આંતરાષ્ટ્રીય મહિલા દિવસ 2020: પહેલાં ફિલ્મ મધર ઈન્ડિયાનું એ વર્લ્ડ ફેમસ દૃશ્ય યાદ કરી લઈએ, જેમાં નરગિસ હળ સાથે જોડાઈને ખેતર ખેડી રહી હોય છે. પોતાના બાળક માટે હળે જોડાઈ જતી મા સમય આવ્યે એ જ દીકરાને ગોળીએ દે છે. એટલે જ એ ‘મધર’ નહીં પણ ‘મધર ઈન્ડિયા’ના નામે આજે પણ લોકોના હૃદયમાં રાજ કરે છે. યાદ છે એ સંવાદ જેમાં રાધા પોતાના દીકરા બિરજુને કહે છે ‘મે અપના બેટા દે સકતી હું લેકિન લાજ નહી દે સકતી.’?
ભારતીય સિનેજગત આ અને આવી કેટલીયે ફિલ્મો દ્વારા નારીને નારાયણી બનાવી દર્શકોના જીવનમાં પોતાનું સ્થાન જમાવતી રહી છે.
સમયાંતરે અર્થ, ફાયર, લજ્જા, બેનડિટ કવિન, માયા મેમસાબ, અસ્તિત્વ, ડોર, લિપસ્ટિક અંડર માય બુરખા, ચક દે, પિન્ક, મેરીકોમ જેવી કેટલીયે ફિલ્મોએ નારીજીવનનું પ્રતિનિધિત્વ કર્યું છે, પણ આમાં છેલ્લા પાંચ વર્ષોમાં આવેલી ફિલ્મો વધુ નોંધનીય છે. આપણી સમાજ વ્યવસ્થામાં જ્યાં એક બાજુ હક-અધિકારો ફેરવી તોળાઈ રહ્યા છે, ત્યાં પ્રસ્તુત સિવિલાઈઝેશનનો પહેલો પડઘો નારીવાદમાં સંભળાય છે, જેને પડદા પર ચિતરવામાં બૉલીવુડે પ્રમુખ ભાગ ભજવ્યો છે. વાત કરીએ કેટલીક અલગ ભાતની નારીવાદી ફિલ્મોની, જેમાં આપણી આ વુમનિયા વન્ડરફૂલ સાબિત થઈ છે.
પહેલી વાત કરીએ સોનમ કપૂર અભિનીત ફિલ્મ ‘નિરજા’ની. જ્યારે 1986માં પેન એએમ 73 નામક પ્લેન હાઈજેક થયેલું ત્યારે મોડેલ ને એર હૉસ્ટેસ એવી નિરજા ભનોતે પોતાના જીવને જોખમમાં મૂકીને 340 પેસેન્જર્સના જીવ બચાવેલા. માત્ર 23 વર્ષની ઉંમરે શહાદત પામેલી નિરજા ‘અશોક ચક્ર ઍવોર્ડ’ વિજેતા બની ઈતિહાસમાં કાયમ માટે અમર થઈ ગઈ. આ બાયોપિક ફક્ત સ્ત્રીઓ જ નહી પુરુષો માટે પણ પ્રેરણાદાયી છે.
આવી જ એક અલગ વિષય વાળી ફિલ્મ છે ‘ઇંગ્લિશ વીંગ્લીશ’, જેમાં અરસા બાદ શ્રીદેવીએ પર્દાપણ કર્યું હતું. અહી વાત છે એક હોમમેકરની જે નિપુણ હોવા છતાંય અંગ્રેજી ન આવડવાને લીધે પોતાના પરિવારજનોની નજરમાં હાસ્યાસ્પદ બની જાય છે. આ એક વ્યથાનો ઉકેલ શોધતા નાયિકા શશી(શ્રીદેવી) એમસીપી માન્યતા ધરાવતા પતિને પૂરા વિવેકથી પાઠ ભણાવે છે. ફિલ્મનો આત્મા છે – ‘એક સ્ત્રી ધારે તો શું ન કરી શકે!’
