“જિંદગીમાં પૈસાની શું કિંમત છે ?” અમે રણઝણસિંહને ફોનમાં કહ્યું.
“બોલો, ઈટાલીમાં એક ધનવાન માણસે ઢગલાબંધ કરન્સી નોટો રસ્તામાં ફેંકી દીધી કારણ કે એને કોરોના વાયરસ લાગી ગયો હતો.”
“તું લેટ પઈડો મન્નુડા !” રણઝણસિંહે બહુ શાંતિથી જવાબ દીધો.
“શેમાં ? આ મેસેજ જોવામાં ?”
“ના, ઈટાલી જઈને ઓલી નોટું વીણી લાવવામાં ! હવે તો કદાચ મ્યુનિસિપાલીટીવાળા વાળી ગ્યા હશે અથવા એકાદ બેન્કવાળાએ ઘર ભેગી કરી લીધી હશે.”
“રણઝણસિંહ, તમે દરેક વાતને મજાકમાં ના લ્યો. આ ઘટનાથી સાબિત થાય છે કે રૂપિયા, પૈસા, ધન, દોલત આખરે કંઈ કામમાં આવતાં નથી.”
“આખરે ને ?” રણઝણસિંહ હસ્યા. “આખી જિંદગી તો કામમાં આવે છે ને ! મન્નુડા, આજકાલ તારા મગજમાં ફિલોસોફીનો ગેસ ચડી ગ્યો લાગે છે.”
“તમને ય આજકાલ આડા ફાટવાનો રોગ લાગુ પડ્યો છે ! માણસે રૂપિયા કમાવવા જોઈએ, પણ કેટલા ?”
“એરકન્ડીશન્ડ હોસ્પિટલમાં શાંતિથી મરી શકાય એટલા !”
“ફરી પાછી આડી વાત કરી ને ?”
“તો શું તારે ફૂટપાથ ઉપર મરવું છે? કે કોઈ સરકારી હોસ્પિટલના ગંધાતા જનરલ વોર્ડમાં મરીને આ માનવજાતને તારા શરીરનું દેહદાન કરવાની મહાન આખરી ઈચ્છા છે?”
“તમે ક્યાંની વાત ક્યાં લઈ જાવ છો?”
“વાત ન્યાંની ન્યાં જ છે મન્નુડા ! મરતી વખતે તો માણસને એની ગરીબી કે ફકીરી, બન્ને કામમાં નથી આવતી ! જે કામમાં આવે છે ઈ હંધુય જીવતે જીવત કામમાં આવે છે. ઓલ્યા ઇટાલિયન માણસે જો રૂપિયાનો ઉપયોગ જીવતે જીવત નો કરી જાણ્યો હોય તો ઈ મહા મુરખ કે’વાય. મરવાને ટાણે આમ નોટું ઉડાડે ઈ એનું બાયલાપણું કે’વાય… એનું એસ્કેપિઝમ કહેવાય.”
અમારા રણઝણસિંહ અંગ્રેજી શબ્દો ભાગ્યે જ વાપરે છે પણ જ્યારે વાપરે છે ત્યારે હથોડી વડે ખીલી ઠોકી બેસાડતા હોય એમ વાપરે છે.
“એસ્કેપિઝમ એટલે શું?” અમે પૂછ્યું.
“પલાયનવાદ… જે વાસ્તવિક્તા સામે આવીને ઊભી છે એનો સામનો કરવાના બદલે એનાથી ડરીને રડવા માંડવું, કકળાટ કરી મુકવો અને ભાગી જાવું…. ઈ છે એસ્કેપિઝમ ! ભાઈ મન્નુ, ગરીબોને આવું એસ્કેપિઝમ નથી નડતું! કારણ કે રોદણાં રડીને ઉડાડી મારવા જેટલા રૂપિયા જ એની પાસે નથી.”
રણઝણસિંહ ક્યારેક ક્યારેક બહુ ઊંડી વાતો સીધાસાદા શબ્દોમાં કરી જતા હોય છે. અમે સાંભળતા રહ્યા.
“મન્નુ, ગરીબ ભૂખ્યો હોય ત્યારે એના ખિસ્સામાં પડેલું પરચુરણ નથી ફેંકી દેતો. એને મોત નહીં, રોટલો દેખાતો હોય છે. ક્યાંકથી મળી જાય એવી રોજગારીની તલાશ હોય છે…. એ જ્યારે મરતો હોય છે ત્યારે એને કોઈ આવી રોતલ એસ્કેપિસ્ટ ફિલોસોફીઓ નથી સુઝતી. દુનિયાના નેવું ટકા ગરીબો અંતિમ ક્ષણોમાં મોતને સ્વીકારી શકે છે. કાંઈ શીખવું હોય તો એમની ફિલોસોફી શીખી જો…”
– અમે કંઈ બોલ્યા નહિ કારણ કે અમે ‘મોત’ અને ‘ગરીબી’ આ બન્ને વિશે માત્ર પુસ્તકોમાં જ વાંચ્યું છે.
-મન્નુ શેખચલ્લી