પ્રથમ એ વાત નોંધી લો કે આ ફેક ન્યૂઝ નથી. હેલિકોપ્ટર મની એ શબ્દ અર્થશાસ્ત્રીઓમાં વપરાતો શબ્દ છે. થિયરી થોડી અઘરી છે એટલે સમજવા માટે હેલિકોપ્ટર મની શબ્દ વપરાય છે. અર્થતંત્રમાં મંદી બેસી ગઈ હોય ત્યારે તેને દૂર કરવા માટે અને લોકો પૈસા વાપરતા થાય તે માટે ‘પૈસા ફેંકવા’ પડે. હેલિકોપ્ટર ઉપરથી નોટો ફેંકે અને નીચે નાગરિકો તેને ઝીલે – સાચેસાચ નહિ, પણ પ્રતીકાત્મક રીતે. સરકાર આરબીઆઈ પાસે નાણાં માગે એટલે આરબીઆઈ ચલણી નોટો છાપે અને છાપેલી નોટો આપીને સરકારના બૉન્ડ ખરીદી લે. સરકાર પાસે હવે નાણાંની છત થાય એટલે ‘રાહત કાર્યો’ અથવા માળખાકીય સુવિધાના કેપિટલ પ્રોજેક્ટ્સ શરૂ કરે. રસ્તા, બંધો, પુલો, એરપોર્ટ, સ્ટેડિયમ, હોસ્પિટલ, શાળાઓ સરકાર જરૂરિયાત પ્રમાણે પ્રોજેક્ટ ધમધમતા ચાલુ કરે એટલે દેશમાં નાણું ફરતું થાય.
જૂના જમાનામાં દુકાળ પડતો ત્યારે રાજાઓ કુવા અને વાવ ગળાવતા, રસ્તા બંધાવતા અને પોતાના મહેલો અને કિલ્લો ચણાવાત. એવા આ ‘રાહત કાર્યો’ની આધુનિક રીત છે કે સંકટ સમયે નાગરિકોની સીધી રોકડ સહાય. દાખલા તરીકે, મહિલાઓના જનઘન ખાતાઓમાં પાંચસો પાંચસો રૂપિયા સરકારે જમા કરાવવાની જાહેરાત કરી છે. એ જ રીતે કોરોનાના કારણે સસ્તા અનાજની દુકાનેથી દર મહિને જેટલું અનાજ મળતું હતું, તેટલું જ બીજું અનાજ ત્રણ મહિના સુધી મફત આપવાની જાહેરાત થઈ છે. તે રીતે લગભગ 1.70 લાખ કરોડની સહાયની જાહેરાત થઈ હતી. આરબીઆઈના ગર્વનરે શુક્રવારે જાહેરાત કરીને બીજા એક લાખ કરોડની જાહેરાત કરી છે. 50,000 કરોડ બેન્કો અને નાણાં સંસ્થાઓને અપાશે, જેથી તેઓ આગળ ધિરાણ આપી શકશે. 50,000 કરોડ નાબાર્ડ, સિડબી અને નેશનલ હાઉસિંગ બોર્ડને અપાશે, જે આગળ ખેડૂતો, નાના વેપારીઓ અને આવાસ માટે હળવી શરતોથી ધિરાણ આપી શકે.
પરંતુ આ વખતનું સંકટ બહુ મોટું છે. સ્વાસ્થ્યનું સંકટ કદાચ એક કે બે મહિનામાં ટળી જશે, પણ તેની પાછળ આવેલું આર્થિક સંકટ બીજા બે ચાર મહિના ચાલશે તેવી ચિંતા છે. તે વખતે ગરીબ, રોજમદાર, ખેતમજૂરથી માંડીને નાના વેપારી અને કારખાનેદાર ઉપરાંત એરલાઇન્સ અને ટુરિઝમ ક્ષેત્રને પણ મદદ કરવી પડશે. તેના માટેના નાણાં ક્યાંથી આવશે તે ચિંતા છે. અત્યાર સુધીમાં થયેલી જાહેરાત ભારતના જીડીપીના એકથી દોઢ ટકા જેટલી થાય છે. સરખામણીમાં અમેરિકાએ જીડીપીના 10 ટકાની 2.2 ટ્રિલિયન ડૉલરની સહાય આપવાની જાહેરાત કરી છે. ભારતમાં પણ જીડીપીના 5 ટકા અથવા પાચ લાખ કરોડ રૂપિયાની રાહતો અર્થતંત્રને આપવી પડશે તેવો સૂર ઉઠ્યો છે.
