સપના અને મેહકનો સંબંધ માં-દીકરી કરતા વધારે મિત્રતાનો કહી શકાય તેવો હતો. મેહક લગભગ સોળેક વર્ષની થવા આવી હતી અને આધુનિક સમયના ભણતરમાં પ્રૌઢ કહી શકાય તેવી બધી વાતો અંગે પોતાના મંતવ્યો ધરાવતી થઇ હતી. સપના પોતાના જમાનાની અત્યાધુનિક કહી શકાય તેવી સ્ત્રી હતી અને તેણે કરેલા નિર્ણયો ત્યારના સમય માટે લોકોને અપારંપારીક લાગ્યા હતા. પરંતુ આજે જયારે તે મેહકના વિચારો સાંભળતી તો તેને લાગતું કે તે કૈંક વધારે પડતા જ મોડર્ન હતા.
એવું નહોતું કે મેહકને સપના પ્રત્યે માન નહોતું, મમ્મી સાથે વાત કરવામાં, તેની સાથે હરવા-ફરવામાં તેને કોઈ ઓછપ લગતી હોય તેવું પણ નહોતું. ખરેખર તો મેહક તેની મમ્મીને જ પોતાની બેસ્ટ ફ્રેન્ડ ગણાવતી. સપના આ વાતથી મનોમન ખુશ થતી અને આજના જમાનાની યુવા પેઢી પાસેથી માં-બાપને આટલું માન સમ્માન મળે તે વાતથી ગૌરવ અનુભવતી. સપનાએ પણ કોઈ વખત મેહક ઉપર કોઈ અંકુશ રાખવાનો, માતૃસહજ મર્યાદાઓ થોપવાનો પ્રયત્ન કર્યા વિના જ તેના વિચારોને પાંગરવા દીધેલા. કદાચ એ કારણે જ આ કિશોરી તેની માં પ્રત્યે વધારે આદર ધરાવતી હોઈ શકે.
એક દિવસ મેહક સાંજે પોતાના લેપટોપમાં કૈંક કામ કરી રહી હતી ત્યારે સપના તેની પાસે બેઠી અને અચાનક જ પૂછી બેઠી કે તેને કારકિર્દી માટે ક્યાં ક્ષેત્રે રસ પડે છે. આ પ્રશ્ન મેહક માટે ન તો આશ્ચર્યજનક હતો અને ન તો વિચારપ્રેરક હતો. ‘આઈ વોન્ટ તો બે મોબાઈલ. હું દુનિયા ફરવા ઈચ્છું છું.’ મહેકે સહજતાથી જવાબ આપ્યો.
‘હા, પણ હરવા ફરવા માટે પણ પૈસા તો કમાવા પડે ને? નોકરી કે બિઝનેસ તો કરવો પડશે ને?’ સપનાએ વાતને આગળ ચલાવી.
‘ઓકે, પૈસા કમાવા માટે હું એવું જ કૈંક કરીશ કે જે મને એક ખીલે ન બાંધી રાખે.’
‘તો સેટલ થવાનું શું?’ સપનાને દીકરીની વાતમાં રસ તો પડ્યો પણ એક ચિંતા પણ મનમાં બેઠી. એક વર્ષ પછી યુનિવર્સીટીના ફોર્મ ભરાશે. જો અત્યારથી મેહકને કારકિર્દી અંગે સ્પષ્ટતા નહિ હોય તો કેમ ચાલશે.
‘વેલ, સેટલ અને સ્ટેટસ જુના કન્સેપટ છે. હું તો આગળની જિંદગીમાં અનેક દેશમાં ફરવા ઈચ્છું છું. શક્ય હોય તેટલું નવું નવું જોવા અને લોકોને મળવા ઈચ્છું છું. તેમાંથી જ હું ઘણું શીખીશ અને મને દુનિયા જોવી ગમશે.’મેહકના શબ્દોમાં અતિશય દ્રઢતા હતી તે જોઈને સપનાને પેટમાં વધારે ફાળ પડી.
‘શું બોલે છે તું? લગ્ન, બાળકો, પરિવાર, ઘર એ બધાનું શું?’
‘મમ્મી, કદાચ શું ખબર, કદાચ તારો વંશ આગળ ન પણ ચાલે.’ મહેકે સપનાને ચીડવતું સ્મિત કર્યું.
‘શટ અપ. ખબરદાર જો એવું બોલી છે તો. બેટા, હરવા-ફરવાનું પોતાની જગ્યાએ હોય, પણ લાઈફમાં સેટલ તો થવું પડે ને. કોલેજમાં વિષય પસંદગી કરવાની થશે ત્યારે તારે આ બાબત પર સ્પષ્ટતા રાખવી પડશે.’ સપનાએ મેહકના માથે હાથ ફેરવી તેને સમજાવતા કહ્યું.
