અમદાવાદ- લોકસભાની ચુંટણીમાં ટીકીટ ફાળવણીને લઈ કોંગ્રેસમાં ફરી વિવાદ શરુ થયો હોય તેમ લાગી રહ્યું છે. ખેડા લોકસભા બેઠક માટે કોંગ્રેસે બિમલ શાહને ટીકીટ આપતા કપડવંજના ધારાસભ્ય કાળાભાઈ ડાભીએ પોતાના સમર્થકો સાથે કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. મહત્વનું છે કે, રાજ્યની 26 બેઠકો માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ છે.
કપડવંજના ધારાસભ્ય કાળાભાઈ ડાભીએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિને લેખીતમાં પત્રમાં લખીને રાજીનામું આપ્યું છે, તેમણે લેટરમાં લખ્યું છે કે, પાર્ટી હાઈકમાન્ડ દ્વારા 17-ખેડા સંસદીય મત વિસ્તારના ઉમેદવાર તરીકે બિમલભાઈ શાહની પસંદગી કરવામાં આવી છે, તેથી મને તથા પાર્ટીના સંખ્યાબંધ આગેવાનો-કાર્યકરોનો અત્યંત દુ:ખ થયું છે. તેથી મારા સહિત પાર્ટીના સંખ્યાબંધ આગેવાનો અને કાર્યકરો વ્યક્તિગત રીતે પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપીએ છીએ. તેની ગંભીરતાપૂર્વક નોંધ લેવા વિનંતી છે.
કાળુભાઈ ડાભીએ chitralekha.com સાથેની વાતચીતમાં રાજીનામું આપવાની વાતને સમર્થન આપ્યું હતું. અને સાથે તેમણે એમ પણ જણાવ્યું હતું કે, આ રાજીનામથી મારા ધારાસભ્યના પદ પર કોઈ અસર નહીં પડે. ધારાસભ્ય પદ યથાવત જ રહેશે. ગત વિધાનસભાની ચૂંટણીમાં કાળાભાઈ ડાભી કોંગ્રેસ તરફથી ચૂંટાઈ આવ્યા હતાં.
મહત્વનું છે કે, કોંગ્રેસ દ્વારા બે દિવસ પૂર્વે ૧૭ ખેડા લોકસભા બેઠક માટે પોતાના ઉમેદવાર તરીકે બિમલ શાહના નામની જાહેરાત કરવામાં આવી હતી. દરમિયાન બિમલ શાહની પસંદગી બાદ નારાજ કપડવંજ વિધાનસભા બેઠકના કોંગી ધારાસભ્ય કાળાભાઈ ડાભીએ પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાને પત્ર લખ્યો હતો. બિમલ શાહ ભાજપની કેશુભાઇ પટેલની સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે અને થોડાક સમય પહેલાં જ તે કોંગ્રેસમાં જોડાયા હતા. ભૂતકાળમાં એ કપડવંજના ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે.