અમદાવાદઃ રાજ્યના બોટાદ જિલ્લામાં એક સરકારી કર્મચારીને ‘ઓપરેશન સિંદૂર’ અંગે સોશિયલ મિડિયા પર આપત્તિજનક પોસ્ટ કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યાનુસાર આ પોસ્ટ રાષ્ટ્રીય એકતા સામે હતી અને લોકોમાં ડર તથા ગેરસમજ ફેલાવનારી હતી. આરોપીની ઓળખ 27 વર્ષના પટવારી કુણાલ પટેલ તરીકે થઈ છે, જે બોટાદ જિલ્લાના ધ્રુફણિયા ગામે તલાટી-કમ-મંત્રીએ તરીકે કાર્યરત હતા. આ પદ રાજ્ય પંચાયત વિભાગમાં વર્ગ-3ની નોકરી માનવામાં આવે છે. ‘ઓપરેશન સિંદૂર’ સંબંધિત હતી પોસ્ટ
ડેપ્યુટી એસ.પી. મહાર્ષિ રાવલે માહિતી આપી કે સોશિયલ મિડિયા મોનિટરિંગ દરમિયાન જિલ્લા સાઇબર ટીમે ‘X’ (પૂર્વે ટ્વિટર) પર કૃપાલ પટેલ દ્વારા કરવામાં આવેલી આપત્તિજનક પોસ્ટ જોઈ હતી. આ પોસ્ટ ભારતીય સેનાએ ‘ઓપરેશન સિંદૂર’ અંતર્ગત આતંકવાદીઓ પર કરેલી સ્ટ્રાઇક સંબંધિત હતી.
ડર ફેલાવનારી પોસ્ટ ગણવામાં આવી
ડેપ્યુટી એસ.પી.ના જણાવ્યા મુજબ આરોપીની પોસ્ટ રાષ્ટ્રીય એકતા વિરુદ્ધ હતી અને દેશમાં ડર તથા ગભરાટ ફેલાવનારી હતી. આ મામલે બોટાદ સાઇબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતાની કલમ 353 (2) અને 197 (1) (d) હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું હતું કે આરોપી મૂળ અમદાવાદનો વતની છે અને હાલમાં બોટાદના ગઢડામાં રહે છે. સરકારે સોમવારે જણાવ્યું હતું કે ‘ઓપરેશન સિંદૂર’ બાદ સોશિયલ મિડિયા પર દેશવિરોધી અને સેનાનું મનોબળ ઘટાડે તેવી પોસ્ટ કરનારાઓ સામે કુલ 14 લોકો વિરુદ્ધ ગુનાહિત કાર્યવાહી કરવામાં આવી છે.
