રાજકોટઃ કઇ રીતે આ મહિલાએ બદલી મહિલા કેદીઓની જિંદગી?

હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, સૌ કોઈ તેમાં ડૂબકી દઇને પુણ્યશાળી બને છે.

આંતરાષ્ટ્રીય મહિલા દિવસ 2020: જેલનું નામ પડતા જ અચ્છે અચ્છાઓના હાજા ગગડી જાય, પરંતુ જેલ એ કોઇ કારાવાસ કે સજા ભોગવવાનું સ્થાન નથી પણ એક એવું કેન્દ્ર છે, જ્યાં વ્યક્તિ પોતે ભૂતકાળમાં કરેલી ભૂલને સુધારી સ્વનો સાક્ષાત્કાર કરીને નવા જીવન તરફ આગળ વધવાનું ભાથુ ભેગુ કરે છે. એટલે જ ભારતિય સંસ્કૃતિમાં જેલને કારાવાસ તરીકે નહી પરંતુ એક સુધારાગૃહ તરીકે ઓળખવામાં આવે છે. જ્યા માત્ર પુરૂષો જ નહી પરંતુ મહિલાઓ સશક્ત અને સહિષ્ણુ બને છે.

આપણા બંધારણમાં મહિલાઓને સમાન અધિકાર આપવામાં આવ્યા છે. હવે, તો સંસ્થાગત હોય કે સંરક્ષણ, મેડિકલ હોય, મેનેજમેન્ટ હોય કે મિડીયા તમામ ક્ષેત્રોમાં મહિલાઓએ કમાન્ડિંગ પોસ્ટ સંભાળી રહી હોય તેવા અનેક ઉદાહરણો નજર સમક્ષ છે. ત્યારે પોલીસ પ્રશાસન અને જેલ પ્રશાસનના સંચાલનમાં મહિલા કેવી રીતે પાછળ રહી શકે ?

તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે રાજકોટના જેલના સુપ્રિટેન્ડન્ટ બન્નો જોષી.

“મહિલા કેદીઓ પણ અંતે તો માણસ જ છે. તેમને પણ સમાજની મુખ્ય ધારામાં ભળવાનો હક્ક છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે સમાજને મારો એટલો સંદેશો છે કે મહિલા કેદીઓને તેમનાથી થઈ ગયેલ ગુન્હાઓનો પસ્તાવો હોય છે, તેના ગુન્હાઓની સજા પણ તેમણે ભોગવી છે અને તેથી જ આપણે સૌએ તેમને સમાજમાં સ્વમાનભેર જીવન જીવવાના હક્કને સાર્થક કરવો જ રહ્યો….” આ શબ્દો છે બન્નો જોષીના.

રાજકોટ મધ્યસ્થ જેલ વાસ્તવમાં એક જેલ નહીં પરંતુ સુધારાગૃહ છે તે વિશે એમણે કહ્યું હતં કે, કોઇ ગુન્હાની સજા અંતર્ગત અહિં આવેલી મહિલા કેદીને તેના ગુન્હાનો પારાવાર પસ્તાવો થતો હોય છે. અહિં લાવવામાં આવેલ મહિલાઓને ગુન્હાની ગર્તામાંથી બહાર લાવવા માટે તેઓને વિવિધ પ્રવૃત્તિઓમાં કાર્યરત રાખવામાં આવે છે. જેના થકી ધીરે ધીરે તેઓનું મન કામકાજમાં પરોવાય છે. આવી વિવિધ પ્રવૃત્તિઓમાં પ્રધાનમંત્રી કૌશલ્ય તાલીમ યોજના અંતર્ગત સિલાઈ કામ, કમ્પ્યુટર ક્લાસ, ભરત-ગુંથણ, મોતી કામ, માટી કામ, રમકડા એસેમ્બલીંગ,  ઈમીટેશન જ્વેલરીનું બીડાણ કામ વિગેરેનો સમાવેશ કરીને તેમનામાં રહેલા કૌશલ્ય કે હુન્નરનો નિખાર કરીને મહિલા કેદીઓને પગભર કરવામાં આવે છે.

