આલાપ,
દરેક સમયનું આગવું મહત્વ, આગવી વિશેષતા અને પોતીકું સૌંદર્ય હોય છે, હેં ને? જીવનની આથમતી સંધ્યાએ ઢળતી ઉંમરનો સૂરજ વીતેલા સમયની યાદોના પ્રભાવથી પોતાની લાલાશ છોડીને થોડી પીળાશ પકડી લે છે ત્યારે એ વધુ ખૂબસૂરત લાગે છે.
આજે ફરી આથમતી સાંજે એ જ દરિયાકિનારે આવીને ઉભી છું જ્યાં આપણે અવારનવાર મળતા. જો કે તારી યાદો મારી ખામોશ જિંદગીમાં કોલાહલ મચાવે ત્યારે હું આવી જાઉં છું અહીં. દરિયાના ઘૂઘવતા મોજાંથી મનના કોલાહલને શાંત કરવા પ્રયાસ કરું છું. ધસમસતા મોજાં કિનારાના કાળમીંઢ પથ્થર સાથે અથડાય ત્યારે ઊડતી વાછંટથી તારા અભાવની પીડાને ઠંડક આપવા મથું છું. એ જ જગ્યા, એ જ સૂર્ય, એ જ દરિયો અને એ જ હું બસ, નથી તો એક તું. હું ભીની રેતીમાં તારું નામ લખી તને જીવંત કરું છું-સાક્ષાત કરું છું.
“સારંગી, આ ઢળતી સાંજનો સૂર્ય તારા કપાળની બિંદી જેવો લાગે છે મને. જ્યારે જ્યારે એની સામે જોઉં ત્યારે મને તારા કપાળે ચમકતી બિંદી યાદ આવે. જીવનના તમામ રંગોને જીવી ગઈ હોય એવી શાંત, સહજ અને ગરિમાયુક્ત આભા આપે છે આ બિંદી તારી યુવાનીને. સારું, હમણાં આ સાંજ ઢળી જશે. અંધકારનું સામ્રાજ્ય સ્થપાશે અને એમાં ચમકતો ચંદ્ર -તને કહું? એ ચંદ્ર સાથે હું રોજ વાતો કરું છું. એ ચંદ્ર નહિ, જાણેકે તું હોય એમ આખી રાત સામે બેસીને એને જોયા કરું છું. એની સાથે મારા ભાવિ સપનાં વહેંચુ છું અને એ શરમાઈને ચાલ્યો જાય છે. તને ખબર છે? કલ્પનાની દુનિયામાં જીવવાનું સૌથી મોટું સુખ એ છે કે એ દુનિયાને આપણે આપણું મન ચાહે એમ શણગારી શકીએ છીએ. મેં પણ કલ્પનામાં મારી દુનિયા શણગારી છે. હું, તું અને આ ઢળતી સાંજ. હું, તું અને આવી જ સૌંદર્યથી ભરપૂર રાત…” ને મેં તને અધવચ્ચે જ અટકાવતા કહેલું, “આલાપ, કલ્પનાની દુનિયામાં જીવવાનું એક દુઃખ પણ છે, વાસ્તવિકતા આ કાલ્પનિક દુનિયાના તમામ શણગાર એક ઝાટકે ઉતારી નાખે છે ત્યારે જીવવું દુષ્કર થઈ જાય છે.” એ પછી આપણાં મૌન વચ્ચે આ અફાટ દરિયો ઘૂઘવી રહ્યો હતો જાણે કે મારી વાતને સમર્થન આપી રહ્યો હોય.
આજે આ ઢળતી સાંજને જોઈને એ વાતને વાગોળું છું. હું કેટલી સાચી હતી, હેં ને? વાસ્તવિકતાએ કલ્પનાની એ દુનિયાના શણગાર ઉતાર્યા અને શરુ થઈ મારી વૈધવ્યપૂર્ણ જિંદગી. આજે વિચાર આવે છે, ધારોકે… જિંદગી તારી કલ્પનાનાં શણગારથી સજેલી હોત તો કેવી હોત? આલાપ, મને લાગે છે કે એક સમયે જિંદગીને શણગારનો ભાર લાગત. થાકી, કંટાળી અને જિંદગી એ શણગારને ફગાવી દેત. વિચાર કે એ પછી આપણી હાલત શું હોત? મને આ વિચાર માત્રથી ધ્રુજારી આવી જાય છે. તારી સાથે વિધવા સ્ત્રી માફક રંગવિહીન થઈ ગયેલી જિંદગી કેમ જીવાત?
ને આજે અત્યારે આંખમાં અશ્રુબુંદ ચમકી રહી છે એ ઈશ્વરનો આભાર માની રહી છે જીવનમાં જે ઘટનાઓ ઘટી એ બદલ. આજે મન અનાયાસે ગણગણી ઉઠ્યું….
શોક ધરે છે મન શા માટે
ભગવાન કરે તે ભલા માટે.
–સારંગી.
(નીતા સોજીત્રા)