દક્ષિણ એશિયામાં દુનિયાની 20 ટકા વસતિ સાથે માનવ મહેરામણ ઉભરાતો રહે છે, પરંતુ કોરોના વાઇરસનો ચેપ વિશ્વમાં 25 લાખને વટાવી ગયો, ત્યારે અહીં 40,000ની ઉપર આંકડો ગયો હતો. 20 ટકા વસતિ સામે કોરોનાના કેસ 1.5 ટકા જ થયા, જે ટકાવારીની રીતે ઘણા જ ઓછા કહેવાય. દક્ષિણ એશિયામાં આવેલા દેશોનું સંગઠન SAARC (સાઉથ એશિયન એસોસિએશન ફૉર રિજનલ કોઓપરેશન) બનેલું છે, તેના આઠ દેશોમાંથી મોટા ત્રણ દેશોમાં જ મોટા ભાગના કેસો થયા છે. નેપાળ, ભૂતાન, શ્રીલંકા, માલ્દીવ અને અફઘાનિસ્તાનમાં મામુલી કેસો થયા છે.
આ દેશોની વસતિ પણ ઓછી છે, પરંતુ મોટી વસતિ ધરાવતા ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં પણ સ્થિતિમાં કાબૂમાં રહી છે. બાંગ્લાદેશમાં હાલમાં રોજના 400ની આસપાસના કેસો થઈ રહ્યા છે, તે પછી પાંચ હજારથી વધુ કેસો થયા છે. આગામી દિવસોમાં કેટલા કેસ વધે છે તે જોવાનું રહે છે. પાકિસ્તાન અને ભારત શરૂઆતમાં સાથે ચાલ્યા પણ તે પછી એપ્રિલમાં 600ની એવરેજથી કેસો વધ્યા છે અને રોજિંદો આંકડો હજારની ઉપર ગયો નથી. તેથી કુલ કેસ હવે 13,000 નજીક પહોંચ્યા છે.
ભારત તેનાથી ડબલ 26,000થી આગળ વધ્યો છે, કેમ કે છેલ્લા અઠવાડિયામાં 1500ની એવરેજમાં ચેપના કેસો વધ્યા છે. આમ છતાં 140 કરોડની નજીક પહોંચવા આવેલી વસતિ સામે આ આંકડો નાનો જ લાગવાનો. સમગ્ર દક્ષિણ એશિયામાં ભારત અને પાકિસ્તાનના ગીચ શહેરોમાં સ્થિતિમાં કાબૂ હોત તો આંકડો આનાથીય નાનો હોત. તેનું કારણ શું તેની સાચી માહિતી ભવિષ્યમાં જ મળશે, પણ અત્યારે કેટલાક અંદાજો મૂકાઈ રહ્યા છે. વિશ્વના બીજા દેશોની સરખામણીએ ઓછા પ્રમાણમાં આ દેશોમાં ટેસ્ટ થયા છે તે મુખ્ય કારણ ખરું, પણ એક માત્ર કારણ નથી. કેમ કે મુંબઈ, દિલ્હી, અમદાવાદ જેવા શહેરોમાં સરેરાશ કરતાં ઘણા વધારે પ્રમાણમાં ટેસ્ટ થયા છે. ઝારખંડ, છત્તીસગઢ, ઓડિશા જેવા રાજ્યોમાં બહુ ઓછો ચેપ પ્રસર્યો હોઈ ત્યાં વધુ ટેસ્ટ કરવાની જરૂર ના હોય તેવી સરેરાશ ઓછી થઈ જાય.
કુલ ટેસ્ટ થાય તેમાંથી કેટલા પોઝિટિવ નીકળે તે રીતે જોઈએ તો પણ સાર્ક દેશોની સ્થિતિ સારી છે – કુલ ટેસ્ટ થાય તેમાંથી અમેરિકામાંથી 19.55 ટકા કેસ પોઝિટિવ નીકળે છે. ફ્રાન્સમાં 34 ટકા જેટલો ઊંચો દર છે, જ્યારે ઇટાલીમાં પણ હજી 12.70 ટકા અને જર્મનીમાં 5.60 ટકા પોઝિટિવ નીકળે છે. તેની સામે બાંગ્લાદેશમાં સૌથી વધુ 11.50 ટકા પોઝિટિવ કેસ નીકળે છે. બાંગ્લાદેશમાં તેથી જ ઝડપથી કેસો વધી રહ્યા છે. પાકિસ્તાનમાં ટેસ્ટ ઓછા થાય છે, પણ 8.25 ટકા કેસ પોઝિટિવ નીકળે છે. તેની સામે ભારતમાં ઘણા ઓછા 4.40 ટકા અને લંકામાં પણ 4.20 ટકા જ પોઝિટિવ નીકળે છે.
