ગાંધીનગર- ગુજરાતની 26 લોકસભા બેઠકો પર આજે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. રાજ્યપાલ ઓમ પ્રકાશ કોહલીએ ગાંધીનગર સેક્ટર 20 પ્રાથમિક શાળા ખાતે પાતોના મતાધિકારનો ઉપયોગ કરીને મતદાન કર્યું હતું.
મતદાન કર્યા બાદ રાજ્યપાલ ઓ.પી.કોહલીએ જણાવ્યું કે, દેશની સુરક્ષા અને વિકાસને સુનિશ્ચિત કરવા માટે મતાધિકારનો ઉપયોગ કરીને જંગી મતદાન કરવું જોઈએ. મતદાતાઓ વિવેકપૂર્વક મતાધિકારનો ઉપયોગ કરીને દેશની સુરક્ષા અને વિકાસને સુનિશ્ચિત કરવા ખાસ કરીને યુવાઓ આગળ આવે અને વધુ મતદાન કરે એ જરુરી છે.
મુખ્ય સચિવ ડૉ. જે.એન.સિંઘે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી સેકટર-૨૦ ખાતે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કર્યું હતું. મતદાન કર્યા બાદ ડૉ.સિંઘે કહ્યું કે, રાજ્યના નાગરિકો-યુવાઓ ૧૦૦ ટકા મતદાન કરે અને ઝડપથી પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહીના આ પર્વમાં પોતાનું યોગદાન આપે.
રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી ડૉ. મુરલી કૃષ્ણાએ સેકટર-૯, ગાંધીનગર ખાતે પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને મતદાન કર્યું હતું.