અમેરિકાના મોટી સંખ્યામાં નાગરિકોને માથાદીઠ 1200 ડૉલરનો ચેક આપી દેવાનો નક્કી થયો છે. ભારતે જનધનમાં 500 રૂપિયા નાખ્યા તે બહુ નાની રકમ છે. ખેડૂતોને 2000 મળ્યા છે, પણ તે અગાઉથી થયેલી જાહેરાત હતી. આ સંજોગમાં નાગરિકોને સીધી સહાય કેવી રીતે થશે તેની જાહેરાત કેન્દ્ર સરકાર કરશે ત્યારે ખબર પડશે. વડા પ્રધાન અને નાણા પ્રધાન વચ્ચે બેઠક થઈ છે. આરબીઆઈની રાહતો પછી ઉદ્યોગો અને સેક્ટર્સ માટે અલગથી હજી એક-બે જાહેરાતો થશે તેની રાહ જોવાય છે.
આ બધી ચર્ચા વચ્ચે હેલિકોપ્ટર મનીની ચર્ચા પણ ચાલી છે. અર્થશાસ્ત્રીઓ કહે છે કે ભારતે અત્યારે હેલિકોપ્ટર મનીનો ઉપયોગ કરવાનો સમય આવી ગયો છે. ટૂંકમાં કહીએ તો આરબીઆઈ ચલણી નોટો છાપે અને સરકારને આપે. સરકાર વાપરે અને સહાય આપે. મરજી પ્રમાણે નોટો છાપવું સલાહભર્યું હોતું નથી. કોઈ સરકાર એમ આડેધડ છાપતી પણ નથી, કેમ કે તેના કારણે ઉલટાનું અર્થતંત્ર ડામાડોળ થઈ જાય. 1990-91માં ભારતમાં નાણાંકીય સ્થિતિ બહુ તંગ થઈ ગઈ હતી અને વિદેશી હૂંડિયામણ બચ્યું નહિ તેથી વિમાન ભરીને સોનું લંડન મોકલવું પડ્યું હતું. તેથી બહુ સંભાળપૂર્વક નોટો છાપવાની હોય છે. અમેરિકા કે જાપાન જેવા વિકસિત દેશો નોટા છાપવાને કારણે ઊભી થનારી અસરોને સહન કરી શકે, પણ ભારત જેવા વિકાસશીલ દેશો માટે સ્થિતિ સંભાળવવી મુશ્કેલ બને. સૌથી મોટો ભય ફુગાવો અને વિદેશી હૂંડિયામણની ઘટની હોય છે.
2019માં બીજી વાર મોદી સરકાર આવી તે પછી કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો કરીને 1.75 લાખ કરોડની આવક ગુમાવી જ હતી. નોટબંધીને કારણે નાના વેપારધંધાની પનોતી બેઠી હતી તે ગઈ નથી અને બેરોજગારી વધતી જ રહી છે. ગ્રામીણ વિસ્તારની ખરીદ શક્તિ ઘટી છે. તેથી જીએસટી અને સીધા કરવેરાના લક્ષ્યાંકો આમ પણ પૂરા થવાના નહોતા. ક્રૂડનો ભાવ ઘટી ગયો, પણ કોરોનાના કારણે વપરાશ સાવ જ ઘટી ગયો તેથી ફાયદો ધોવાઈ ગયો છે. સરકારે ફિસ્કલ ડેફિસિટને મહદ અંશે કાબૂમાં રાખી હતી એટલે થોડી ઉધારી કરવાની મોકળાશ હતી, પણ હવે કોરોનાએ ગણિત બગાડ્યું છે. કોરોના ક્યારેય અટકશે અને ક્યારથી પૂર્ણપણે આર્થિક પ્રવૃત્તિઓ ધમધમતી થાય ત્યારે સ્થિતિ સ્પષ્ટ થશે.
