ધારોકે તારા અસ્તિત્વની અહેમીયત જણાવી શકી હોત…

આલાપ,

માણસ અભિવ્યક્તિની બાબતે એટલો બધો અઘરો હોય છે કે ક્યારેક એ ખુદ એને પણ નથી સમજાતો. ક્યારેક બોલીને તો ક્યારેક ચૂપ રહીને, ક્યારેક લખીને તો ક્યારેક જોઈને એ અભિવ્યક્ત થતો હોય છે. હું તો એમ જ માનતી કે લાગણી અને પ્રેમ વિશે જો મારે લખવાનું હોય તો આખેઆખું પુસ્તક લખી શકવા હું સમર્થ છું પણ મારી આ માન્યતા ત્યારે ખોટી પડી જ્યારે જીવનમાં તું આવ્યો.

એક ઢળતી સાંજે હું મારા ઘરની બાલ્કનીના હીંચકે આથમતા સૂરજને જોઈ રહી હતી અને અચાનક ક્યાંકથી એક બાળકે આવીને મને કહેલું, “દીદી, આ બલૂન તમારા માટે છે, આને ફોડશો એટલે એમાં સરપ્રાઈઝ છે તમારા માટે” એ તો આટલું કહીએ દોડતો જતો રહેલો. મારી નજર પણ એ બાળકની સાથે જ દોડી પણ બાળક સામેના ગાર્ડન સુધી દેખાઈ ને પછી ઓગળી ગયું. હવે બાળક દ્વારા તો વધુ કશું જાણી શકાય એમ ન હોઈ, મેં તરત જ પેલું બલૂન ફેરવી ફેરવીને જોયું. એકદમ ફુલાયેલા બલૂનને બન્ને હાથો વડે હલાવીને ખખડાવી પણ જોયું, હા કોઈક અવાજ આવી રહ્યો હતો. મેં તરત જ વાળમાં ભરાવેલી પિન કાઢી અને બલૂન ફોડયો. મારી જિજ્ઞાસા વધી રહી હતી. એમાંથી એક પત્ર નીકળ્યો. મેં ફટાફટ વાંચવાનું શરૂ કર્યું. “ચહેરા પરનું આશ્ચર્ય સ્પષ્ટ કહે છે કે બલૂન મારફત પત્ર મોકલનારને મળવું તો પડે જ. ગુસ્તાખી માફ પણ એ પત્ર મોકલનાર હજી ગાર્ડનમાં આપની રાહે બેઠું છે.” હું એકદમ ઝડપથી ગાર્ડન તરફ ભગવા લાગી. ગાર્ડનમાં એન્ટર થઈને નજર ફેરવી રહી હતી ત્યાં પાછળથી આવીને તેં કાનમાં કહેલું, “હજી એક બલૂન લેશો?’ સામે ઉભેલો તું પહેલી જ નજરમાં મારા હ્ર્દયમાં ઉતરી ગયેલો. હવે કોઈ સવાલો કાન સુધી નહતા પહોંચતા.


ધીમે ધીમે આપણી મુલાકાતો વધી અને હ્ર્દયમાં વાગેલી એ ઘંટડી પ્રેમની હવામાં ઉત્કટતાના ઝૂલતા વિન્ડચાઇમ્સ માફક રણઝણવાની શરૂ થઈ.

એક દિવસ તેં મને કહેલું, “સારું, તારા જીવનમાં મારુ મહત્વ કેટલું? હું એટલે તારે મન શું?” એક પળ માટે મારા શબ્દો મને હાથતાળી આપી ગયા. હું આસપાસ નજર દોડાવીને શોધ્યા કરી એ શબ્દોને પણ હાથ ન લાગ્યા. હું થોથવાઈ. થોડી ભોંઠપ સાથે મેં કહેલું, “આલાપ, જીવનમાં પહેલી વખત એવું બન્યું કે કોઈના મારા જીવનમાં હોવાના મહત્વ વિશે વિચારું અને શબ્દો સાથ ન આપે. અને આજે તને કાંઈ નથી કહી શકતી એ માટે sorry પણ હા, ક્યારેક અચાનક એકસામટું શબ્દોનું ઘોડાપૂર આવશે અને હું ઠલવાઇ જઈશ તારી સામે” પણ, એવું કશું જ થાય એ પહેલાં આપણે અલગ થયા. સંબંધોમાં કોઈ એવો ઝંઝાવાત આવ્યો કે બધું જ તબાહ કરીને જતો રહ્યો. એ પછીતો જાત સાથે વાતો કરવાની જાણેકે આદત થઈ ગઈ. જાત સાથે વાતો કરી કરીને હવેતો એનો પણ થાક લાગે છે પણ આજે એમ થાય છે કે ધારોકે તારા અસ્તિત્વની અહેમીયત જણાવી શકી હોત આજે લખવાની જરૂર ન રહેત કે પછી આજે તું ક્યાંયથી આવી જાય તો તને જણાવું કે

તું એટલે…
ભીની માટીની સુગંધ.
અષાઢી વાયરાની આહલાદક ઠંડક.
દરિયાના ઉછળતાં મોજાંઓની છલક.
લીલુંછમ કુણું ઘાસ.

તું એટલે…
આકાશમાં વિસ્તરતી વાદળી.
પંખીઓનો કલબલાટ.
સૂર્યનું પહેલું કિરણ.

અને તું એટલે એક એવી વ્યક્તિ કે જેના અસ્તિત્વમાં ઓગળીને વિલિન થઈ જવા સતત તરફડતી હું.

આલાપ, જીવનમાં કોઈ સમય મોડો નથી હોતો. હા, સમયસર આવે એની મજા અલગ હોય છે પણ જ્યારે આવે છે ત્યારે એને આવકારી લેવો એ પણ એટલું જ જરૂરી છે. આજે આ શબ્દોનું ઘોડાપૂર તારી સામે પત્ર દ્વારા ઠાલવીને હું હળવી થઈ જવા માંગુ છું.

-સારંગી.
(નીતા સોજીત્રા)