વિવિધ આર્થિક પ્રવૃતિઓ દ્વારા જે કંઈ નાણા મળે છે તેના ૫૦% રકમ તેઓને જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ જેલની કેન્ટીનમાંથી ખરીદી શકે તે માટે આપવામાં આવે છે.જ્યારે અન્ય  ૫૦% રકમ પોસ્ટ ઓફિસમાં કેદીના નામના શરૂ કરવામાં આવેલા ખાતામાં જમાં થાય છે. કેદી જ્યારે સજા ભોગવીને સમાજમાં પૂન:વસવાટ કરે ત્યારે પોસ્ટ ખાતામાં જમાં થયેલા નાણા તેને સોંપી દેવામાં આવે છે. તેમજ તેમનામાં રહેલા કૌશલ્ય કે હુન્નરને આધારે સમાજ જીવનમાં સહેલાઈથી પગભર થઈ શકે તે માટે સરકારની વિવિધ યોજનાઓની માહિતી તથા મદદ પણ જેલ પ્રશાસન દ્વારા કરવામાં આવે છે.

ઉલ્લેખનિય છે કે, રાજકોટ સુધારાગૃહમાં સજા ભોગવી રહેલા મહિલા કેદીઓના કુલ ૬ બાળકો છે, જેમાં ૨ માસની નાની બાળકીનો પણ સમાવેશ થાય છે. અન્ય ૫ બાળકો માટે જેલની અંદર જ આંગણવાડી બનાવવામાં આવી છે. જેમાં આ બાળકોને અન્ય બાળકોની જેમ જ શિક્ષિત કરવામાં આવે છે. આ બાળકોના સ્વાસ્થ્ય માટે પુરતી તકેદારી રાખવામાં આવે છે. સંકલીત બાળ વિકાસ વિભાગ-રાજકોટ દ્વારા આ બાળકોને નિયમિત પણે ગરમ અને પોષણયુક્ત આહાર ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આ બાળકોનું વેક્સિનેશન (રસીકરણ) સમયાંતરે નિયમિત રૂપથી કરવામાં આવે છે અને તેનો રેકોર્ડ પણ રાખવામાં આવે છે.

જોષીએ જણાવ્યું હતું કે, એક મહિલા જેલ અધિક્ષક તરીકે જ્યારે મને ફરજ સોંપવામાં આવી ત્યારે મારી સમક્ષ અનેક પડકારો હતા. ખાસ કરીને કેદીઓ સમાજ અને જાહેર જીવનથી દુર એકાંતમાં રહેતા હોય છે. દરેક વ્યક્તિની જરૂરીયાતો અલગ અલગ હોય છે, જેને સમજીને પુરી પાડવી. સુધારગૃહના તમામ સભ્યો માટે ભોજનની સુવિધા આસાન કરવી, તેઓના આરોગ્ય બાબતની સમયસર કાળજી રાખવી. આ ઉપરાંત, જેલના તમામ કેદીઓનું શારીરિક અને માનસિક રીતે તંદુરસ્ત રહે તે માટે વિવિધ વિભાગના તાલીમબધ્ધ ડોક્ટરો અને મનોચિકિત્સક દ્વારા તેનું નિયમિતપણે ચેક અપ કરીને જરૂરી દવા-સારવાર ઉપરાંત કેદીઓને જરૂર પડ્યે કાયદાકીય સલાહ-સહાય પૂરી પાડવામાં આવે છે.

સમગ્ર ગુજરાતમાં કુલ ૨૭ જેલ છે, જેમાં ૪ મધ્યસ્થ જેલ, ૧૧ જિલ્લા જેલ, ૨ – ખાસ જેલ, ૮- સબ જેલ અને ૨ – ઓપન જેલનો સમાવેશ થાય છે. હાલના તબક્કે રાજકોટ મધ્યસ્થ સુધાર ગૃહમાં ૯૩ જેટલા મહિલા કેદીઓને અલગ અલગ વિભાગમાં રાખવામાં આવ્યા છે.

(રાજ લક્કડ-રાજકોટ)