ૐ નો મહિમા જાણી લો

।। तस्य वाचक: प्रणव: ।।

પ્રણવ એટલે ૐ કાર તેનો વાચક છે.

વસ્તુઓનો બાહ્ય ભાગ તે શબ્દ અને તેનો અંદરનો ભાગ તે એક વિચાર અથવા ભાવના કહેવાય છે. કોઈપણ વ્યક્તિ ગમે તેટલું મથામણ કરે પરંતુ ભાવનાને શબ્દથી અલગ કરી શકતો નથી. ઋષિ પતંજલિના યોગસૂત્રનો ભાષ્યકાર લખે છે કે, ‘ભાવના અને શબ્દનો સ્વભાવિક સબંધ તો છે જ, પણ એક શબ્દ અને એક ભાવના એ બંને વચ્ચે અનિવાર્ય સંબંધ હોવો જ જોઈએ એવું ફલિત થતું નથી.’

વાચક શબ્દ વાચ્ય પદાર્થનો પ્રદર્શક છે. વળી, એ વાચ્ચ પદાર્થનું પ્રથમથી જ અસ્તિત્વ હોય અને અનેકવારના અનુભવથી આપણને ખાતરી થાય છે, અમુક વાચક શબ્દનો જ્યારે જ્યારે ઉપયોગ થાય છે, ત્યારે ત્યારે તે અમુક વસ્તુનું જ સૂચન કરે છે ત્યારે જ આપણે નિશ્ચયપૂર્વક માની શકીએ કે વાચ્ય પદાર્થ સન્મુખ ન હોય તો પણ એકલા વાચક શબ્દની સહાયતાથી જ જેમને જે તે પદાર્થનું જ્ઞાન થઈ શકે એવા હજારો માણસો નીકળી આવશે.

ઉદાહરણ તરીકે, હું મારા દીકરાને હંમેશા ઘોડીયામાં હતો ત્યારથી કે 3-4 વર્ષનો થયો ત્યાં સુધી શ્રીકૃષ્ણ શરણમ મમ ગાઇને સૂવડાવતી. હવે ક્યારેય પણ શ્રીકૃષ્ણ શરણમ મમ વાગે એટલે એને થાય કે હવે સૂઈ જવાનું છે એટલે વાચક અને વાચ્યની અસર માનસપટલ પર કેવી થતી હોય છે એનો અહીં ખ્યાલ આવે છે. બધા માટે આ શબ્દનો ભાવ જૂદો જૂદો હોય. પતંજલિ દર્શનનો ભાષ્યાકાર કહે છે કે, “ૐ કાર એ ઈશ્વરનો વાચક છે,” ભાષ્યાકાર આ બાબત ઉપર એટલો બધો ભાર મૂકે છે તેનું કારણ શું હશે? એ સમજીએ …

મનની અવસ્થાના પાંચ ભાગ પાડવામાં આવ્યા છે. એમાં મનની છેલ્લી અવસ્થા “નિરુદ્ધ”ની છે. જ્યારે મન, બુદ્ધિ અને અહંકાર પર કાબૂ મેળવી સઘળી શક્તિ ઈશ્વરને ચરણે ધરી દેવામાં આવે કે તેની સેવામાં પ્રાયોજિત ત્યારે આ અવસ્થા પ્રાપ્ત થાય છે. એમાં થતો “હું” અને “મારું” જેવો અહંભાવ રહેતો નથી. એકાગ્રતા કે ધ્યાન વિના પ્રભુત્વ મેળવી શકાતું નથી. એકાગ્ર થવા સાધક પરમાત્માનાં પ્રતિક “ૐ” ધ્યાન કરે છે. ૐ નો બીજો શબ્દ છે “પ્રણવ”. ૐ નો અર્થ થાય છે, સ્તુતિ કરવી કે પ્રાર્થના કરવી.

ૐ પ્રતીક ‘અ’, ‘ઉ’, ‘મ’ એ ત્રણ અક્ષરોનો બનેલો છે. ‘અ’ એટલે સમાન અને જાગ્રત અવસ્થા, ‘ઉ’ એટલે સ્વપ્નાવસ્થા અને ‘મ’ એટલે આત્મા કે મનની સ્વપ્નરહીત નિદ્રા કે સુષુપ્ત અવસ્થા. ૐ માં ઉપર અર્ધચંદ્ર અને ટપકું છે તે ચોથી અવસ્થા ‘તુર્ભાવસ્થા’ છે. ‘અ’ એટલે વાણી, ‘ઉ’ એટલે મન અને ‘મ’ એટલે પ્રાણ પ્રતીક છે. આ ત્રણ અક્ષરો લંબાઈ, પહોળાઈ, ઉંડાણના માપસૂચક છે. એ મળીને સમગ્ર પ્રતીકનો અર્થ થાય છેઃ કોઈપણ પ્રકારના માપ, રૂપ કે આકારથી પર રહેલા પરમાત્મા.

