આલાપ,
ઉંમરનો એક પડાવ એવો હોય છે કે જયાં ઉભા રહીને આપણે સતત એવું ઇચ્છીએ કે જેમ બને એમ વહેલા નિવૃત્ત થઈએ. કૌટુંબિક, સામાજિક, આર્થિક અને એવી કેટલીય જવાબદારીથી ઘેરાયેલા હોઈએ ત્યારે નિવૃત્તિનો ખ્યાલ પણ ખૂબ જ આહલાદક લાગે.
આજે હવે ઉંમરના એ ઇચ્છીત પડાવ પર આવીને ઉભી છું ત્યારે બધું જ નિરર્થક લાગી રહ્યું છે. અહીં ઉભા રહીને વીતેલા સમયનું નિરીક્ષણ કરતાં એ સમય વધુ રંગીન લાગી રહ્યો છે. સતત ઝંખ્યા કરેલી નિવૃત્તિ આજે અભિશાપ લાગી રહી છે.
શું કરવાનું આ નિવૃતિકાળમાં? મગજમાં એક તેજ ઝબકાર જેવું થાય છે. હું ઉભી થઈને ઝડપભેર જાઉં છું લાઇબ્રેરીમાં અને ત્યાં રાખેલા એક પુસ્તકને લઈને ફરી આવું છું બાલ્કનીમાં. હા, હવે બાલ્કનીમાં બેસીને એ પુસ્તક વચ્ચે રાખેલું એક કવર કાઢું છું. કવર પરના અક્ષર પર આંગળીઓ એમ ફેરવું છું જેમ કોઈ પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ બ્રેઇલ લિપી વડે લખાણ ઉકેલતું હોય.
“મારા સોનેરી દિવસો” આહા..!! કેટલું સરસ લખ્યું હતું. મન પ્રફુલ્લિત થઈ ગયું. હળવેથી એમાં રાખેલો કાગળ કાઢ્યો અને ધીમે રહીને ફાટી ન જાય એનું ધ્યાન રાખતાં ઘડી ઉકેલી રહી. કાગળ ખોલીને વાંચતાં વાંચતાં જાણે કે એક જિંદગી જીવાઈ ગઈ. મુગ્ધાવસ્થાની પ્રેમની વ્યાખ્યાથી શરૂ કરેલી લેખનની સફરમાં પ્રેમની વ્યાખ્યા કેટલી વખત બદલાઈ એ વાંચીને ખુદ પર હસવું આવી ગયું. માણસ પાછલી ઉંમરે મિલ્કતના લેખા-જોખાં ને હિસાબો કરે છે પરંતુ ભાગ્યે જ કોઈ સંબંધના લેખા-જોખાં કરે છે.
ધારોકે આપણે મળીને આપણાં સંબંધના લેખા-જોખાં કરી શકીએ તો..? શું લાગે છે તને? આપણે એકબીજાની છુટા પડયાની સ્થિતિને સ્વીકારી શકીએ? એ ભૂલો બદલ માફ કરી શકીએ? વીતી ગયેલું બધું જ પાછળ છોડીને ફરીથી સાથે ચાલી શકીએ? આલાપ, વર્ષોથી પોતાના વિચારો અને માન્યતાઓમાં જીવ્યા પછી અન્યના વિચારોને સહર્ષ સ્વીકારીને ચાલવું ઘણું કપરું હોય છે પરંતુ પરિપક્વ પ્રેમ એ જ છે જેમાં ખુદના સુખનું સર્જન કરતાં આવડી જાય.સુખદ ક્ષણોનો ગુણાકાર અને એકમેક તરફની ફરિયાદોનો ભાગાકાર કરી સંબંધોમાં મતભેદનું ખાતું ક્લિયર કરી ખુશીઓની બેલેન્સ ભરતાં આવડી જાય.
આલાપ, જિંદગીનો સૂરજ ઢળી રહ્યો છે. એ સંપૂર્ણ આથમે એ પહેલાં આપણાં સંબંધોનું ખાતું પણ લાગણીની બેલેન્સથી છલોછલ કરી લઈએ તો? તું આવીશ એ આશાએ…
-સારંગી.
(નીતા સોજીત્રા)
