યોગ એ જીવન જીવવાની કળા છે. યોગ એ જીવનનું વિજ્ઞાન છે. આપણા આરોગ્યની જાળવણીમાં યોગાસનની ભૂમિકા કેટલી મહત્વની છે તે જોઈએ. સામાન્ય રીતે આપણે એવું માનીએ છીએ કે શરીરની મજબૂરી સ્વાસ્થ્ય છે, સ્વસ્થ વ્યક્તિ એટલે એનું સ્વાસ્થ્ય સારું. યોગ આઠ શબ્દનો ખૂબ વ્યાપક અર્થમાં ઉપયોગ કરે છે, પ્રાચીન શાસ્ત્રોને આપણું યોગશાસ્ત્ર એવું માને છે કે, આપણી અંદર એક સૂક્ષ્મ શરીર સંકળાયેલું છે. સારું સ્વાસ્થ્ય એટલે શરીર અને મન બંને શ્રેષ્ઠ સ્થિતિમાં હોવા જોઈએ. ઘણીવાર જોવા મળે છે કે, કુસ્તીબાજો, બોડી બિલ્ડર, બોક્સર શરીરથી ખૂબ મજબૂત હોય છે, પણ જ્યારે મનથી નબળા થઈ ગયા હોય છે. માનસિક સંતુલનના અભાવના કારણે તેઓ સંપૂર્ણ રીતે સ્વસ્થ ન કહી શકાય. એક રીતે જોવા જઈએ તો શરીર કરતા મનનું સ્વાસ્થ્ય વધારે અગત્યનું છે. કારણ કે પેલી કહેવત છે ને, મન હોય તો માળવે જવાય.
મજબૂત મનોબળ અને ધ્યેય કેળવવા કેવી રીતે? જો આપણે સામાન્ય વ્યક્તિની જેમ–દિવસ ઉગ્યો, જે કાર્ય કરવાના છે તે કર્યા, ને કશું જ વિચાર્યા વિના, કશું જ આત્મનિરીક્ષણ કર્યા વિના, દિવસ તો એની રીતે પૂરો થવાનો જ છે. પછી આમને આમ તો જીવન પૂરું થઈ જશે. આમ શારીરિક, માનસિક, બૌદ્ધિક, નૈતિક અને આધ્યાત્મિક આ બધા પરિબળોમાં બેલેન્સ હોવું જોઈએ.
દાખલા તરીકે મન કહે છે મારે યોગ કરવા છે, શરીર તો આરામ કરે છે. બૌદ્ધિક સ્તરે એક દલીલ આવશે કે, ઉઠ તારા માટે યોગ સારા છે પણ દરેક સ્તરે વર્તન જુદું છે. યોગમાં ગયા અને માત્ર અંગ મરોડે કરીને પાછા આવ્યા, તો ત્યાં આધ્યાત્મિક સ્તરે કામ જ ન થયું. શક્તિ ન વાપરી ન વિચારી તો બધું વ્યર્થ છે. યોગ માત્ર રોગમુક્ત શરીરની વ્યાખ્યા નથી. આપણું શરીર અને મનની સંવાદિતાની સ્થિતિમાં અને દુઃખથી મુક્ત રહેવું એ જ સ્થિતિમાં યોગ લાવે છે. સ્વસ્થ રહેવું એટલે દરેક સ્તરે સંતુલન અને સંકલન સ્થિતિમાં રહેવું એ સૂચવે છે. એ સાચું છે કે, પર્યાવરણ વ્યાવસાયિક માંગ, સામાજિક દબાણ જેવા પરિબળોના સ્વાસ્થ્ય પર અસર પડે છે. તે જીવનશૈલીમાં સકારાત્મક અને ટકાઉ ફેરફારો દ્વારા શ્રેષ્ઠ માવજત કરવાનું યોગમાં શક્ય બને છે. દૈનિક કસરત કેટલો ભાગ ભજવે છે તે જોઈએ.
કસરત બે પ્રકારની હોઈ શકે. એક શરીરના ચોક્કસ વિસ્તારો અથવા સ્નાયુઓના ચોક્કસ સમૂહને ધ્યાનમાં રાખતી પ્રવૃત્તિ. બીજો શરીરના બધા ભાગ પર સમાન ભાર મૂકવો. યોગાસન એ બીજા પ્રકારમાં આવે છે. જો કે યોગાસનને વ્યક્તિ એ વ્યાયામ તરીકે ન ગણવું એને યોગનો મર્યાદિત અર્થ સમજી લીધો કહેવાય. આસનમાં શરીર મજબૂત થવાની સાથે મન પર પણ કામ થાય છે. મનને મજબૂત કરે છે, મનના વિકારો, દેહ, દેખાડો, ઈર્ષા, ખોટા ઈરાદા એ બધા ગુણો વિકસાવવા ને બદલે સ્થિર થઈ જાય છે. બુદ્ધિ વિકસિત થાય છે ને મનને ખોટા માર્ગે જતા રોકે છે. પણ આ બધું જો વ્યક્તિ જાગૃત હોય, સભાન હોય, પોતાની જે સ્થિતિ છે તેનાથી ઉપર ઊઠવાની, આગળ વધવાની ઇચ્છા હોય, ધ્યેય હોય તો જ શક્ય બને. નહીંતર ગમે તે વ્યક્તિ કેટલા પણ યોગાસન કરે તો પણ ઈર્ષા, બીજાને નીચા પાડવા, બીજાનું ખરાબ કરવાના વિચારોમાંથી બહાર નથી આવતા. પેલી કહેવત છે ને honesty is not common, બીજી – honesty is vary precious.
