નવી દિલ્હીઃ કોંગ્રેસના નેતા અને એક સમયના પાટીદાર આંદોલનના નેતા હાર્દિક પટેલને સુપ્રીમ કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. હાર્દિક પટેલની અરજી પર આજે સુપ્રીમ કોર્ટે તાત્કાલીક સુનાવણી કરવાની ના પાડી દીધી છે. હાર્દિક પટેલે ગુજરાત હાઈકોર્ટના નિર્ણય પર સ્ટે અને સજાને સસ્પેન્ડ કરવાની સુપ્રીમ કોર્ટ સમક્ષ માંગ કરી હતી.
હાર્દિકે કહ્યું હતું કે લોકસભા ચૂંટણી માટે નામાંકનની છેલ્લી તારીખો નજીક છે. અને તેઓ ઈચ્છે છે કે સુપ્રીમ કોર્ટ તેમની અરજી પર જલ્દી સુનાવણી કરે પરંતુ સુપ્રીમે જલ્દી સુનાવણી કરવાની ના પાડતા આ મામલે 4 એપ્રિલના રોજ સુનાવણી કરવાની વાત કરી છે.
પરંતુ 4 એપ્રિલના રોજ લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દીવસ છે જેથી હાર્દિક પટેલ લોકસભા ચૂંટણી લડી શકે તેવી શક્યતાઓ પર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે.
ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલને વિસનગર કોર્ટે ભીડને ભડકાવવાના મામલામાં 2 વર્ષની સજા સંભળાવી હતી અને કોર્ટે તેને જામીન આપ્યા હતા પરંતુ સજા પર ચુકાદો મુલતવી રાખ્યો હતો. ત્યારે આ મામલે ગુજરાત હાઈકોર્ટે પણ સભાને ભડકાવવાના મામલામાં સજા પર પ્રતિબંધ લગાવવાનો 29 માર્ચના રોજ ઈનકાર કર્યો હતો.
મહત્વનું છે કે કોંગ્રેસ હાર્દિક પટેલને જામનગર લોકસભા સીટ પર ચૂંટણી લડાવવા માટે વિચારી રહી હતી. હાઈકોર્ટે મનાઈ ફરમાવ્યા બાદ સુપ્રીમ કોર્ટ હાર્દિક અને કોંગ્રેસ માટે આશાનું છેલ્લું કીરણ હતું પરંતુ હવે સુપ્રીમ કોર્ટે પણ આ મામલે તાત્કાલીક સુનાવણી કરવાની ના પાડતા હાર્દિક અને કોંગ્રેસ બંન્નેની આશાઓ પર પાણી ફરી વળ્યું છે.