આ ત્રણ વર્ણ ઈચ્છા, ભય અને ક્રોધનો અભાવ સૂચવે છે. આ ત્રણ અક્ષરો નર, નારી, નાન્યતર જાતિનું સૂચન કરે છે ને ત્રણે મળીને સર્જક અને સર્જન બંનેને પોતાનામાં સમાવી લેતાં પરમપુરુષનું પ્રતીક બને છે. આ ત્રણ અક્ષરો સત્વ, રજસ અને તમસના ગુણ સૂચવે છે. આ ત્રણ અક્ષરો ભૂત, વર્તમાન અને ભવિષ્યના ત્રણ કાળનું સૂચન કરે છે. આ ત્રણ અક્ષરો વિદ્યા આપનાર માતા, પિતા અને ગુરુનું સૂચન કરે છે. આ, ઉ અને મ યોગાભ્યાસની ત્રણ કક્ષા આસન, પ્રાણાયામ અને પ્રત્યાહારના સોપાનથી પ્રાપ્ત થતી સમાધિનું પ્રતીક બને છે. આ ત્રણેય વિશ્વના સર્જક બ્રહ્મા, વિષ્ણુ અને સંહારક શિવની દિવ્ય ત્રિમૂર્તિના પ્રતીક છે. ત્રણેય મળીને આ સૃષ્ટિની ઉત્પત્તિ, વિકાસ અને લય થાય છે તે બ્રહ્માનું પ્રતીક બને છે. આ, ઈ અને મ ‘તત્ તમ્ આસી’ ‘તે તું છે’ ના મંત્રનું સૂચન કરે છે. ત્રણે મળી આત્મસાક્ષાત્કારનું પ્રતીક બને છે.

આ છે ૐ નો મહિમા. છે ને ચમત્કાર જેવું! સતત, નિયમિત, ચોક્કસ સમયે, રોજ જો ૐ નો ઉચ્ચાર કરવામાં આવે, એનું રટણ કરવામાં આવે કે ઈષ્ટદેવના નામની આગળ ૐ લગાવવામાં આવે ત્યારે સાધક જલ્દી ધ્યાન અવસ્થામાં પહોંચી શકે છે. દિવ્ય શબ્દ ૐ ધનુષ છે, આત્મા વીર છે, બાહ્ય લક્ષ્ય છે. એકાગ્ર ચિત્ત ધરાવતો મનુષ્ય જ બાહ્યમાં પ્રવેશી શકે છે. તે માટે ધનુષમાં તીર યોગ્ય રીતે ગોઠવીને લક્ષ્ય તરફ ગતિ કરે છે તેવી રીતે સાધકે એકાગ્ર થઈને ગતિ કરવી જોઈએ.

સંસારી લોકો માટે ૐ ને જૂદી જૂદી રીતે ઉચ્ચાર કરવાથી જૂદા જૂદા ફાયદા થાય છે. એવું કહેવાય છે કે આ ઉ નો વધારે લંબાણપૂર્વક ઉપચાર કરવાથી પેટ અને આંતરડાની તકલીફોમાં રાહત મળે છે, જ્યારે મ નો ઉચ્ચાર લંબાણપૂર્વક કરવાથી મનને લઇને જેટલી વ્યાધિઓ હોય એમાં રાહત મળે છે. મન શાંત થાય છે, મન પ્રફુલ્લિત થાય છે, આત્મવિશ્વાસમાં વધારો થાય છે, ગહેરી ઊંઘ આવે છે. ૐ ના જૂદા જૂદા સ્વર એના આહોર-અવરોહના કારણે પણ શરીર અને મન પર જૂદી જૂદી અસર થતી હોય છે. સ્વર નાભીમાંથી આવવો જોઈએ, નહીં કે ગળામાંથી. મોટેથી બોલવું. ૐ બોલવાની સાથે વ્યક્તિ દુનિયાથી અલિપ્ત થઈ જાય છે અને અંદરની સફર શરૂ થાય છે. થોડો સમય ૐકાર નું રટણ કરીએ તો આંખ ખોલવી જ ના ગમે. એ જે દુનિયામાં થોડી ક્ષણો માટે હતા તે ખૂબ ગમવા લાગે છે અને એમ કરતાં કરતાં ધ્યાનનો સમય વધતો જાય છે. આ બધું શબ્દોમાં વર્ણવવાનો પ્રયત્ન કર્યો છે, પરંતુ ખરેખર તો આ અનુભૂતિનો વિષય છે. અનુભવ કરીએ તો જ સ્વાદ માણી શકાય. રોજ માત્ર 10 મિનિટ ૐકારનું રટણ કરીશું તો ઘણી બધી ઇશ્વરીય ચેતના આપણામાં આવશે. પ્રયત્ન કરો.

(હેતલ દેસાઇ)

(અમદાવાદસ્થિત હેતલ દેસાઇ એ યોગ અને વેલનેસ ક્ષેત્રે જાણીતું નામ છે. છેલ્લાં વીસ વર્ષથી આયંગાર યોગની તાલીમ આપીને યોગ ક્ષેત્રે જાગૃતિ લાવવામાં એમનું નોંધપાત્ર યોગદાન છે. ટેલિવિઝન પર એમના 2500 થી વધારે એપિસોડ પ્રસારિત થઇ ચૂક્યા છે. અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન સહિત અને જાહેર પ્લેટફોર્મ પર એ યોગ અંગે લેક્ચર્સ આપી ચૂક્યા છે. અમદાવાદસ્થિત SGVP હોલિસ્ટીક હોસ્પિટલ સાથે પણ સંકળાયેલા છે.)

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]