તમે માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખો છો?

દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છા અને નવું વર્ષ તમારા માટે આર્થિક, શારીરિક અને માનસિક રીતે ખૂબ સમૃદ્ધ રહે તેવી ઈશ્વરને પ્રાર્થના. આર્થિક રીતે સમૃદ્ધ થવું એ નસીબ પર આધાર છે, પણ શારીરિક રીતે સ્વસ્થ રહેવું એ માત્ર ને માત્ર આપણા હાથમાં છે. તમે તમારી લાઈફસ્ટાઈલ કેવી રાખો છો? તમારી ઊંંઘ પૂરી થાય છે? તમે નિયમિત ખોરાક લો છો? આહાર અને વિહારનું સંતુલન જાળવો છો? વગેરે…

આ બધા સવાલોનો જવાબ જો હા હોય તો શારીરિક સ્વાસ્થ્ય તમને મળશે. પરંતુ હવે આવે છે માનસિક સ્વાસ્થ્યની વાત. એનો આધાર પણ માત્રને માત્ર તમારા પર રહેલો છે. સંજોગો કોઈપણ હોય, ધાર્યુ થાય કે ના થાય, પણ તમારા મનની સ્થિતિ તમે કેવી રાખો છો એના પર માનસિક સ્વાસ્થ્ય રહેલું છે. 

આજે આપણે વાત કરીએ માનસિક સ્વાસ્થ્યની. યોગ કઈ રીતે એમાં મદદરૂપ થાય એની વાત કરીશું, પરંતુ એના પહેલા એક વાર્તા મારે તમને કહેવી છે. 

એક રાજા જેને પોતાની પ્રજાની ખૂબ ચિંતા એટલે કોઈની કાંઈ પણ તકલીફ હોય તો તરત એનો નિવેડો લાવે. બધા સુખી રહે, ખુશ રહે એવી એ કાળજી રાખતા. ઘણીવાર રાત્રે વેશપલ્ટો કરી નગરચર્ચા કરવા જતાં ને જોતા કે મારી પ્રજા શાંતિથી સૂતી છે ને. અને એવી જ એક રાત્રે રાજા નગરચર્યા કરવા નીકળ્યા. કોઈ ઓળખી ન જાય એટલે વેશપલ્ટો કરેલો. નગરના રસ્તા પર જતા હતા ને દૂર એમને એક માણસ દેખાયો. થયું કે કેમ આટલી રાત્રે આ માણસ શું કરે છે? થોડા આગળ ગયા પછીને જોયુું કે આ મારા નગરનો માણસ નથી. તો કોણ હશે એમ વિચારતા વિચારતા આગળ ગયા ને નજીક જઈને પૂછયુંઃ ભાઈ કોણ છો? પેલો માણસ તો તરત રાજાને ઓળખી ગયો ને નમસ્કાર કરીને કહ્યુંઃ ‘મહારાજ, હું યમદૂત છું.’

રાજાને નવાઈ લાગી કે કેમ તમારે અહીં આવવાનું થયું? મારી પ્રજા સ્વસ્થ છે, સુખી છે, તમે કેમ આવ્યા છો અહીં! યમદૂતે કહ્યું, ‘મહારાજ હું આવતા અઠવાડિયે તમારા નગરમાંથી 500 જણાને લઈ જવા આવ્યો છું.’ આ સાંભળતા જ રાજા બરાબરના ક્રોધે ભરાયા. શું બોલો છો? ના-ના મારા નગરમાંથી 500 માણસોને લઈ જશો એટલે લોકો કેટલા દુ:ખી થઈ જશે. એવું બિલકુલ નથી કરવાનું. યમદૂતે નતમસ્તક રહી ખૂબ વિવેકથી કહયું કે, મને તો આદેશ આપવામાં આવ્યો છે એટલે મારે તો એનું માત્ર પાલન કરવાનું છે. રાજાને થયું કે, જો આદેશ હોય તો યમદૂત આમાં કાંઈ નહીં કરી શકે પરંતુ રાજા બહુજ દુ:ખી થઈ ગયા અને કહયું કે ચાલો, એટલું તો ધ્યાન રાખજો કે પ્રજા બહુ દુ:ખી ન થાય ને રાજા ત્યાંથી પોતાના મહેલમાં જતાં રહ્યા.

