આ પંચકોશ શું છે? 

ગયા અંકમાં આપણે દરેક જીવને ત્રણ અવસ્થા હોય છે એના વિશે વિગતે વાત કરી. જેમ કે સ્થૂળ શરીર નાશવંત છે. પરંતુ સ્થૂળ શરીર નાશ પામે તો સૂક્ષ્મ શરીર અને કારણ શરીર તમારા બીજા જન્મમાં બીજા શરીર સાથે પાછા આવી જાય છે.

યોગશાસ્ત્રમાં અષ્ટાંગ યોગમાં યમ-નિયમમાં કેવું વિચારવું, કેવો વ્યવહાર કરવો, ઈશ્વર પ્રણિધાન, અપરિગ્રહની સુંદર વાત કરી છે. એટલે સૂક્ષ્મ શરીર અને કારણ શરીરમાં કોને વધારે મહત્વ આપવું એ આપણે સમજવાનું છે. આજે આપણે વાત કરવાના છીએ પંચકોશની. વિવેકચુડામણીમાં પંચકોશની વાત કરી છે. પંચ આ શબ્દ બહુમહત્વપૂર્ણ છે. બહુ અગત્યનો છે. પાંચ જ કેમ?  બે કે 3 કેમ નહી? કારણ કે જયાં પાંચ હોય ત્યાં ન્યાય હોય, એવું મનાય છે. એટલે જ પંચતત્વ, પંચાયત, પાંચ ઇન્દ્રિયો, અને પંચકોશ.

આ પંચકોશ શું છે? 

એ પાંચ પડ છે. પાંચ વ્યક્તિઓ (પર્સનાલિટી) એક શરીરમાં છે. એકની ઉપર એક  એમ પાંચ પડ. જે અન્ન અને ખોરાક લેવાથી બને છે, જેને ખોરાક જ અગત્યનો લાગે છે. તેને અન્નમયકોશ કહે છે. આયુર્વેદમાં જણાવેલ છે એવો ખોરાક લેવાથી કે એવું અન્ન ખાવાથી અન્નમયકોશને મજબૂત બનાવી શકાય છે.

દરેક કોશ ઉપર એક વિજ્ઞાન છે, દર્શન શાસ્ત્ર છે. દરેક કોશના નામમાં “મય” શબ્દ છે. એટલે એનાથી બનેલું એમ કહેવાય છે. અન્નમય કોશ મજબૂત રાખવા માટે પ્રકૃતિને અનુસાર ખોરાક લેવો જોઈએ. અમે HYCમાં નાડી જોઈને કહી શકીએ કે તમારી પ્રકૃતિ કઈ છે? અને એને અનુસાર કયો ખોરાક તમારા માટે યોગ્ય છે.

બીજું છે પ્રાણમયકોશ એ એનર્જી બોડી છે. એટલે કે બળ અને ઊર્જા આપે છે. પ્રાણમય કોશમાં કુંડલિની એટલે કે (ઈડા,પીંગણા, સુષુણા) અને સાત ચક્રો છે. જેને આપણે એનર્જી વ્હીલ કહીએ છીએ. એ જ ઊર્જા, પ્રાણાયામથી પ્રાણમયકોશ મજબૂત બને છે. શ્વાસને લગતી બીમારી ટાળી શકાય છે. હંમેશા પ્રસન્ન રહેવાય છે.

ત્રીજું છે મનોમયકોશ. મનોમય શરીર, માનસ શરીર, મનને એક સંપૂર્ણ શરીર માનવામાં આવે છે. મન-મસ્તિષ્કમાં હોય એવું માનવામાં આવે છે. વિચારો પર આધારિત આપણા કાર્યો હોય છે. મન શાંતતો નિર્ણય સાચો લેવાય, મન અશાંત તો કોઈ પણ નિર્ણય સાચો ન લઈ શકાય. મનોમયકોશને મજબૂત કરવા માટે ધારણ, ધ્યાન, મૌન, યોગનિદ્રાનો અભ્યાસ કરવો જોઈએ.

ચોથું છે વિજ્ઞાનમયકોશ. જ્ઞાનને પેલે પાર આ કોશ છે. આ છે આભાસ જગત, જે institutions strong કરે છે. વિજ્ઞાનમયકોશનું સ્થાન હૃદયમાં છે, એને અંતઃકરણ પણ કહેવામાં આવે છે. ભાવનાઓ, લાગણીઓને કાબુમાં લાવી શકાય છે. એને મજબૂત કરવા માટે ધ્યાનનો અભ્યાસ વધારે કરવો જોઈએ.

પાંચમું છે આનંદમયકોશ. આત્મા સદાય નિરંતર, આનંદ-આનંદ અને આનંદમાં હોય છે. આત્મા ક્યારેય દુ:ખી થતો નથી. આત્મા અમર છે. બીજા બધા કોશ મજબૂત હોય ત્યારે આ કોશ સુધી પહોંચી શકાય છે. આનંદમયકોશની જાગૃતિ થઈ જાય ત્યારે આત્મજ્ઞાન થાય છે. હઠયોગથી આ બધા કોશો સુધી પહોંચી શકાય છે.

આપણે જ્યારે બંધ કરીએ છીએ, જાલંધર બંધ, ઉડીયાન બંધ, મૂળ બંધ, ત્યારે આનંદમયકોશ સુધી પહોંચી શકાય છે. ખૂબ અભ્યાસ કર્યા પછી માંસપેશીનો ઉપયોગ કર્યા વિના બંધ કરતા બરાબર શીખવું જોઈએ, અને જ્યારે એ બંધ કરી શકાય, ત્યારે જ ઊર્જાને કેન્દ્રિત કરી શકાય છે અને ઊર્જા પર નિયંત્રણ કરતા આવડી જાય છે. અને જો જીવનમાં કંઈક સાર્થક કાર્ય કરવા માંગતા હોય તો ખાલી ઊર્જાની જરૂર નથી, પરંતુ ઊર્જાની નિરંતરતાની જરૂર પડે છે. કારણ કે
શક્તિ લગાડી કાર્ય કરીએ ત્યારે અન્નમય, પ્રાણમય, મનોમય તમારી ઈચ્છા અનુસાર કાર્ય કરે છે.

તમને ખબર છે બીજા પ્રાણીઓ કરતાં મનુષ્યમાં ચેતના જાગૃતતા અને બુદ્ધિમત્તા ઘણી વધારે છે. અને એટલે જ એ વ્યર્થ ન જાય માટે આસન, પ્રાણાયામ, ધ્યાન નિયમિત કરવા જોઈએ. ત્યારે આનંદમય શરીર પ્રાપ્ત કરી શકાય છે.

(હેતલ દેસાઇ)

(અમદાવાદસ્થિત હેતલ દેસાઇ એ યોગ અને વેલનેસ ક્ષેત્રે જાણીતું નામ છે. છેલ્લાં વીસ વર્ષથી આયંગાર યોગની તાલીમ આપીને યોગ ક્ષેત્રે જાગૃતિ લાવવામાં એમનું નોંધપાત્ર યોગદાન છે. ટેલિવિઝન પર એમના 2500 થી વધારે એપિસોડ પ્રસારિત થઇ ચૂક્યા છે. અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન સહિત અને જાહેર પ્લેટફોર્મ પર એ યોગ અંગે લેક્ચર્સ આપી ચૂક્યા છે. અમદાવાદસ્થિત SGVP હોલિસ્ટીક હોસ્પિટલ સાથે પણ સંકળાયેલા છે.)