‘મમ્મી, હું તો કોલેજ સમયથી જ બહાર જતી રહેવા ઈચ્છું છું. કોલેજ માટે જ હું કોઈ બીજા દેશમાં જઈશ અને થોડા વર્ષો માટે ત્યાં જ સેટલ થઇ જઈશ. ત્યાર પછીનું જોયું જશે.’ મેહકે સામે સપનાના માથા પર પણ હાથ ફેરવ્યો અને ફરીથી તેની મજાક ઉડાવતા હસી.
‘તો મારુ અને તારા પપ્પાનું શું?’ સપનાએ થોડા ઈમોશનલ બનતા પૂછ્યું.
‘તમે બંને તો ક્યારેય પણ મારી પાસે આવી શકશો. આવી જજો જયારે મન કરે ત્યારે.’ મેહકે કહ્યું.
‘પણ તું અમને છોડીને જતી રહીશ? આઈ મીન લગ્ન વગેરે બરાબર છે પરંતુ એકદમ કોલેજ સમયથી જ વિદેશમાં?’
‘હા મમ્મી, તું કોલેજ પછી અને લગ્ન પછી પરિવાર અને પતિને પાછળ મૂકીને આગળ આગળ લંડનમાં આવી ગયેલી. તો શક્ય છે હું કોલેજ પહેલા જ તમને મૂકીને યુએસએ કે કેનેડા જતી રહું. તારા કરતા એક પગલું તો હું આગળ જાઉંને?’ મેહકે એકદમ સહજ ભાવે કહ્યું.
સપનાને ભૂતકાળના દિવસો યાદ આવી રહ્યા હતા. પોતે સત્યાવીશની હશે ત્યારે છ મહિનાની દીકરીને લઈને વડોદરાથી લંડન આવવા નીકળી હતી. પતિએ તેને રોકી તો નહોતી પણ તે સમય માટે આ બહુ મોટો નિર્ણય હતો કે સપના કોલેજમાં લેકચરરની નોકરી છોડીને અજાણ્યા દેશમાં નવી સફર ખેડવા નીકળી પડી હતી. પાછળ પાછળ અમુક વર્ષો બાદ તેના પતિએ પણ વિદેશમાં શિફ્ટ થયું પડ્યું હતું અને ત્યાં સુધીમાં સપનાએ પોતે સ્થાયી કહી શકાય તેવી નોકરીમાં રહીને મેહકને મોટી પણ કરી લીધી હતી. તેના મમ્મી-પપ્પા, સાસુ-સસરા અને પતિ જ નહિ પરંતુ જાણનારા બધા લોકોએ શરૂઆતમાં સપનાને ક્રાંતિકારી કહેલી અને કદાચ તે એક વર્ષમાં પછી આવી જશે તેવી આશા રાખેલી. પરંતુ સપનાનો દ્રઢ નિશ્ચય અને હાર ન માનવાનો સ્વભાવ હોય કે પછી તેની જીદ હોય, બધી જ મુશ્કેલીઓનો સામનો કરીને પણ તે વિદેશની ધરતી પર પોતાના મૂળિયા ગાળવામાં અને વટવૃક્ષ નહિ તો એક મજબૂત કહી શકાય તેટલું ફળવા-ફૂલવામાં સફળ થઇ હતી.
હવે આજે તેની દીકરી મેહક જે રીતે તેના કરતા પણ બે ડગલાં આગળ ચાલીને નિર્ણય કરી રહી હતી તેને જોતા સપનાને હૂબહૂ પોતાની જ પંદર વર્ષ પહેલાની છબી દેખાઈ આવી.
‘સારું, પણ ક્યા દેશમાં જઈશ અને શું ભણીશ તેના વિશે તો થોડું વિચારવાનું શરુ કર.’ સપનાએ આત્મવિશ્વાસભર્યા સ્મિત સાથે મેહકને કહ્યું અને પોતાની દીકરીને લેપટોપમાં કામ કરતી ક્યાંય સુધી જોતી રહી.
(રોહિત વઢવાણા)
(યુવાન લેખક રોહિત વઢવાણા ઇન્ડિયન ફોરેન સર્વિસના અધિકારી છે અને હાલ લંડનસ્થિત ભારતીય હાઇ કમિશનની કચેરીમાં ફરજ બજાવે છે. વિચારો લેખકના અંગત છે.)