પરંતુ એમની રાતની ઊંંઘ ઉડી ગઈ અને ખૂબ વ્યથિત થઈ ગયા. ત્રણ-ચાર દિવસ ગયા. એક દિવસ મહેલના સભાગૃહમાં બેઠા હતા ને આઠ-નવ જણા દોડતા આવ્યા ને કહ્યું કે મહારાજ નગરમાં કોઈ રોગચાળો ફેલાયો છે. કોઈને પેટમાં દુખે છે તો કોઈને શરદી-ઉધરસ થયા છે, તો કોઈના પગ અટકી ગયા છે. કોઈ દવાની અસર પણ નથી થતી. અમુક લોકોનું મૃત્યું પણ થયું છે. શું કરીએ?

રાજાને અંદાજ આવી ગયો. રાજા ખૂબ જ વ્યગ્ર હતા પરંતુ પોતાના હાથની વાત નહોતી એટલે બધાને કીધું કે બીજા નગરો, શહેરોમાંથી વૈદ્યોને બોલાવો, ડોક્ટરને બોલાવો ને સારવાર શરૂ કરો. બીજા 3 દિવસ ગયા ને પોતાના મંત્રીમંડળ, વજીર વગેરે ખૂબ જ દુ:ખી, ચિંતિત અને નિસહાયની લાગણી સાથે રાજા પાસે આવ્યા અને કહ્યું કે, મહારાજ નગરમાં દુ:ખનો પહાડ પડ્યો છે. અનહદ દુ:ખ અને ઉપાધીના પોટલા આવી પડ્યા છે. રાજાને થોડા અંદેશો તો હતો પરંતુ તો ય પૂછ્યું કે, શું થયું છે? વજીરે કહ્યું કે, કયા મોઢે કહું મહારાજ કે આપણા નગરમાં 1500 માણસોના મૃત્યુ થયા છે.

આંકડો સાંભળી રાજા તો ઉદાસ થઈ ગયા કે શું બોલો છો? ભૂલ થઈ લાગે છે, માત્ર 500 લોકો જ હશે. બધાએ કહયુંઃ ના મહારાજ ના. 1500 લોકો મોતને ઘાટ ઉતરી ગયા છે. રાજા તો સખત ક્રોધે ભરાયા કે મને યમદૂતે 500 લોકોનું કીધું હતું ને 1500 કેવી રીતે મૃત્યુ પામ્યા? રાજાએ ખૂબ જ દુઃખી સ્વરે કહ્યું કે, ચાલો, જે થયું તે. બધાની વ્યવસ્થા કરો.

બધા દોડતા ગયા અને નગરમાં જે બન્યું હતું તેની વ્યવસ્થા કરવા લાગ્યા. થોડા દિવસો વીતી ગયા. રાજાની ઊંઘ હજુ પણ ઉડેલી હતી કારણ કે એમને ફરી પેલા યમદૂતને મળવું હતું. રોજ નગરચર્યા કરવા એ રાતે નીકળતા. એક દિવસ અચાનક રાતે રાજાને યમદૂત મળ્યો. રાજાએ ખૂબ જ ગુસ્સો આવ્યો. યમદૂતને કહયું કે, તને શરમ નથી આવતી? 500 નું કહીને 1500 લોકોને લઈ ગયો? માત્ર નગરમાં રો-કકળ થઈ ગઈ. મારી પ્રજા કેટલી દુખી થઈ ગઈ! ઘરે ઘરે મૃત્યુ થયા છે. આવું તું કેવી રીતે કરી શકે? યમદૂત શાંતિથી માથું નીચે રાખીને સાંભળતો હતો.  

