મુંબઈઃ ભારત સહિત દુનિયાભરમાં આજે ‘વર્લ્ડ ટૂરિઝમ ડે’ ઉજવવામાં આવી રહ્યો છે. ઘણાં લોકોએ આજના દિવસને યાદગાર બનાવવા માટે લાંબા રોડ પ્રવાસે નીકળવાનું પસંદ કર્યું છે. અહીં ભારતના ચાર રૂટની યાદી છે જ્યાં જિંદગીમાં એક વાર તો પ્રવાસ કરવો જ જોઈએ.
મુંબઈ-પુણે એક્સપ્રેસવેઃ આ 94 કિ.મી. લાંબો છે. મુંબઈ અને પુણે શહેરને જોડતો આ એક્સપ્રેસવે ગરમી અને પ્રદૂષણથી છૂટકારો અપાવ છે. બે કલાકની રોડ ટ્રિપ હોય છે. વચ્ચે લોનાવલાનો હોલ્ટ આવે છે. છ-લેનવાળા આ એક્સપ્રેસવેની ફરતે હરિયાળીથી છવાયેલાં ડુંગરો છે.
મનાલીથી લેહઃ સુંદર, મનોહર કુદરતી સૌંદર્ય આ રૂટની ખાસિયત છે. 479 કિલોમીટરનો પટ્ટો છે. હિન્દી ફિલ્મ જબ વી મેટમાં કરીના કપૂરનું ડાન્સિંગ ગીત યહ ઈશ્ક હૈ આ જ સ્થળે ફિલ્માવાયું હતું. આ રોડ વર્ષમાં પાંચ મહિના માટે જ ખોલવામાં આવે છે. સફર પૂરી કરતાં બે દિવસ લાગે છે.
મુંબઈથી ગોવાઃ ભરપૂર કુદરતી લીલોતરીથી છવાયેલા કોંકણ પટ્ટાવિસ્તારમાંથી આ રોડ પસાર થાય છે. એક તરફ અરબી સમુદ્ર છે જ્યાંથી આવતી પવનની લહેર પ્રવાસીને તાજગીનો અનુભવ કરાવે છે. મુંબઈ-ગોવા રોડ 556 કિ.મી.નો છે. આ સફર પૂરી કરતાં ઓછામાં ઓછા 12 કલાક થાય છે. વચ્ચે રત્નાગિરી અને ચિપલૂણ શહેરો આવે છે. માર્ગ પર અનેક રેસ્ટોરન્ટ, ફૂડ સ્ટોલ્સ આવે છે.
વિશાખાપટનમથી અરાકુ વેલીઃ પહાડોમાં વળાંકવાળા રસ્તાઓ અને ઉંચા ચઢાણને કારણે વિશાખાપટનમ-અરાકુ વેલી ટ્રિપ યાદગાર બની શકે. આ સ્થળે બંગાળના અખાત અને ઈસ્ટર્ન ઘાટનું મિલન થાય છે. આ રૂટ 116 કિ.મી.નો છે અને તેની સફર પૂરી કરતાં લગભગ ત્રણેક કલાક લાગે.