સિદ્ધાર્થ અને કશ્યપ બંને કોલેજમાં સાથે ભણ્યા. ભણવામાં બેઉ સારાં અને બંનેનું પરિણામ લગભગ એકસરખું જ આવે. હોય તો એકાદ-બે ટકાનો ફરક હોય. સિદ્ધાર્થની આર્થિક સ્થિતિ ખૂબ સારી. તેના પિતાનો બિઝનેસ ધીખતો ચાલતો. કશ્યપ નોકરિયાત ઘરનું સંતાન એટલે તેને ખર્ચ થોડું સંભાળીને કરવો પડે. કોલેજ પૂરી થઇ એ પછી સિદ્ધાર્થે એમ.બી.એ. કરવા અમેરિકા જવાનું નક્કી કર્યું અને કશ્યપે સરકારી નોકરી માટે પરીક્ષાની તૈયારી શરુ કરી. બંને અવારનવાર ફેસબુક અને વોટ્સએપથી સંપર્કમાં રહે.
મેનેજમેન્ટનું ભણ્યા પછી સિદ્ધાર્થને એક મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી મળી અને તે અમેરિકામાં જ રહ્યો. ત્રણેક વર્ષ બાદ કશ્યપનું સિલેક્શન રાજ્યની સનદી સેવામાં થયું અને તે મામલતદાર તરીકે એક તાલુકામાં ફરજ બજાવવા લાગ્યો. સિદ્ધાર્થને યુરોપ અને અમેરિકાના દેશોમાં કામ માટે ફરવાનું થાય. બંને વચ્ચે ભૌગોલિક અંતરની સાથે સાથે આર્થિક અને સામાજિક સ્ટેટસનું અંતર પણ વધ્યું. સંપર્કો ઘટ્યા અને વાતો ઓછી થઇ.
દસેક વર્ષ બાદ સિદ્ધાર્થ પોતાની કંપનીની એક પ્રપોઝલ લઈને સચિવાલયના ટ્રાન્સપોર્ટ વિભાગના જોઈન્ટ સેક્રેટરીને મળવા ગયો. કંપનીની મર્સીડીસમાં, સૂટ અને ટાઈ લગાવીને રિજનલ મેનેજર તરીકે તે આજે સરકાર માટે લગભગ સો કરોડનાં પ્રોજેક્ટનો પ્રસ્તાવ લઈને આવેલો. જો તે પાસ થઇ જાય અને કોન્ટ્રાકટ તેની કંપનીને મળી જાય તો તેને સારા એવા પૈસા ઈન્સેન્ટીવમાં મળે અને પ્રમોશન પણ થાય. ઉપરાંત, એક વાર રાજ્ય સરકારમાં પ્રોજેક્ટ શરુ થાય એ પછી આગળના બીજા કોન્ટ્રાકટ કે પ્રોજેક્ટ મેળવવા પણ સરળ બને. પોતે આંતરરાષ્ટ્રીય સ્તરે અનેક લોકોને પોતાના પ્રેઝન્ટેશનથી ઈમ્પ્રેસ કરેલા તો આ તો સરકારી અધિકારી! એને સમજાવવો તો ખૂબ સરળ રહેશે તેવા કોન્ફિડન્સમાં તેણે લગભગ વીસેક મિનિટ રાહ જોયા પછી અંદર જવાની સૂચના મળી.
‘ગુડ મોર્નિંગ સર,’ કહેતા તે ચેમ્બરની અંદર પ્રવેશ્યો. તેનો લંબાવેલો હાથ એક ક્ષણ માટે અચકાયો. કશ્યપ, તેનો મિત્ર કશ્યપ, જ ઓફિસમાં હતો.
‘અરે સિદ્ધાર્થ, તું? આવ આવ.’ કહીને કશ્યપે સામે ચાલીને તેને આવકાર્યો અને ઓફિસમાં રાખેલા સોફા પર બંને બેઠા. ‘કેમ છો, શું ચાલે છે?’ જેવી વાતો થઇ એ પછી કશ્યપે કહ્યું કે બે દિવસ પહેલા જ તેનું પોસ્ટિંગ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટમાં થયેલું એટલે બહાર નેમપ્લેટ પર હજી તેનું નામ લખવાનું બાકી હતું. સિદ્ધાર્થને સમજાયું નહિ કે તે કશ્યપ સાથે એક મિત્રની જેમ વાત કરે કે સરકારી અધિકારીની જેમ?
