અમદાવાદ- લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૧૯ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે ચૂંટણી તંત્ર તથા જિલ્લા ચૂંટણી અધિકારીઓ દ્વારા આગોતરા પગલાં લેવામાં આવી રહ્યાં છે.
રાજ્યનાં મુખ્ય નિર્વાચન અધિકારી ડો. એસ. મુરલી કૃષ્ણાએ જણાવ્યું હતું કે રાજ્યભરમાંથી ૫૬,૯૨૫ પરવાનેદાર હથિયાર ધારકો પૈકી ચૂંટણીઓ જાહેર થયા બાદ રાજ્યમાં ૫૧,૯૩૮ જેટલાં હથિયારો પોલીસ સ્ટેશનમાં જમા કરાવાયા છે. તકેદારીનાં ભાગરૂપે ૫૪,૭૫૮ બિનજામીનપાત્ર વોરંટ બજાવવામાં આવ્યા છે., જ્યારે ૨,૪૮,૮૨૬ વ્યક્તિઓ સામે વિવિધ સીઆરપીસી એક્ટ હેઠળ અટકાયતી પગલાં લેવાયા છે.
મુખ્ય નિર્વાચન અધિકારી, ડૉ એસ. મુરલી કૃષ્ણાએ કહ્યું હતું કે, લોકસભાની સામાન્ય ચૂંટણી માટે ચૂંટણી જાહેરાતથી જ આચાર સંહિતા લાગુ કરવામાં આવેલ છે. સમગ્ર રાજ્યમાં ચૂંટણી ખર્ચ માટે જિલ્લા કક્ષાએ ચૂંટણી તંત્રને સજ્જ કરાયું છે. દરેક જિલ્લામાં ચૂંટણી ખર્ચના એક નોડલ અધિકારી અને વિવિધ ટીમની રચના કરાઈ છે.
ચૂંટણી ખર્ચ નિયંત્રણ માટે નિમાયેલ વિવિધ ટીમ અને રાજય આબકારી અને નશાબંધી વિભાગ દ્વારા તા. ૦૮-૦૪-૨૦૧૯ સુધીમાં રૂ. ૫૦૦.૦૧ કરોડની કિંમતનું અંદાજે ૧૧૩.૭ કિલો જેટલું કોન્ટ્રાબેન્ડ ડ્રગ્સ (kontraband drugs), રૂ. ૯.૦૩ કરોડનો ૩.૧૪ લાખ લિટર દારૂ તેમજ કુલ રૂ. ૩.૭૪ કરોડ રોકડ અને રૂ. ૦.૭૯ કરોડનું સોનુ-ચાંદી જપ્ત કરવામાં આવેલ છે. આમ, કુલ જપ્ત થયેલ રોકડ / વસ્તુઓની કુલ રકમ રૂ. ૫૧૩.૫૭ કરોડ થાય છે.
જપ્ત કરાયેલ રોકડ પૈકી આવકવેરા વિભાગે રૂ. ૩૫૨.૧૬ લાખની રોકડ અને ફ્લાઈંગ સ્ક્વોડ તથા સ્ટેટીક સર્વેલન્સ ટીમે રૂ. ૨૨.૦૭ લાખની રોકડ જપ્ત કરેલ છે. જેમા રૂ. ૪૪.૭૦ લાખ સૂરત, રૂ. ૯૩.૯૧ લાખ વલસાડ, રૂ. ૧૬૮.૩૪ લાખ અમદાવાદ, રૂ. ૩૫.૨૧ લાખ નવસારી અને રૂ. ૩૨.૧૪ લાખ અન્ય જિલ્લાઓ માંથી જપ્ત થયેલ રોકડ રકમનો સમાવેશ થયેલ છે.