અમદાવાદ: દેશ અને દુનિયામાં ગુજરાતની ઓળખ કઇ?
અફકોર્સ, ગીરનો સાવજ. સૌરાષ્ટ્રના ખાસ કરીને ગીર-સોમનાથ, જૂનાગઢ અને અમરેલી જિલ્લામાં ક્યાંક ડુંગરના ગાળામાં તો ક્યાંક ખેતરમાં ડણક દેતો ડાલમથ્થો એ ગુજરાતની આન-બાન અને શાન છે.
નવાઇ ન પામતા, પણ આજકાલ આ સાવજ ગીર-સોમનાથના લોકોને 23 એપ્રિલે મતદાન કરવાની અપીલ કરી રહ્યો છે. સરસ મજાનું ટી-શર્ટ પહેરીને એ યુવાન મતદારોને કહી રહયો છે કે, ‘સ્ટાઇલ ફક્ત ગોગલ્સ કે કપડાં પહેરવામાં નથી. મતદાન પણ કૂલ અને સ્ટાઇલ સ્ટેટમેન્ટ છે. નિષ્ફળ થયા વગર મત જરૂર આપો.’
વેલ, ગીર-સોમનાથ (વેરાવળ) જિલ્લામાં આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે ફરજ બજાવતા નીતિન સાંગવાને આજકાલ સોશ્યલ મિડીયામાં એક સરસ મતદાન જાગૃતિ કેમ્પેઇન શરૂ કર્યું છે.
સાવજને મતદાન જાગૃતિના બ્રાન્ડ એમ્બેસેડર બનાવીને એમણે મતદારોને વધુને વધુ મતદાન માટે કેવી રીતે અપીલ કરી શકાય એનું સરસ ઉદાહરણ આપ્યું છે. મતદાન જાગૃતિની અપીલ કરવા માટે એમણે સાવજના સરસ કાર્ટૂન્સ બનાવ્યા છે અને આ કાર્ટૂન્સ અત્યારે સોશ્યલ મિડીયામાં વાઇરલ થઇ રહયા છે. લોકોને પણ આ આઇડિયા ગમ્યો છે.
આસિસ્ટન્ટ કલેક્ટર નીતિન સાંગવાન પોતે એક સરસ આર્ટીસ્ટ છે અને આ બધા કાર્ટૂન્સ-સ્કેચ એમણે જ બનાવ્યા છે. ચિત્રલેખા.કોમ સાથેની વાતચીતમાં એ કહે છે, ‘સાવજ એ ગીરનું પ્રતીક છે. મતદાન જાગૃતિ માટે જો સાવજ અપીલ કરે તો કેવું એવો વિચાર આવ્યો એટલે પછી મેં આવા કાર્ટૂન્સ તૈયાર કર્યા અને પછી અમે એને સોશ્યલ મિડીયામાં વહેતા કર્યા છે. લોકોનો પણ એને સારો આવકાર મળી રહયો છે.’
મૂળ હરિયાણાના વતની નીતિન સાંગવાન આમ તો પહેલેથી જ સારા કાર્ટૂનીસ્ટ છે અને સામાજિક વિષયોને લઇને અવાર નવાર કાર્ટૂન્સ બનાવતા રહે છે. ‘દાલ મેં કાલા’ નામે એ બ્લોગપેજ પર કાર્ટૂન્સ અને કમેન્ટરી લખે છે. એમની આ નવતર પહેલને ગાંધીનગરના ઉચ્ચ અધિકારીઓએ પણ વખાણી છે.