વાત બૉલીવુડ ફિલ્મોની થઈ રહી છે પણ બૉલીવુડને ટક્કર આપીને નેશનલ ફિલ્મ એવોર્ડ જીતનાર ‘હેલ્લારો’ ફક્ત ગુજરાતી સિનેમા જ નહી, સમગ્ર દેશ માટે ઉદાહરણરૂપ છે. અંતરિયાળ રણ વિસ્તારમાં જ્યાં જનજીવન સાવ જ સૂક્કું થઈ ગયું હોય ત્યાં ગરબા રમવા જેવું એક નાનકડું સુખ જીવવા સ્ત્રીઓ સંઘર્ષ કરીને ઇતિહાસ બદલી દે છે. ગરબો જે શહેરનો રંગમિજાજી શોખ છે એના માટે કોઈ લડી પણ શકતું હશે એ કલ્પના પણ શહેરીજનો માટે અતિશયોક્તિ છે. આ ફિલ્મ પછી કેટલાયે લોકોએ આવી ઘટનાઓના સાક્ષી હોવાના દાવા કર્યા છે.
હવે યાદ કરો આ ડાયલોગ- ‘ક્યા ખાતે હો દાદી?’ ને જવાબ મળે છે ‘ગાલી’. તાપસી પન્નુ અને ભૂમિ પેડનેકરની ‘સાંઢ કી આંખ’ રિયલ લાઈફ પર આધારિત બાયોપિક છે. ફિલ્મની વાર્તા ચંદ્રો અને પ્રકાશી નામની બે વૃદ્ધા વિષે છે. ગાલીગલોચના માહોલમાં રહેતી આ બન્ને વુમનિયા જ્યારે જુએ છે કે દીકરીઓનો પસંદગીના કપડાંથી લઈને ભણવાનો હક પણ છીનવાઈ રહ્યો છે, ત્યારે બન્ને કમર કસીને રાઈફલ શૂટિંગ શીખે છે અને અંતે વિશ્વપ્રસિદ્ધ થઈને પોતાની આખી પેઢી તારવી દે છે. નારીવાદ ભણતરનો મોહતાજ નથી એ પણ આ બાયોપિકની શીખ.
બાયોપિકના રાફડામાં વધુ એક ઉમેરણ તાજેતરમાં આવેલી ‘ગુલ મકાઈ’નું પણ છે, જે તાલિબાનો સામે સ્ત્રીઓના સામાજિક હકો માટે લડતી બહાદૂર બાળા મલાલા યુસુફજાઈ વિષેની છે. ક્રિટિક્સ જે કહે તે પણ મલાલા વિષેની બેઝિક જાણકારી લેવા પણ આ ફિલ્મ જોવી રહી. આવા વિષયો વારંવાર ઉજવાતા અને વહેંચાતા રહેવા જોઈએ.
હમણાં જ ‘થપ્પડ’ રિલિઝ થઈ. આ ફિલ્મ જોઈને થિયેટરથી બહાર આવતા કેટલાયે લોકો એક જ વાત કરતા હતા ‘લ્યો બોલો, એક થપ્પડમાંં શું થયું?’ અરે ભાઈસા’બો અને બહેનબાઓ! આ જ માનસિકતા બદલવા આખી ફિલમ ચિતરવી પડી છે. એક સુખી ઘરની આઝાદ સ્ત્રીને એનો પતિ એક દિવસ ભૂલથી તમાચો મારી દે છે અને વાત લંબાઈને છેક ડિવોર્સ સુધી પહોંચે છે. શું કામ? જવાબ છે – આત્મસમ્માન. જેમને આ ‘ફક્ત એક થપ્પડ જ’ લાગ્યું હોય એમણે વિચારવું કે આ પહેલું થપ્પડ વર્ષોથી શબ્દોના, રિવાજોના અને સમાજમાં સેકેન્ડ જેન્ડર તરીકે ખોડી દેવાના નામે પડતાં દરેક થપ્પડનું પ્રતિનિધિત્વ હતું. જેને આજથી જ ના કહીશું તો જ સોનેરી ભવિષ્યનું મંડાણ થશે, નહીં તો ક્યાં સુધી કહેતાં રહીશું, ‘થપ્પડ સે ડર નહીં લગતા, પ્યાર સે લગતા હૈ.’
લેટ્સ સેલીબ્રેટ, આ નારીપ્રધાન ફિલ્મો માટે!
(સમીરા પત્રાવાલા)