તડકાની બાબતમાં પણ ખાતરીપૂર્વક અત્યારે કહી શકાય નહિ. ટ્રમ્પે કહ્યું કે યુવી લાઇટ આપીએ ત્યારે એ ભારે મજાકનું કારણ બન્યા હતા. તેમણે કહ્યું કે લોકોને જંતુનાશકના ઇન્જેક્શન દેવા જોઈએ તેના કારણે પણ ભારે નિંદાપાત્ર બન્યા. પણ તડકાની વાત સાવ નકારી કાઢવામાં પણ નથી આવતી. એક વાર ચેપ લાગ્યા પછી તડકાથી કે ગરમીથી કંઈ ફરક પડવાનો નથી, તે ખાસ યાદ રાખવું. વિજ્ઞાનીઓ ચેતવણી આપે છે કે ટ્રમ્પ જેવા આખાદગ્ધ લોકોની વાતો માનવી નહિ. આકરો સૂર્યપ્રકાશ સપાટી પર ખુલ્લામાં રહેલા પદાર્થો પરના વાઇરસને કદાચ નાશ કરી શકે તેવી માત્ર શક્યતા તપાસાઈ રહી છે.
આપણા લોકો જે વાત સહેલાઇથી માની જાય એ છે કે ભારતીય ઉપખંડના લોકો પ્રથમથી જ કઠણાઈ વચ્ચે જીવવા ટેવાયેલા છે. અહીં તો કાયમી કૂપોષણ હોય અને જાતભાતના બેક્ટેરિયા રોજ શરીરમાં ઘૂસી જતા હોય. પ્રદૂષિત પાણી પીવાનું, પ્રદૂષિત હવા શ્વાસમાં લેવાની, ભેળસેળિયા ખોરાક ખાવાના પણ નિર્માયુ હોય તે જ થાય તેના ભરોસાથી લોકોનું જિંદગીનું ગાડું હાંક્યે જતા હોય છે. હમણા ચીનના એક નિષ્ણાતની વીડિયો કોન્ફરન્સ કરાવીને ભારતમાં રહી ગયેલા ચીની વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરાવાઈ હતી. તેમાં આ નિષ્ણાતે કહ્યું કે ભારતના લોકો માનસિક રીતે બહુ મજબૂત છે.
ભારતના જ નહિ, આસપાસના પડોશી દેશોના લોકો પણ માનસિક રીતે એટલા જ દઠ્ઠર છે. લોકડાઉનની સૂચનાનું પાલન ના કરવું અને બિન્ધાસ્ત હરતા ફરતા રહેવું તેની પાછળ મૂર્ખામી કે નાદાની કે માહિતીનો અભાવ નથી. ‘બધી જ ખબર છે, ભાઈ પણ ચેપથી બચીને ક્યાં જવાના… આવવાનો હશે તો આવશે, જોયું જશે’ તેવી માનસિકતાથી શાકભાજીના ફેરિયા કામ કરતા રહ્યા છે. કરિયાણાના વેપારી, પોલીસ, આરોગ્ય કર્મચારીઓ પણ ઠીક છે હવે એમ કહીને જોખમ વચ્ચે કામ કરતા જ રહ્યા છે. માનસિક મજબૂતી રોગપ્રતિકારક શક્તિ માટે ઉપયોગી થતી હોય છે તેનો પણ સાવ નકાર થતો નથી.
એક શક્યતા હર્ડ ઇમ્યુનિટીની પણ છે. કેટલાકને લાગે છે કે થોડી હર્ડ ઇમ્યુનિટી આ દેશોમાં ઊભી થઈ ગઈ હશે. હર્ડ ઇમ્યુનિટી એટલે વાઇરસ મોટા પ્રમાણમાં ફેલાય અને બહુ લોકોને ચેપ લાગે, પણ બધાને બીમારી ના થાય. ચેપની સામે રોગ પ્રતિકારક શક્તિ કામ કરે. ટેસ્ટ કરવામાં આવે તો કોરોના પોઝિટિવ નીકળે, પણ બહારથી વ્યક્તિ એકદમ સાજીસારી લાગતી હોય. ગળામાં ખરેડ પણ બાજી ના હોય. આવું ભારતમાં થયું પણ છે. ટેસ્ટ કરવામાં આવે તેમાંથી પોઝિટિવ નીકળે, પણ બીમારી ના કોઈ લક્ષણો ના હોય તેનો આંકડો જુદા જુદા અંદાજ પ્રમાણે 69થી 80 ટકા સુધીનો છે. વિશ્વના બીજા દેશોમાં પણ આવું થયું છે, પણ સાર્ક દેશોમાં તે ખાસ દેખાઈ આવ્યું છે.
