સુરત શહેરમાં 119 બીજો આવેલા છે. ત્યારે આગામી સમયમાં આ તમામ બ્રિજનું હેલ્થ કાર્ડ તૈયાર કરવામાં આવશે જેની પાછળ સુરત મહાનગરપાલિકા કરોડો રૂપિયાનો ખર્ચો કરશે.
ઉલ્લેખનીય છે કે સુરત શહેરમાં 15 રિવર બ્રિજ, 28 ફ્લાય ઓવરબ્રિજ, 16 રેલવે ઓવરબ્રિજ અને 60 જેટલા ખાડી બ્રિજ આવેલા છે જેના હેલ્થ કાર્ડ તૈયાર કરવા માટે સુરત મહાનગરપાલિકા 4.34 કરોડ રૂપિયાનો ખર્ચો કરશે. જેના માટે ત્રણ એજન્સિઓને કામ આપવામાં આવ્યુ છે.
સુરત શહેરમાં આવેલા રિવર બ્રિજ, ફ્લાય ઓવર બ્રિજ, ખાડી બ્રીજ તથા રેલ્વે બ્રીજોના નિરીક્ષણ માટે મલ્ટી મીડિયા કન્સલ્ટન્ટ પ્રાઇવેટ લિમિટેડ, કસાડ કન્સલ્ટન્ટ પ્રાઇવેટ લિમિટેડ અને પંકજ એમ પટેલ કન્સલ્ટન્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીનો સમાવેશ થાય છે.જો કે વિચારવા જેવી વાત એ પણ છે કે આ ત્રણેય કંપનીઓ અમદાવાદની છે.
આ ત્રણેય એજન્સી ચોમાસા પછી ઓક્ટોબર મહિનાથી આ કામની શરૂઆત કરશે. જે ટેન્ડર સુરત મહાનગરપાલિકા દ્વારા મંજૂર કરવામાં આવ્યું છે તેમાં રીવર બ્રીજના નિરીક્ષણ માટે પ્રતિ ચોરસ મીટરનો ભાવ 40 રૂપિયા, ફ્લાય ઓવર બ્રિજ માટે પ્રતિ ચોરસ મીટર 35 રૂપિયા, રેલવે ઓવર બ્રીજ માટે પ્રતિ ચોરસ મીટર 35 રૂપિયા અને ખાડી બ્રિજ માટે પ્રતિ ચોરસ મીટર 22 રૂપિયાનો નક્કી કરવામાં આવ્યો છે. આમ 4,34,11,900 રૂપિયાનું ટેન્ડર મંજુર કરવામાં આવ્યું છે. આ ત્રણેય એજન્સીને આ કામગીરી એક વર્ષમાં પૂરી કરવાની રહેશે અને ત્યારબાદ શહેરમાં આવેલા 119 બ્રિજમાંથી જે બ્રિજને સમારકામની જરૂર પડશે તે બ્રિજનો રિપોર્ટ આવ્યા અનુસાર સમારકામ કરવામાં આવશે. જો કે સુરતમાં અગાઉ 9 બ્રિજના હેલ્થ રિપોર્ટ તૈયાર થઈ ગયા છે માટે તેના હેલ્થ રિપોર્ટ નહીં બને. એજન્સીઓ દ્વારા 110 બ્રિજોનો હેલ્થ રિપોર્ટ તૈયાર કરવામાં આવશે.