક્યા છે. અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન સહિત અને જાહેર પ્લેટફોર્મ પર એ યોગ અંગ લેક્ચર્સ આપી ચૂક્યા છે.)