આ બધા કારણો પણ ગણાવાઈ રહ્યા છે, કેમ કે ટેસ્ટ ઓછા કે વધુ તેનો વિવાદ સહેલાઇથી ઉકેલાશે નહિ. જર્મનીમાં 10 લાખની વસતિએ 20,629, અમેરિકામાં 12,659, ફ્રાન્સમાં 7,103 ટેસ્ટ થાય છે, પણ ભારતમાં માત્ર 355 ટેસ્ટનું પ્રમાણ 20 એપ્રિલ સુધી હતું. આ આંકડાં બદલાતા રહે છે, પણ ટૂંકમાં ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશમાં ટેસ્ટનું પ્રમાણ ઓછું છે. ભૂટાન નાનો દેશ છે એટલે ફટાફટ 8700થી વધુ ટેસ્ટ કર્યા. વસતિ ઓછી હોવાથી 10 લાખે તે પ્રમાણ 11,000નું થયું, પણ માત્ર કેસ જ પોઝિટિવ નીકળ્યા હતા. ભારતમાં દાખલા તરીકે ઝારખંડ કે છત્તીસગઢના ગ્રામીણ વિસ્તારમાં મોટા પ્રમાણમાં ટેસ્ટ થાય તો પણ બહુ ઓછા કેસ પોઝિટિવ નીકળવાના.
ભારતમાં 500થી વધુ કેસ થયા ત્યારે 25 માર્ચથી લોકડાઉન શરૂ થયું અને પાકિસ્તાન, બાંગ્લાદેશ અને શ્રીલંકાએ પણ લૉકડાઉનની જાહેરાત કરી હતી. તેને બાદમાં લંબાવાયું પણ ખરું. બીજા દેશોનો અનુભવ જોવા મળ્યો હતો તેથી લોકડાઉનમાં ફાયદો દેખાયો હતો, પણ અમેરિકામાં લૉકડાઉન અને તે પણ કડક લોકડાઉન એપ્રિલની શરૂઆતમાં આવ્યું તેથી તેના આંકડા કાબૂ બહાર જતા રહ્યા. આ એક વિચાર છે, પણ અમેરિકામાં જે રીતે આંકડા લાખોમાં પહોંચ્યા છે તે જોતા બીજા કારણો પણ વિચારવા પડે. સૌથી વધુ ટેસ્ટ પણ અમેરિકાએ કર્યા છે અને તેથી કેસોની સંખ્યા પણ વધી છે. સ્વીડન જેવા દેશોમાં લોકડાઉન નહિ, પણ એકબીજાથી અંતર જાળવવાની સલાહ અપાઇ હતી અને હર્ડ ઇમ્યુનિટી પર આધાર રખાયો હતો.
ભારતના આરોગ્ય મંત્રાલયે પણ દાવો કર્યો હતો કે શરૂઆતમાં 4 દિવસે આંકડા ડબલ થતા હતા, તે સાત દિવસ સુધી અને હવે 10 દિવસ સુધી પહોંચાડી શકાય તે લોકડાઉનના કારણે. ચીનથી યુરોપ અને અમેરિકાનો હવાઇ પ્રવાસ વધારે હતો તેથી ત્યાં ચેપ જલદી પહોંચ્યો. ભારતમાં તેને પહોંચતા થોડી વાર લાગી. દરમિયાન ઇરાનમાં પણ મોટી સંખ્યામાં ચેપ ફેલાયો હતો તેથી સાર્કના પડોશી દેશોને સાવધાન થઈ જવાની તક મળી હતી તે પણ કારણ છે. એરપોર્ટ અને પોર્ટ પર સ્ક્રિનિંગની શરૂઆત ફેબ્રુઆરીમાં કરી દેવાઈ હતી. લંકામાં જાન્યુઆરીમાં જ ટુરિસ્ટમાંથી જ ચેપ આવ્યો હતો એટલે વિદેશથી આવનારા માટે કડક ક્વોરેન્ટાઇન કરી દેવાયું હતું. ભારતમાં વિદેશથી આવનારા પર વધુ કડક નજર રખાઈ હોત તો હજીય આંકડો નાનો હોત.
