નવી દિલ્હીઃ દેશમાં કેન્દ્રએ ઘઉંના ઉત્પાદનનો અંદાજ ભલે 5.7 ટકા ઘટાડ્યો છે, પણ તેમ છતાં દેશમાં હાલમાં એક વર્ષ માટે ઘઉંનો સ્ટોક જરૂરિયાત કરતાં વધુ માત્રામાં છે એમ ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ (DFPD)ના સચિવ સુધાંશુ પાંડેએ કહ્યું હતું. દેશમાં ચાલતી કલ્યાણકારી યોજનાઓની જરૂરિયાત પૂરી કર્યા પછી પણ પહેલી એપ્રિલ, 2023એ દેશ પાસે 80 લાખ મેટ્રિક ટન (LMT) ઘઉંનો સ્ટોક હશે, જે લઘુતમ જરૂરિયાત 75 લાખ મેટ્રિક ટન કરતાં પણ વધુ છે, એમ તેમણે કહ્યું હતું.
દેશમાં નાણાકીય વર્ષ 2023માં ઘઉંની ઊપજ અંદાજ કરતાં નીચી 1050 LMT રહેવાની ધારણા છે, પણ તેમ છતાં ઘઉં સરપ્લસ રહેવાનો અંદાજ છે એમ તેમણે કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે કેન્દ્ર સરકારનો ઘઉંની નિકાસ પર નિયંત્રણો મૂકવાનો હાલ કોઈ ઇરાદો નથી. હાલ અત્યાર સુધી દેશમાંથી 40 LMT ઘઉંની નિકાસના કરાર કરવામાં આવ્યા છે અને એપ્રિલમાં 11 LMT ઘઉંની નિકાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત ઇજિપ્ત અને તુર્કીએ પણ ભારતીય ઘઉં ખરીદવા માટે મંજૂરી આપી દીધી છે, વળી, જૂનથી આર્જેન્ટિના અને ઓસ્ટ્રેલિયાના ઘઉં વૈશ્વિક બજારમાં વેચાણ માટે આવશે, જેથી ભારતીય નિકાસકર્તાઓને હાલ આંતરરાષ્ટ્રીય બજારમાં ઘઉંની નિકાસ કરવા માટે સારી તક છે, એમ તેમણે કહ્યું હતું.
તેમણે એ પણ સ્પષ્ટતા કરી હતી કે ખાદ્ય તેલનો પણ દેશમાં પર્યાપ્ત જથ્થો છે અને ઇન્ડોનેશિયા દ્વારા કામચલાઉ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પામ તેલની આયાત ટૂંક સમયમાં ફરી શરૂ થઈ જશે.