તેથી સરકાર પાસે અત્યારે નોટોને પ્રિન્ટ કર્યા સિવાય બીજો વિકલ્પ નથી તેવો મત ઊભો થઈ રહ્યો છે. કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીએ કહ્યું કે અમારી ન્યાય યોજના પ્રમાણે સૌને સીધી સહાય આપો. સંયુક્ત રાષ્ટ્રસંઘના એક નિષ્ણાતે પણ કહ્યું છે કે યુનિવર્સલ બેઝિક ઇન્કમ એક સારો ઉપાય છે. 500 રૂપિયા સીધા જનધનમાં અપાયા તે તેનું નાનકડું સ્વરૂપ છે. બીજું મનરેગાના કામો માટે કલેક્ટર્સને ફ્લેક્સિબિલીટી અપાઈ છે. શું કામ કરવું તે નક્કી ના હોય તો પણ મનરેગા પ્રમાણે ચૂકવણી કરવી તેવું નક્કી થયું. તે પણ આડકતરું આનું જ સ્વરૂપ છે. પરંતુ જરૂર પડવાની છે કે પાંચ કે દસ લાખ કરોડ રૂપિયાની. અને તેથી નોટો છાપવાની વાત છે.
અર્થશાસ્ત્રી ઉપરાંત નેતાઓમાંથી તેલંગાણાના મુખ્ય પ્રધાન કે. ચંદ્રશેખર રાવે ગયા અઠવાડિયે એવા મતલબની વાત કરી કે કેન્દ્ર સરકારે ‘હેલિકોપ્ટરમાંથી નાણાં ફેંકવા’ જોઈએ. આગળ વાત રીતે પ્રમાણે સાચેસાચ નથી ફેંકવાના, પણ અર્થશાસ્ત્રનો આ કન્સ્પેટ છે તેનો ઉપયોગ કરવાનો છે. હેલિકોપ્ટર મની એ શબ્દ પાંચ દાયકા પહેલાં અર્થશાસ્ત્રી નોબેલ વિજેતા મિલ્ટન ફ્રાઇડમેને આપ્યો હતો. અર્થતંત્રને સુસ્તીમાંથી બહાર લાવવા નોટો છાપવાનો વિચાર પણ તેમનો જ હતો. તેમના કન્સેપ્ટ પ્રમાણે અચાનક મોટા પ્રમાણમાં રોકડ લોકોમાં ફરતી થાય એટલે ખરીદી વધે. માગ વધે એટલે પુરવઠો વધારવા કોશિશ થાય. પુરવઠો વધારવા માટે એક્ટિવિટી વધે તેના કારણે રોજગારી વધે અને રોજગારી વધે એટલે તે નાણું પણ ફરી વપરાતું થાય અને ફરી નવી માગ ઊભી કરતું થાય. આ રીતે મંદીનું ચક્ર અટકે અને તેજી તરફ ફરતું થાય.
જોકે તેની આડઅસર એ હોય છે કે અચાનક લોકોના હાથમાં પૈસા આવે ત્યારે માગ વધે અને પુરવઠો હોય નહિ તેથી મોંઘવારી વધે. ફુગાવો વધી જાય અને પુરવઠા માટે આયાત વધે તો મોટા પાયે વિદેશી હૂંડિયામણ પણ ખાલી થઈ જાય. આપણી ભાષામાં વાત કરીએ તો ઉપરથી નોટોનો વરસાદ થાય એટલે લોકો કામધંધો કંઈ કરે નહિ અને પૈસા અહીંતહીં વેડફી જ નાખે એટલે હતા ત્યાંના ત્યાં. આ પ્રકારના સર્વે પણ થયા છે અને સર્વેમાં મોટા ભાગે નોટો છાપવાથી અમુક હદથી વધુ ફાયદો થતો નથી તેવું જ તારણ નીકળે છે.
આ સર્વે ઉપરાંત વાસ્તવમાં એવું બન્યું પણ હતું. 2007-08માં અમેરિકામાં નાણાકીય બજાર બેસી ગઈ ત્યારે અમેરિકાની સરકારે તેને બચાવી લીધી હતી. ડૉલરની લીલી નોટો છાપીને બેન્કો અને નાણાંકીય સંસ્થાઓને નાદાર થતી બચાવી લેવાઈ હતી, પણ તે પછી અર્થતંત્ર ધાર્યા પ્રમાણે ફરીથી તેજી તરફ વળ્યું નહોતું. અમેરિકાની સરકારે જ બધી ખોટ ભોગવવાનું આવ્યું. અમેરિકા અને જાપાન જેવી જંગી ઇકોનોમી જ આવી ખોટ સહન કરી શકે. ચીનું અર્થતંત્ર પણ તગડું થયું છે, પણ સામે વસતિ બહુ મોટી હોવાથી અને માથાદીઠ ગણતરીએ તે ઘણું પાછળ હોવાથી ચીન માટે પણ આવો ઉપાય બહુ કામનો નહિ.