મીનુએ એમ.કોમ. પૂરું કર્યું પછી તેને ગામથી થોડે દૂર આવેલી સ્ટીલ ફેક્ટરીની હેડ ઓફિસમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી મળી ગઈ. નોકરી કરતાં કરતાં તેની ઓફિસમાં કામ કરતા વિમર્શ નામના એન્જીનિઅર યુવક સાથે પરિચય થયો અને તેમની વચ્ચે પ્રેમનો તાંતણો બંધાયો. વિમર્શ બી.ટેક. કરીને ફેક્ટરીમાં જોડાયો હતો અને તેના કામથી ખુશ થઈને મેનેજમેન્ટે તેને જલ્દી પ્રમોશન પણ આપી દીધેલું.
વિમર્શ પોતાના ગામ પાછો ફરે ત્યારે મીનુનું ગામ રસ્તામાં પડે. સંબંધ વધારે વિકસતા વિમર્શે ક્યારેક મીનુને પોતાની બાઈક પર લિફ્ટ આપવા માંડી. મીનુએ પોતાના પિતા સૌરભભાઈ સાથે તેનો પરિચય પણ કરાવ્યો. દીકરીની સમજદારી પર પિતાને કોઈ સંદેહ નહોતો. પરંતુ બે-ત્રણ વાર આવું બન્યું એટલે તેમની શાળામાં ફરજ બજાવતા બીજા શિક્ષકોએ અને સાંજે બજારમાં ચક્કર લગાવવા નીકળ્યા ત્યારે એક-બે મિત્રોએ પૂછી લીધું, ‘મીનુને કોઈ છોકરા સાથે બાઈક પર જોઈ’તી. તમારા સગામાં છે કોઈ?’
નાહકની વાતો વધે તેના કરતાં દીકરીને પહેલેથી જ વાળી લેવી સારી તેવું વિચારીને તેમણે મીનુને કહ્યું, ‘બેટા, મને તારી સમજદારી પર તો કોઈ સંદેહ નથી. પરંતુ ગામના મોઢે ગરણું કેમ બંધાય?’
(તસવીર પ્રતીકાત્મક છે)
‘પપ્પા, હું તમારી વાત સમજુ છું. હવે તમને કહેવાનો મોકો નહિ દઉં. ચિંતા ન કરશો.’ મીનુએ જવાબમાં એટલું જ કહેલું.
એક અઠવાડિયા પછી રવિવારના દિવસે વિમર્શનો પરિવાર સૌરભભાઈના ઘરે આવ્યો. વાતચીત થઇ. વિમર્શ સમજદાર અને શાંત સ્વભાવનો લાગ્યો. તેના પપ્પા સરકારી અધિકારી હતા અને મમ્મીની બેંકમાં નોકરી હતી. વિમર્શ બે ભાઈઓ અને એક બહેન પૈકી સૌથી નાનો. બહેન અને ભાઈના લગ્ન થઇ ગયેલા. છોકરો સારો હતો. દીકરીને દુઃખ નહિ પડવા દે એવો વિશ્વાસ બેઠો એટલે સગાઇ અને લગ્ન બંને સાથે જ કરી નાખવાનું નક્કી થયું.
સૌરભભાઈ તેમની નિવૃત્તિના આરે હતા એટલે દીકરીના લગ્ન ગોઠવાઈ ગયાનો આનંદ અનેરો હતો. એક પ્રાથમિક શિક્ષકની આવકમાંથી થઇ શકે એટલી ધામધૂમથી સમારંભ ગોઠવાયો. ગામના સૌને આમંત્રિત કર્યા. લગ્નમંડપ સજાવેલો હતો. મહેમાનોની અવરજવર હતી. સંગીત વાગી રહ્યું હતું. લોકોના ચહેરા પર હર્ષોલ્લાસ છલકાતો હતો. છેલ્લા પાંત્રીસ વર્ષ દરમિયાન ગામમાં તેમની પાસે ભણેલા યુવાનોએ કામની જવાબદારી પોતાના માથે લઇ લીધી હતી.
