VIDEO: PGVCLના કસ્ટમર કેર કર્મચારીઓનો સૂતાનો વીડિયો વાયરલ, તપાસના આદેશ

રાજ્યમાં તમામ સુવિધા આપવા સાથે સુવિધાનો લાભ ઉઠાવવામાં કોઈ પણ જાતની મુશ્કેલીના પડે તે માટે કસ્ટમર સપોર્ટ બનાવવામાં આવે છે. આ કસ્ટમર સપોર્ટમાં ફોન કરતાની સાથે તમામ ગ્રાહકોની મુશ્કેલીનો અંત આવવાની સરકાર કે પ્રાઈવેટ કંપની વાયદો આપતી હોય છે. પરંતુ ઘણી કંપની કસ્ટમર સપોર્ટ ભાગ્યે મુશ્કેલીના સમાધાન માટે ફોન ઉપાડતા હોય છે. આ પ્રકારની વધતી ફરિયાદો વચ્ચે રાજકોટના PGVCLના કસ્ટમર કેર સેન્ટરનો એક વીડિયો વાઇરલ થયો છે.

 

પ્રાપ્ત માહિતી પ્રમાણે વાઇરલ થયેલા વીડિયો રાજકોટ શહેરના કનક રોડ પર આવેલા કસ્ટમર કેરનો હોવાનું સામે આવ્યું છે. ગ્રાહકો ફરિયાદ માટે PGVCLના કસ્ટમર કેર ઓફિસમાં ફોન કરતા હોય છે, પરંતુ તેમનો ફોન ઉપાડવામાં ન આવતો હોય તે પ્રકારની ફરિયાદ પણ ઉઠી હતી. ત્યારે રાત્રિના સમયે કોન્ટ્રાક્ટ બેઝ્ડ પર કામ કરનારા તમામ કર્મચારીઓ એક સાથે ખુરશી ઉપર સૂતા હોય તેવો વીડિયો વાઇરલ થયો છે. આ મામલે MD દ્વારા તપાસના આદેશ અપાયા છે અને હવે આગામી સમયમાં આ કર્મચારીઓ સામે પગલા લેવામાં આવશે. આ બાબતે અધિકારીઓએ જણાવ્યું કે, કસ્ટમર કેર સેન્ટરનો રાત્રિનો વીડિયો સામે આવ્યો છે. જોકે, આ વીડિયો કઈ તારીખનો છે તે હજુ ખ્યાલ નથી. આ બાબતે અમારા ઉચ્ચ અધિકારીઓ તપાસ કરી રહ્યા છે અને તપાસ બાદ પગલાં લેવામાં આવશે. આ મામલે મેનેજિંગ ડિરેકટર પ્રિતી શર્મા દ્વારા તપાસ સોંપવામાં આવેલી છે. પીજીવીસીએલ કસ્ટમર કેરમાં ફરજ બજાવનારા કર્મચારીઓ કોન્ટ્રાક્ટ આધારિત હોવાનું સામે આવ્યું છે. તેમજ પીજીવીસીએલ દ્વારા બેસ્ટ એજન્સી નામની પેઢીને કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે. ત્યારે આગામી સમયમાં કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીઓ સાથે કયા પ્રકારના પગલાં ભરવામાં આવશે તે જોવું અતિ મહત્વનું બની રહેશે.