જામનગરનાં પ્રખ્યાત તીખાં ઘુઘરા

દિવાળીમાં ફરસાણ માટે ગળ્યાં ઘુઘરા તો આપણે બનાવ્યા જ છે, પરંતુ દિવાળીની રજાઓમાં ગરમ નાસ્તો પણ તો ખાવો ગમશે જ ને. તો બનાવી લો જામનગરનાં પ્રખ્યાત તીખાં ઘુઘરા, ગળી, તીખી તેમજ લસણની ચટણી સાથે!!!

સામગ્રીઃ

 • મેંદો 1½ કપ
 • સ્વાદ મુજબ મીઠું
 • તેલ મોણ માટે 1½ ટે.સ્પૂન
 • તેલ ઘૂઘરા તળવા માટે

ગાર્નિશ માટેઃ

 • ઝીણી ચણાના લોટની નાયલોન સેવ
 • કોથમીર ધોઈને સમારેલી
 • મસાલા શીંગદાણા
 • 1 કાંદો ઝીણો સમારેલો

પુરણ માટેઃ

 • બાફેલાં બટેટા 5-6
 • બાફેલાં લીલા વટાણા 1 કપ
 • આદુ-મરચાંની પેસ્ટ 1 ટે.સ્પૂન
 • સ્વાદ મુજબ મીઠું
 • ધાણાજીરૂ ½ ટી.સ્પૂન
 • લાલ મરચાં પાવડર ½ ટી.સ્પૂન
 • ગરમ મસાલો 1½ ટે.સ્પૂન
 • આમચૂર પાવડર (અથવા લીંબુનો રસ) ½ ટી.સ્પૂન
 • કોથમીર ધોઈને સમારેલી 2 ટે.સ્પૂન

ગળી ચટણીઃ

 • આમલી ½ કપ
 • ગોળ ઝીણો સમારેલો ½ કપ
 • કોર્નફ્લોર 1 ટી.સ્પૂન
 • મરચાં પાવડર 1 ટી.સ્પૂન
 • મીઠું સ્વાદ મુજબ

લીલી ચટણીઃ

 • તીખાં લીલા મરચાં 2
 • આદુનો ટુકડો 1 ઈંચ
 • સ્વાદ પ્રમાણે મીઠું
 • લીંબુનો રસ 1 ટે.સ્પૂન
 • શીંગદાણા 2 ટે.સ્પૂન

લસણની ચટણીઃ

 • લાલ સૂકાં મરચાં
 • લસણની કળીઓ 8-10
 • કાશ્મીરી લાલ મરચાં પાવડર 1 ટે.સ્પૂન
 • સ્વાદ પ્રમાણે મીઠું

રીતઃ મેંદામાં તેલનું મોણ નાખ્યા બાદ થોડો લોટ મુઠ્ઠીમાં લઈ વાળી જુઓ. જો લોટ મુઠ્ઠીમાં થોડો બંધાય તેવો થાય એટલે તેમાં થોડું થોડું પાણી ઉમેરીને મિડિયમ લોટ બાંધી દો. 15 મિનિટ માટે લોટને ઢાંકીને મૂકી રાખો.

પુરણ તૈયાર કરવા માટે બાફેલાં બટેટાને અધકચરા મેશ કરી લો. તેમાં બાફેલાં વટાણા, આદુ-મરચાંની પેસ્ટ, ધાણાજીરૂ, મરચાં પાવડર, ગરમ મસાલો, આમચૂર પાવડર, સ્વાદ મુજબ મીઠું, સમારેલી કોથમીર મેળવીને પુરણ તૈયાર કરી લો.

ગળી ચટણીઃ આમલીને ગરમ પાણીમાં થોડીવાર પલળવા મૂકો. આમલી પાણીમાં નરમ થાય એટલે તેને હાથેથી મેશ કરી લો અને ચાળણીમાં ગાળી લો. ત્યારબાદ તેમાં ગોળ, મરચાં પાવડર, કોર્નફ્લોર, મીઠું તેમજ થોડું પાણી નાખીને ગેસ પર ગરમ કરવા મૂકો. થોડીવાર ઉકળીને ઘટ્ટ થવા આવે એટલે ગેસ બંધ કરીને ઉતારી લો.

લીલી ચટણીઃ મિક્સીમાં મરચાં, સુધારેલો આદુનો ટુકડો, સ્વાદ પ્રમાણે મીઠું, લીંબુનો રસ તથા શીંગદાણા તેમજ જરૂર મુજબ થોડું પાણી ઉમેરીને ચટણી પીસી લો.

લસણની ચટણીઃ લાલ સૂકાં મરચાં, લસણની કળીઓ, કાશ્મીરી લાલ મરચાં પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું તેમજ થોડું પાણી મેળવીને મિક્સીમાં આ ચટણી પીસી લો.

ઘુઘરા બનાવવા માટેનો લોટ ફરીથી કુણી લેવો. ત્યારબાદ તેમાંથી મિડિયમ સાઈઝનો લૂવો લઈ ગોળ પુરી વણી લો. પુરીની અડધી બાજુએ 1 ચમચી પૂરણ મૂકી દો. તેજ બાજુની પુરીની અડધી કિનારી પર પાણી લગાડીને પુરીની બાકીની અડધી બાજુ બંધ કરીને ચોંટાડી દો અને દાબીને કાંગરી વાળીને ઘુઘરા બનાવી લો.

બધા ઘુઘરા વાળી લીધા બાદ ગેસ પર કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે લોટની થોડી કણી નાખીને જો તે તરત ઉપર આવી જાય એટલે તેલ ગરમ થઈ ગયું છે. હવે ઘુઘરા તેલમાં હળવેથી નાખીને ગેસની આંચ ધીમી કરીને ઘુઘરા બંને બાજુએથી સોનેરી રંગના તળી લો.

એક પ્લેટમાં ઘુઘરા મૂકીને ઘુઘરાને ઉપરથી આંગળી વડે ખાડો કરીને તેની ઉપર તીખી ચટણી, ગળી ચટણી, લસણની ચટણી ચમચી વડે રેડો. તેની ઉપર ઝીણાં સમારેલાં કાંદા, કોથમીર, 2-4 શીંગદાણા તેમજ નાયલોન સેવ ભભરાવીને ચટાકેદાર સ્વાદિષ્ટ ઘુઘરા પીરસો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]