વલસાડઃ ચૂંટણીમાં પક્ષો અને ઉમેદવાર એકબીજાની સામે એડીચોટીનું જોર લગાડી દેતા હોય છે. સામેવાળા ઉમેદવારને હરાવવા અને નીચો પાડવા શક્ય એ તમામ કરી છૂટતા હોય છે. એવા સમયે સામસામે લડતા બે ઉમેદવાર જો મતદાનના દિવસે એક જ ગાડીમાં સાથે ફરતા જોવા મળે તો શું સમજવું?
રસપ્રદ ચિત્ર જોવા મળ્યું વલસાડ જીલ્લાના કપરાડા તાલુકામાં. વલસાડ-ડાંગ લોકસભા બેઠકના બે અપક્ષ ઉમેદવાર જયેન્દ્ર ગાંવિત અને ગૌરાંગ પટેલ કપરાડા વિવિધ મતદાન મથક ઉપર એકસાથે ફરતા જોવા મળ્યા. આમ તો આ બંને અપક્ષ ઉમેદવાર એટલે એકલા જ લડતા હતા. પ્રચાર પોત પોતાની રીતે કર્યો, પણ મતદાનના દિવસે સાથે ફરતા જોવા મળ્યા હતા.
chitralekha.com સાથે વાત કરતા જયેન્દ્ર ગાંવિતએ કહ્યું હતું કે અમે લોકોને એ સંદેશો આપવા માંગીએ છીએ કે રાજકિય પક્ષો તોડવાની અને છૂટા પાડવાની વાત કરે છે. બીજા અપક્ષ ઉમેદવાર ગૌરાંગ પટેલ કહે છે અમે બંને સામાજિક કાર્યકર છીએ, આદિવાસી સમાજના, વિસ્તારના પ્રશ્નો માટે લડતા રહીએ છીએ. પક્ષો જો વિભાજનની વાત કરે છે એની સામે અમે એક સાથે ફરીને એકતાનો સંદેશ આપીએ છીએ.
(અહેવાલઃ ફયસલ બકીલી)
(તસવીરઃસતીષ પટેલ-કપરાડા)