ઇટાલીમાં વૃદ્ધોનો મોટા પાયે ભોગ લેવાયો છે. યુરોપના બીજા દેશો અને અમેરિકામાં પણ વૃદ્ધોની સંખ્યા વધારે છે, જ્યારે ચીન અને ભારત તથા પડોશી દેશોમાં વસતિ વધારાના કારણે યુવાઓની સંખ્યા વધારે છે. ચેપ લાગવા છતાં બીમારી નથી દેખાતી તેનું કારણ પણ સાર્ક દેશોની યુવાન વસતિ છે તેમ જાણકારો માને છે. મરણનો આંક પણ બહુ નીચો છે, તેનું કારણ પણ યુવા વસતિ જ મનાય છે. ભારતીય નાગરિકની સરેરાશ ઉંમર 26.8, બાંગ્લાદેશ, નેપાળ અને પાકિસ્તાનની 25થી પણ ઓચી છે. યુરોપ અને અમેરિકામાં સરેરાશ ઉમર 40ની ઉપર છે. ઇટાલીમાં સરેરાશ ઉમર 45થી વધુ હોવાથી મોટા પ્રમાણમાં વૃદ્ધોનો ભોગ લેવાયો. ઇટાલીની 25 ટકા વસતિ સિનિયર સિટીઝન ગણાય, જ્યારે ભારતમાં માત્ર 7.4 છે.
સાર્કના દેશોમાં ચેપ મોડો પહોંચ્યો એટલે તે નબળો પડ્યો તેવી ધારણા પણ છે. સાથે જ વધુ ચેપનો ભોગ બનતી જનતાની રોગ પ્રતિકારકશક્તિ – આ બંને બાબતોનું સંશોધન ચાલી રહ્યું છે એટલે આગળ જતા ખબર પડશે કે કયું કારણ વધારે સાચું. આઈસીએમઆર સાથે સંકળાયેલા એઇમ્સના ભૂતપૂર્વ ડીન નરિન્દર મહેતા કહે છે કે દક્ષિણ એશિયાના લોકોને બહુ જંતુઓ, જીવાણુ, વિષાણુનો સામનો કરવાનો હોય છે તેથી તેમની ટી-સેલ મેમરી સારી હોય છે. ટી-સેલ શ્વેતકણમાં હોય છે અને કોઈ ચેપ લાગે ત્યારે સક્રિય થઈ જતા હોય છે. વારંવાર કોઈને કોઈ ચેપ સામે સક્રિય થવાની આદતને કારણે ટી-સેલની મેમરી કોષમાં વધારે સક્રિય હોય તેવું માનવામાં આવે છે. હ્યુમન લ્યૂકોસાઇટ એન્ટીજેન નામના જિન્સનું વૈવિધ્ય પણ વધારે હોય છે, કેમ કે જુદા જુદા તત્ત્વોનો સામનો કરવાનું થયું હોય છે. આ જિન્સ પણ ટી-સેલને જલદી સક્રિય કરી દે છે.
જોકે આ પણ એક શક્યતા છે અને તેની ચકાસણી કર્યા પછી, પ્રયોગો પછી તેના વિશે જાણકારો ખાતરીથી કહેશે. આગામી વર્ષો સુધી કોરોના વાઇરસ પર સંશોધનો ચાલતા રહેશે. તેની સારવાર, ઉપચાર, ફેલાવાનું કારણ, રસી, રોગપ્રતિકારક શક્તિ, હર્ડ ઇમ્યુનિટી સહિતની બાબતોનો અભ્યાસ થતો રહેશે. ત્યારે એ પણ અભ્યાસ થશે કે યુરોપ અને અમેરિકાને ખેદાનમેદાન કરી નાખનારા વાઇરસને કેમ દક્ષિણ એશિયામાં મોકળું મેદાન ના મળ્યું. તે કારણો જાણવા મળે ત્યાં સુધી આપણે તો કાળજી લેવી જ. થવાનું હશે તે થશે તેવી માનસિકતા રાખોને, કોણ ના પાડે છે, પણ સાવધાની રાખવામાં શું ખોટું છે? એ પણ યાદ રાખો કે ઉપરના કારણોની ચર્ચા કરનારા વિદ્વાનો સાવચેત પણ કરે છે કે હજી આંકડા વધી જ રહ્યા છે અને ક્યારે અટકે તે પછી જ આગળનો વિચાર થશે. મુંબઈ અને અમદાવાદ જુઓ, રોજ મોટી સંખ્યામાં પોઝિટિવ આવતા જ જાય છે એટલે હજી ખમી જાવ અને નવાં આંકડા આવવા દો.