ચૂરા મટર

બનારસની પ્રસિદ્ધ વાનગી ચૂરા મટર શિયાળો આવતાં જ ત્યાં ઘેર ઘેર બનવા લાગે છે! ચૂરા મટર, એટલે આપણી ગુજરાતી ભાષામાં કહી શકાય વટાણા-પૌંઆ! આમ પણ, વટાણા શિયાળાની ઋતુમાં સરસ મળી રહે છે અને ઋતુ પ્રમાણે મળતાં શાકમાં સ્વાદ પણ ભરપૂર હોય છે. વળી, પૌષ્ટિકતા તો નફામાં જ!

સામગ્રીઃ

 

 • જાડા પૌંઆ 2 કપ
 • લીલાં તાજા વટાણા 2 કપ
 • જીરૂ 1 ટી.સ્પૂન, વઘાર માટે તેલ
 • લીલા મરચાં 3-4
 • આદુ ખમણેલું 1 ટી.સ્પૂન
 • ગરમ મસાલો ½ ટી.સ્પૂન
 • લીંબુનો રસ 1 ટી.સ્પૂન
 • કાજુના ટુકડા ½ કપ
 • કાંદા 2-3 (optional)
 • કાળાં મરી પાવડર ½ ટી.સ્પૂન
 • હીંગ ¼ ટી.સ્પૂન
 • પાણી ½ કપ
 • ધોઈને સુધારેલી કોથમીર ½ કપ
 • ઘી 2 ટે.સ્પૂન
 • મીઠું સ્વાદ મુજબ

 

રીતઃ સહુ પ્રથમ પૌંઆને ધોઈને તેમાંથી પાણી નિતારી લો અને થાળીમાં એકબાજુ મૂકી દો. એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં કાજુ સાંતડીને એક બાજુએ કાઢી લો. ત્યારબાદ તેમાં જીરુ તથા હીંગનો વઘાર કરીને આદુ તથા મરચાં ઉમેરીને ઝીણાં સમારેલાં કાંદાને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાંતડો અને લીલા વટાણા ઉમેરી દો. ગેસની આંચ મધ્યમ-ધીમી કરીને કઢાઈ ઢાંકીને વટાણા ચઢવા દો. થોડી થોડી વારે વટાણાને હલાવીને જોઈ લો. વટાણા ના ચઢતા હોય તો ½ કપ જેટલું પાણી ઉમેરો.

કાંદા ચઢી જાય એટલે તેમાં ગરમ મસાલો, કાળાં મરી પાવડર, સ્વાદ મુજબ મીઠું, લીંબુનો રસ પણ મિક્સ કરી દો. હવે તેમાં પાણી નિતારેલાં પૌંઆ ઉમેરીને મિક્સ કરો સાથે સમારેલી કોથમીર અને 2 ટે.સ્પૂન ઘી પણ ઉમેરી દો અને કઢાઈ ઢાંકી દો. ગેસની આંચ ધીમી કરીને 5-10 મિનિટ થવા દો. પૌંઆ ચઢી જાય એટલે તેમાં સાંતડેલા કાજુના ટુકડા મિક્સ કરીને ગરમાગરમ પીરસો.