‘હા, સિદ્ધાર્થ. લેટ્સ ડિસ્કસ ડિટેઇલ ઓફ ધ પ્રોજેક્ટ.’ થોડીવારમાં ચા-પાણી પતાવીને કશ્યપે જ કામની વાત શરુ કરી.
‘યસ, કશ્યપ. યસ સર. અમારું પ્રપોઝલ એવું છે કે….’ સિદ્ધાર્થે વીસ મિનિટનું પ્રેઝન્ટેશન પોતાના લેપટોપ પર બતાવ્યું. વચ્ચે વચ્ચે કશ્યપ પેનથી પોતાની ડાયરીમાં નોંધ કરતો રહ્યો. પ્રેઝન્ટેશન પૂરું થયા બાદ કશ્યપે તેને કેટલાક સવાલ પૂછ્યા અને વિગતો માંગી. સિદ્ધાર્થે તેની પાસે હતી તેટલી વિગતો આપી અને વધારે ડિટેઇલ ઇમેઇલ કરશે તેવું કહ્યું. મિટિંગ પૂરી થઇ.
‘ઘરે આવને સાંજે ભાભીને લઈને ડિનર પર?’ કશ્યપે આમંત્રણ આપ્યું.
‘મેં લગ્ન નથી કર્યા. પણ ચોક્કસ આવીશ.’ નક્કી થયું કશ્યપના ઘરે ડિનર પર મળવાનું. કશ્યપનું સરકારી ઘર જૂનું અને નાનું હતું. તેની પત્ની અને એક બાળક સાથે તે ઉચ્ચ મધ્યમ વર્ગીય કહી શકાય તેવું જીવન જીવતો.
‘કંઈ લેવડ દેવડ કરવાની હોય પ્રોજેક્ટ માટે તો આપણે સમજી લઈએ. આ કોન્ટ્રાકટ મારી કરિઅર માટે બહુ જરૂરી છે. જો નહિ મળે તો અપમાનજનક થઇ પડશે.’ સિદ્ધાર્થે ડિનર પૂરું થયું પછી વાત વાતમાં કશ્યપને પૂછ્યું.
કશ્યપનો ચહરો ગુસ્સાથી લાલ થઇ ગયો, પણ સિદ્ધાર્થ જૂનો મિત્ર છે અને કદાચ સરકારી કામ લેવડ-દેવડથી જ થતા હશે એવી માન્યતાને કારણે ભૂલ કરી બેઠો હશે તેવું વિચારીને તેણે જતું કર્યું. ‘અમે પારદર્શિતાથી કામ કરીશું. જે કંપનીની પ્રપોઝલ સરકારી ધારાધોરણોમાં ફિટ બેસશે તેને જ કોન્ટ્રાકટ મળશે.’ એમ કહીને કશ્યપ સિદ્ધાર્થને દરવાજા સુધી વળાવવા આવ્યો.
બીજી કંપનીઓની પ્રપોઝલ્સ જોવાઇ અને ઉચ્ચ અધિકારીઓએ સાથે મળીને ફાઈલ પર નિર્ણય લીધો. કોન્ટ્રાકટ ગુજરાતની એક નવી કંપનીને મળ્યો. બધી કંપનીઓને જાણ કરાઈ.
બીજા દિવસે છાપામાં સમાચાર આવ્યાઃ ‘સરકારી અધિકારી કશ્યપ ભટ્ટ પર મલ્ટીનેશનલ કંપનીના રિજનલ મેનેજર સિદ્ધાર્થ બારોટે પોતાના ઘરે ડિનર પર બોલાવીને લાંચ માંગવાનો આરોપ લગાવ્યો. લાંચ આપવાની ના પાડતા કોન્ટ્રાકટ બીજી કંપનીને અપાયો.’
કશ્યપે કોન્ટ્રાકટને લગતી બધી ફાઈલ્સ એકવાર ફરીથી ચકાસી જોઈ અને પછી સિદ્ધાર્થનો નંબર બ્લોક કરીને તેની મલ્ટીનેશનલ કંપનીને બ્લેકલિસ્ટ કરવા નવી ફાઈલ ચલાવી દીધી.
(રોહિત વઢવાણા)
(યુવાન લેખક રોહિત વઢવાણા ઇન્ડિયન ફોરેન સર્વિસના અધિકારી છે અને હાલ લંડનસ્થિત ભારતીય હાઇ કમિશનની કચેરીમાં ફરજ બજાવે છે. વિચારો લેખકના અંગત છે.)