અમદાવાદ- આમ તો દૂર દેશાવરમાં વસતા ગુજરાતીઓની ગુજરાતમાં આવવાની મૌસમ સામાન્ય રીતે નવેમ્બર-ડિસેમ્બર-જાન્યુઆરી મહિનાની ગણાય છે, પણ આજકાલ આવા અનેક બિન-નિવાસી ગુજરાતીઓ ગુજરાતમાં આવીને ગામડે-ગામડે ફરતા જોવા મળી રહ્યા છે. એક કન્ડિશ્ન્ડ માહોલમાં રહેવા ટેવાયેલા આ બિન-નિવાસી ગુજરાતીઓ ધોમધખતા ઉનાળામાં ગુજરાતનાં શહેરો અને ગામડાઓની ગલીઓ ખૂંદતાં-ખૂંદતાં એક જ લક્ષ્ય આગળ રાખીને વાત કરતા જોવા મળે છેઃ ઘર ઘર મોદી!
વાત છે નરેન્દ્ર મોદી માટે ખાસ ચૂંટણી પ્રચાર કરવા માટે આવેલા બિન-નિવાસી ગુજરાતીઓની. ભારતીય જનતા પાર્ટીની ઓવર-સીઝ પાંખ સાથે સંકળાયેલા અને 35 વર્ષથી અમેરિકાના એટલાન્ટામાં વસેલા ડૉ. વાસુદેવ પટેલ ચિત્રલેખાને કહે છે એમ એ વરસોથી ભાજપ અને નરેન્દ્રભાઈ સાથે ઘરોબો ધરાવે છે. ઉપરાંત દર વખતે ચૂંટણી સમયે બધું છોડીને અહીં પ્રચાર કરવા અચૂક આવે છે. આ એમની દસમી ચૂંટણી છે.
ડૉ. વાસુદેવભાઈની સાથે મૂળ પેટલાદ નજીક જેસરવા ગામના અને હાલ અમેરિકાસ્થિત ગોવિંદભાઈ પટેલ, મૂળ રણોલીના અને ન્યુજર્સીમાં રહેતા સુરેશભાઈ પટેલ(મુખી), જ્યોર્જિયામાં રહેતા નારણભાઈ પટેલ અને ન્યુઝિલેન્ડના વેલિંગટન ખાતે સ્થાયી થયેલા હિતેશ વ્યાસ પણ જોડાયા છે અને આ ગ્રુપ આણંદ અમદાવાદ અને ગાંધીનગર એમ જુદા-જુદા વિસ્તારોમાં ફરીને નરેન્દ્ર મોદીના સમર્થનમાં કામે લાગેલું જોવા મળે છે.
જેસરવાના ગોવિંદભાઈ આમ તો સ્કૂલોમાં રાષ્ટ્રધ્વજ ભેટ આપવાની એમની નિઃસ્વાર્થ પ્રવૃત્તિના કારણે પેટલાદ વિસ્તારમાં ‘ઝંડાપ્રેમી ગોવિંદકાકા’ તરીકે જાણીતા છે. એ કહે છેઃ નરેન્દ્રભાઈએ દેશને ગૌરવ અપાવ્યું છે ત્યારે આપણી બધાની પણ ફરજ છે કે આપણે એમની સાથે જોડાઈએ અને દેશહિતના કાર્યમાં મદદરૂપ થઈએ. ગોવિંદભાઈ 1972 પછીની દરેક ચૂંટણીમાં ભાગ લેતા આવ્યા છે. એમના મતે ગુજરાતના વધારે વિકાસ માટે હવે કલ્પસર યોજના તરફ ધ્યાન આપવું જોઈએ.