અહીં કહેવાની જરૂર નથી કે યોગાસન એ અન્ય વ્યાયામ કરતાં ઘણી શ્રેષ્ઠ પદ્ધતિ છે. યોગાસનથી વ્યક્તિને એક્ટિવ પણ કરી શકાય, ને યોગાસનથી વ્યક્તિને શાંત, વ્યાકુળતા રહિત પણ કરી શકાય, યોગાસનથી જઠરાગ્નિ પ્રદીપ્ત પણ કરી શકાય અને પિત્તના દોષને ઓછો પણ કરી શકાય. એટલું જ નહીં યોગાસનથી વાયુના દોષને ઓછો પણ કરી શકાય છે, એવી તો કેટલી વાતને ઉદાહરણ તરીકે આપી શકાય.
ચાલો ગઈકાલનો જ પ્રસંગ કહું, એક બેન પૂજા કરવા પાટલા પર રોજ બેસે એમ બેઠા, 15 મિનિટમાં તો એવી સ્થિતિ થઇ ગઈ કે હલી ન શકાય, ઉભા થવા બે જણા મદદ કરે તો ચીસ પડી જાય. માંડ માંડ ઉચકીને પલંગ પર બેસાડ્યા. ન સૂઈ શકાય, ન બેસી શકાય. અને એમણે કીધું મને લઈ જાઓ હેતલબેન પાસે મારે યોગથી જ આ દર્દ મટાડવું છે. વ્હિલચેર મંગાવી, બેસાડીને SGVP holistic hospital ના યોગ ડિપાર્ટમેન્ટમાં આવ્યા, અને મેં નાડી તપાસી.
નાડી તપાસીને મને ખ્યાલ આવ્યો કે એમનો કયો રૂટ કોષ, મૂળ દોષ એગ્રેવેટ થયો છે. એ પ્રમાણે એમની ટ્રીટમેન્ટ શરૂ કરી, એમને પાટ ઉપર સુવડાવીને અમુક આસનો કરાવ્યા, અમુક પ્રાણાયમ કરાવ્યા અને અમુક મર્મ ચિકિત્સાના પોઇન્ટ આપ્યા. પછી એમને બેઠા થવાનું કીધું, એમને બહુ જ ડર લાગતો હતો કે, મારાથી બેઠાં જ નહીં થવાય. પણ એ થઈ શક્યા. પછી એમને કહ્યું કે પાટ પરથી ઉભા થઇ અને ખુરશી ઉપર આવી જાવ, કેમ કે અમુક આસન મારે ખુરશી ઉપર કરાવવાના હતા. અને પછી એક ખુરશી પર બેઠા, પણ ખુરશી પર બેસતાં એમની ચીસ નીકળી ગઈ. ફરીથી મેં એમને અમુક આસન કરાવ્યા.
મર્મ ચિકિત્સાના પોઇન્ટ્સ આપ્યા અને પછી દસેક મિનિટ પછી મેં એમને કહ્યું , હવે તમે ઉભા થઈને ચાલી જુઓ અને પછી ઊભા થઈને ચાલી શક્યા. કોઈનાય સપોર્ટ વિના, ટેકા વિના એ જાતે જ ઉભા થયા. જાતે જ ચાલી શક્યા. જે વ્યક્તિ વીલચેરમાં આવી હતી, એ હવે પોતાના જાતે, પોતાના પગ પર જ ચાલતી થઈ ગઈ. આ છે યોગ અને એમાંય SGVPમાં જે આયંગર યોગની પ્રેકટીસ કરીએ છીએ એનો કમાલ. એટલે આયંગર યોગ, સાધનો સાથે કરવાથી ઘણા બધા ફાયદા થાય છે.
વિડિયો જોવા માટે અહીં ક્લિક કરો…
(હેતલ દેસાઇ)
(અમદાવાદસ્થિત હેતલ દેસાઇ એ યોગ અને વેલનેસ ક્ષેત્રે જાણીતું નામ છે. છેલ્લાં વીસ વર્ષથી આયંગાર યોગની તાલીમ આપીને યોગ ક્ષેત્રે જાગૃતિ લાવવામાં એમનું નોંધપાત્ર યોગદાન છે. ટેલિવિઝન પર એમના 2500 થી વધારે એપિસોડ પ્રસારિત થઇ ચૂક્યા છે. અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન સહિત અને જાહેર પ્લેટફોર્મ પર એ યોગ અંગે લેક્ચર્સ આપી ચૂક્યા છે. અમદાવાદસ્થિત SGVP હોલિસ્ટીક હોસ્પિટલ સાથે પણ સંકળાયેલા છે.)