જાન આવતા પહેલા મીનુને મળવા ગયા ત્યારે ‘તારી મમ્મી હોત તો જોઈને કેટલી રાજી થાત?’ કહેતા સૌરભભાઈએ દીકરીના માથા પર હાથ ફેરવ્યો. તેમની આંખોના ખૂણા ભીના થઇ આવ્યા તે મીનુએ જોયું.
‘મારા માટે તો તમે જ મમ્મી અને તમે જ પપ્પા છો. હું સાત વર્ષની હતી ત્યારે જ મમ્મી તો બીમારીમાં જતી રહી. ત્યારથી મારું ધ્યાન તો તમે જ રાખ્યું છે ને? મારો ઉછેર કર્યો, ભણતરનું ધ્યાન રાખ્યું અને નોકરી શોધવામાં પણ તમે જ મારી સાથે ઉભા રહ્યા.’ છવ્વીસ વર્ષની મીનુને તો તેની મા વિષે કાંઈ યાદ પણ નહોતું. તેને મન તો પપ્પા એટલે સંપૂર્ણ પરિવાર. સૌરભભાઈએ પણ મીનુને ક્યારેય મમ્મીની ગેરહાજરી વર્તાવા દીધી નહોતી.
‘તારું સુખ એ મારુ સુખ.’ કહીને સૌરભભાઈ મહેમાનો પાસે જતા રહ્યા. મીનુની આંખો પણ નિવૃત્તિ, વૃદ્ધત્વ અને એકલતાના કિનારે આવીને ઉભેલા પિતાને જતાં જોઈને ભરાઈ આવી.
(તસવીર પ્રતીકાત્મક છે)
જાન આવી અને સૌનો આવકાર-સત્કાર થયો. લગ્નની વિધિ અને જમણવાર પત્યા. વિદાયનો સમય આવ્યો ત્યારે સૌરભભાઈએ દીકરીને સૌભાગ્યવતી થવાના આશીર્વાદ આપ્યા. પિતાને ગળે મળતાં મીનુના મનમાં કંઈક વિચાર આવ્યો. વિમર્શને બાજુ પર લઇ જઈને તેણે વાત કરી. પાંચેક મિનિટ ચાલેલી આ વાત પછી વિમર્શ તેના મમ્મી-પપ્પા પાસે ગયો અને તેમની વચ્ચે ગંભીર વાતચીત ચાલી.
સૌરભભાઈ આ બધું ગંભીર વદને જોઈ રહ્યા હતા. એવામાં વિમર્શનાં માતા-પિતા તેમની પાસે આવ્યા અને કહ્યું, ‘અમારે તમારી સાથે એક અગત્યની વાત કરવી છે.’ સૌરભભાઈએ હાથ જોડ્યા અને મનમાં ભગવાનને પ્રાર્થના કરતા કહ્યું, ‘કાંઈ ભૂલચૂક થઇ ગઈ મારાથી?’
‘ના, ના, એવું નથી. પણ મીનુ અને વિમર્શે એવું નક્કી કર્યું છે કે તેઓ હવે અહીં તમારી સાથે જ રહેશે એટલે અમે તમારી દીકરી લઇ જવાને બદલે અમારો દીકરો તમને સોંપીને જઈએ છીએ. ધ્યાન રાખજો બંનેનું.’
સૌરભભાઈએ ભીની આંખે દીકરી અને જમાઈ સામે જોયું અને તેમના મનમાં એ નવદંપતી માટે આશીર્વાદનો વરસાદ વરસ્યો.
(રોહિત વઢવાણા)
(યુવાન લેખક રોહિત વઢવાણા ઇન્ડિયન ફોરેન સર્વિસના અધિકારી છે અને હાલ લંડનસ્થિત ભારતીય હાઇ કમિશનની કચેરીમાં ફરજ બજાવે છે. વિચારો લેખકના અંગત છે.)