રણોલીના સુરેશભાઈ પટેલ કે નારણભાઈ પટેલ પણ એ જ સૂરમાં નરેન્દ્રભાઈનું સમર્થન કરે છે. તો વેલિંગટનથી આવેલા હિતેશભાઈ પાસે નરેન્દ્રભાઈએ પાંચ વર્ષમાં કરેલાં કાર્યોની ન ખૂટે એટલી લાંબી યાદી છે. હિતેશભાઈ કહે છે એમ નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા એ પછી જ દુનિયાના દેશોએ ભારતની તાકાતની નોંધ લેવાનું શરૂ કર્યું છે. ઓ.સી.આઈ. (ઓવરસી સિટિઝન ઓફ ઈન્ડિયા) કાર્ડ સહિત એન.આર.આઈ.ના ઘણાબધા પ્રશ્નોનો ઉકેલ નરેન્દ્રભાઈએ આપ્યો છે.
આ ગ્રુપ ગુજરાતમાં ચૂંટણી પૂરી થાય એ પછી વારાણસી જઈને પણ નરેન્દ્રભાઈ માટે પ્રચાર કરશે.
ભાજપના વિદેશ સંપર્ક વિભાગના સંજીવ મહેતા ચિત્રલેખાને કહે છે એમ હાલ લગભગ 280 જેટલા પરદેશસ્થિત ગુજરાતીઓ ગુજરાતમાં જુદી-જુદી જગ્યાએ ફરીને પ્રચારમાં કામે લાગેલા છે. અમેરિકા, ઈંગ્લેન્ડ, કેનેડા, ન્યુઝિલેન્ડ, દુબઈ-મસ્કત અને આફ્રિકાના દેશોમાંથી આવેલા ગુજરાતીઓ પોતપોતાના વિસ્તારોમાં જઈને ‘શા માટે નરેન્દ્ર મોદી ફરીવાર’ એવું લોકોને સમજાવી રહ્યા છે. રૂબરૂ ન આવી શકેલા ગુજરાતીઓ પરદેશમાંથી રોજના વીસેક ફોનકોલ વતનના લોકોને કરીને એ રીતે ટેલિફોનિક પ્રચાર પણ કરી રહ્યા છે. સોશિયલ મિડિયા અને વિડિયોક્લિપ્સ તો ખરી જ.
-અને આ કાર્યમાં પરદેશમાં વસેલી આપણી મહિલાઓ પણ પાછળ નથી. મળો, બોસ્ટનથી ખાસ નરેન્દ્ર મોદીના સમર્થનમાં આવીને ગામડાં ખૂંદતાં આ અનારબહેન મહેતાને. મહિલા સશક્તિકરણ માટે સ્વેચ્છિક સંસ્થા ‘સૃષ્ટિ ભારત’ ચલાવતાં અનારબહેન આમ તો જાન્યુઆરી મહિનાથી આવીને સુરત-વડોદરા-આણંદ જિલ્લાનાં અંતરિયાળ ગામડાંઓમાં જાય છે. મોદીસાહેબની યોજનાઓ-કાર્યોની વિગતો લઈને રોજ સવારે અનારબહેન મતદારોને સમજાવવા નીકળી પડે છે.
અનારબહેન પણ ગુજરાતીમાં મતદાન પૂરું થાય એ પછી 25 જેટલા એન.આર.આઈ.મિત્રોનું ગ્રુપ લઈને ઉત્તર પ્રદેશમાં વારાણસી સહિત અનેક સ્થળોમાં નરેન્દ્ર મોદીનો પ્રચાર કરશે.
આમ તો વડાપ્રધાન બન્યા પહેલાં પણ નરેન્દ્રભાઈ અમેરિકાસહિત પરદેશમાં વસતા ગુજરાતીઓમાં લોકપ્રિયતા પ્રાપ્ત કરી જ ચૂક્યા હતા, પણ 2014માં અમેરિકામાં મેડિસન્સ સ્ક્વેર ખાતે યોજાયેલી એ શાનદાર ઈવેન્ટમાં એમની આ લોકપ્રિયતાનો અંદાજ મળી શકે છે. કદાચ, એ જ કારણ છે કે એમના સમર્થનમાં આવા અનેક એન.આર.આઈ. ગુજરાતીઓ વ્યવસાય પડતા મૂકી સ્વ-ખર્ચે અહીં આવીને કામે લાગેલા જોવા મળે છે.
-કેતન ત્રિવેદી
તસવીર-વિડિયોગ્રાફી: પ્રજ્ઞેશ વ્યાસ