બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની છેલ્લી અને પાંચમી ટેસ્ટ મેચમાંથી રોહિત બહાર થઇ ગયો છે. એટલે આપણે એવુ કહી શકીએ કે, રોહિત શર્મા માટે 2024નું વર્ષ સારું રહ્યું ન હતું અને બીજી તરફ 2025ના નવા વર્ષની શરૂઆત પણ તેના માટે સારી રહી ન હતી. રોહિતે હજુ સુધી ટેસ્ટ ફોર્મેટમાં તેના ભવિષ્ય અંગે સ્પષ્ટતા કરી નથી. તેથી હવે અટકળો લાગી રહી છે કે આગામી ICC ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમની કેપ્ટનશીપને લઈને BCCI અને પસંદગી સમિતિ બીજા વિકલ્પો પર વિચાર કરી શકે છે.
એક અહેવાલના દાવા પ્રમાણે, BCCI પહેલેથી જ વનડે ક્રિકેટમાં કેપ્ટનના વિકલ્પોની શોધ કરી રહ્યું છે. ત્યારે ગયા વર્ષે જૂનમાં ભારતે T20 વર્લ્ડકપ જીત્યા બાદ રોહિતે T20I ફોર્મેટમાંથી નિવૃત્તિ લઇ લીધી હતી અને એક મહિના પછી સૂર્યકુમાર યાદવે ટીમની કમાન્ડ સંભાળી હતી. પર્થમાં ભારતને શાનદાર જીત અપાવનાર જસપ્રીત બુમરાહ ટેસ્ટ ક્રિકેટમાં રાષ્ટ્રીય ટીમની કેપ્ટનશીપ કરવા માટે તૈયાર છે. રોહિતના ભાવિને લઈને અટકળો વધી રહી છે અને મુખ્ય કોચ ગૌતમ ગંભીર હેઠળની ભારતીય ટીમના નેતૃત્વમાં દેખીતી રીતે ફેરફાર થઈ રહ્યો છે. આ રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, જો પસંદગીકારો વનડે ફોર્મેટમાં કેપ્ટન તરીકે રોહિતની જગ્યા એ બીજા કોઈને તક આપવા માંગશે તો એમાં ગુજરાતી ખેલાડી હાર્દિક પંડ્યાનું નામ સૌથી આગળ છે. તેની પાસે છેલ્લા બે વર્ષમાં વ્હાઈટ બોલ ફોર્મેટમાં ટીમનું નેતૃત્ત્વ કરવાનો પૂરતો અનુભવ છે. હાર્દિક હાઈ પ્રોફાઇલ મેચમાં ટીમનું નેતૃત્ત્વ કરવાની ક્ષમતા ધરાવે છે. ઓલરાઉન્ડર તરીકેનો તેનો અનુભવ તેને ચેમ્પિયન્સ ટ્રોફી જેવી ICC ટુર્નામેન્ટ માટે એક આદર્શ પસંદગી બનાવે છે. મેનેજમેન્ટ મોટાભાગે દરેક ફોર્મેટમાં અલગ-અલગ કેપ્ટનશીપના પક્ષમાં નથી. ભારતનો T20 ફોર્મેટના કેપ્ટન સૂર્યકુમાર યાદવ વનડે ટીમમાં પોતાનું સ્થાન કન્ફર્મ કર્યું નથી. તેથી તેને 50 ઓવરની ક્રિકેટમાં કેપ્ટન બનાવવામાં આવે તેવી શક્યતા ઓછી છે. રોહિતની જગ્યાએ અન્ય ખેલાડીઓ રિષભ પંત અને શુભમન ગિલ હોઈ શકે છે. આ સિવાય રિપોર્ટમાં દાવો કરાયો છે કે, શુભમન ગિલને પરિપક્વ કેપ્ટન બનવા માટે હજુ વાર લાગશે.