રાજા ફરી ગુસ્સે થયા કે બોલતો કેમ નથી? યમદૂતે નમસ્કાર કરીને કહયું કે, મહારાજ સાચું માનો મારું. હું તો માત્ર 500 લોકોને જ લેવા આવ્યો હતો પરંતુ તમને ખરાબ ન લાગે તો એક વાત કહું? તમારી પ્રજા ખૂબ નબળા મનની છે. બહુ ડરપોક છે. ગભરાયેલી છે. એક જણને શરદી-ઉઘરસ થાય તો બીજા વિચારવા માંડે કે હવે મને તો નહીં થાય ને! એક જણને તાવ આવે કે પગ અટકી જાય એટલે બીજા વિચારે કે હવે મારી સાથે પણ મારી સાથે આવું જ થશે? જો મન નબળું હોયને તો એ રોગ પણ લાગે. બીજાના મૃત્યુ આ રીતે થયા છે. રાજા વિચારવા લાગ્યો કે, હું પ્રજાને સાચવતો. સગવડો આપતો, પણ મનથી મજબૂત થવું, પોઝિટીવ લેવું કે દુખના દિવસોમાં શું કરવું એના માટે તો મેં કંઈ કર્યું જ નથી.

બસ, અત્યારે કોરોનાની મહામારીમાં આ જ ચાલી રહ્યું છે. આપણી સાથે એક જણને થયું ને આપણે ડરવા લાગીએ કે ક્યાંક મને ન થઈ જાય. મન મજબૂત રાખવુ, મનોબળ મજબૂત રાખવું ખૂબ જરૂરી છે.

હવે યોગ એમાં કેવી રીતે મદદરૂપ થઈ શકે એ જાણીએ…

કોઈપણ બેકવર્ડ બેન્ડિંગના આસનો કરવા જોઈએ. આયંગર પદ્ધતિમાં લાકડાના સાધનો, લાકડાની ઈંટ કે બેલ્ટ સાથે આસનો કરી શકાય છે. બંને ખભાને પાછળ રાખીએ ઊંડા શ્વાસ લેવાય અને લાંબા ઉચ્છશ્વાસ બહાર નીકળે એટલે સીધી અસર મન પર પડે અને વિચારોના વમળ ઓછા થાય, મૂંઝવણ ઓછી થઈ જાય.

અનાહત ચક્ર એક્ટિવ થાય એટલે બીજા પર શંકા કરવી, અંધવિશ્વાસ રાખવો એવા અવગુણો દૂર થાય ને મન શાંત થઈ જાય. મન શાંત થાય એટલે મનોબળ મજબૂત થાય. એટલે કોઈપણ પરિસ્થિતિમાં વ્યગ્ર કે ચિંતિત થવાને બદલે મનને કાબૂમાં રાખી મુશ્કેલીનો હલ શોધવાની ક્ષમતા આવી જાય. મનને રીલેક્સ કરવું ખૂબ જરૂરી હોય છે. એ રીલેક્સેશન યોગ જૂદી જૂદી પ્રક્રિયા છે એ અપનાવી જોઈએ. શવાસનમાં પગ અને બંને ખભાને વ્યવસ્થિત ગોઠવો તો શરીર અને મન શાંત થાય.

વાચક મિત્રો, આપણે ગયા અઠવાડિયે જ જાણ્યું કે મૂળાધાર ચક્ર એક્ટિવ કરવાથી આત્મવિશ્વાસ વધે છે અને મન શાંત રહે છે.

(હેતલ દેસાઇ)

(અમદાવાદસ્થિત હેતલ દેસાઇ એ યોગ અને વેલનેસ ક્ષેત્રે જાણીતું નામ છે. છેલ્લાં વીસ વર્ષથી આયંગાર યોગની તાલીમ આપીને યોગ ક્ષેત્રે જાગૃતિ લાવવામાં એમનું નોંધપાત્ર યોગદાન છે. ટેલિવિઝન પર એમના 2500 થી વધારે એપિસોડ પ્રસારિત થઇ ચૂક્યા છે. અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન સહિત અને જાહેર પ્લેટફોર્મ પર એ યોગ અંગે લેક્ચર્સ આપી ચૂક્યા છે. અમદાવાદસ્થિત SGVP હોલિસ્ટીક હોસ્પિટલ સાથે પણ સંકળાયેલા છે.)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]