સૌપ્રથમ તો મોજમસ્તીના બાશિંદાઓને શુભ 2025. ભઈ, થર્ટી ફર્સ્ટ અને નૂતન વર્ષારંભના દિવસોમાં રાજકુમાર હીરાણીની ‘પીકે’ની રિલીઝનાં 10 વર્ષ થયાં તે નિમિત્તે એના નિર્માણ વિશેના કેટલાક મજેદાર કિસ્સા રાજુભાઈએ વાગોળ્યા તે મમળાવ્યા. જેમ કે, આ ફિલ્મ માટે એમણે સુષાંતસિંહને કરારબદ્ધ કર્યો તે વખતે એની એક પણ ફિલ્મ રિલીઝ થઈ નહોતી. સુષાંત જ્યારે અનુષ્કા શર્મા સાથે બેલ્જિયમમાં ‘પીકે’નું શૂટિંગ કરી રહ્યો હતો ત્યારે એની પહેલી ફિલ્મ ‘કાઈપો છે’ (2013માં) રિલીઝ થયેલી.
2020ના જૂન માસમાં સુષાંતસિંહનું અકાળ અવસાન થયું એ અરસામાં એક શબ્દસંજ્ઞા પ્રચલિત થઈ ‘નેપો કિડ્સ.’ આ શબ્દસંજ્ઞા બની છે વિષય આજના મોજમસ્તીનો વિષય. નેપો કિડ્સ એટલે કે નેપોટીઝમથી એટલે કે સગાંવાદની ઓલાદો અર્થાત્ હિંદી સિનેમામાં પગ જમાવી ચૂકેલા નિર્માતા-કલાકાર-કસબીનાં બાલુડાં. નાના નગરથી ચિત્રપુરીમાં પ્રવેશ મેળવવા આવતાં યુવાન-યુવતી પાંચ-દસ વર્ષ શરીરના કૂચા નીકળી જાય એવો સંઘર્ષ કરે એના બદલે આ નેપો કિડ્સ નાચતાંકૂદતાં (અમુક ગુજરાતી બાલુડાં-બાલુડી પત્રકાર લખે છે એમ) ડેબ્યૂ કરી કાઢે છે.
ગયા વર્ષની એટલે 2024ની વાત કરીએ તો એમાં આવ્યાં- આમીર ખાનનો દીકરો જુનૈદ ખાન, ગૌરી-શાહરુખાનની સુપુત્રી સુહાના ખાન, બોની કપૂરની નાનકી દીકરી ખુશી કપૂર તેમ જ શ્વેતા બચ્ચન-નિખિલ નંદાનો પુત્ર અને બચ્ચનદંપતીનો દોહિત્ર અગસ્ત્ય નંદા. હવે ન્યુ યરમાં કેટલાંક ન્યુ નેપો બેબી આવશે.
જેમ કે ખાન લોકોમાંથી આવશે આર્યન ખાન અને ઈબ્રાહિમ અલી ખાન. ગૌરી અને શાહરુખનો સુપુત્ર થોડાં વર્ષ પહેલાં સાવ ખોટા કારણસર સ્પોટલાઈટમાં આવી ગયેલો એ તો સર્વવીદિત હશે. આર્યન એક વેબસિરીઝ ડિરેક્ટ કરી રહ્યો છે, જે ‘નેટફ્લિક્સ’ પર સ્ટ્રીમ થશે. પિતાશ્રી શાહરુખે આની જાહેરાત કરતાં કહ્યું (વક્રતા જુઓ)- “ઝળાંહળાં સિનેસૃષ્ટિમાં નવેસરથી એક ડોકિયું અને… કોઈ જાતની ઓળખાણપિછાણ વગર અહીં આવતાં (બહારવાળા)ને સફળતા મેળવવા કેટલી મહેનત કરવી પડે છે.” બોલો. જ્યારે અમૃતાસિંહ અને સૈફ અલી ખાનનો બેટો અને સારા અલી ખાનનો ભાઈ ઈબ્રાહિમ ‘સરઝમીં’ નામની ફિલ્મમાં આવશે, જેને ડિરેક્ટ કરી રહ્યો છે, વેલ…વેલ…વેલ… બમન ઈરાનીનો ચિરંજીવ કાયોઝ ઈરાની. નિર્માતા? બીજું કોણ વળી? કરણ જોહર જ સ્તો. ‘સરઝમીં’ ચિત્રપટના અન્ય કલાકાર છે કાજોલ.
વળી કાજોલ-અજય દેવગનનો દીકરો યુગ પણ 2025માં આવી રહ્યો છે એવી અફવા વહેતી થઈ. અફવા એટલા સારુ કેમ કે પંદર વર્ષનો યુગ સિનેમાપ્રવેશ માટે જરા નાનો પડે. પપ્પા અજયને કોઈએ “યુગ ક્યારે લોન્ચ થશે?” એવો સવાલ કર્યો ત્યારે એણે કંઈ આવું જ કહ્યું, “લોન્ચ કા પતા નહીં, અભી તો વો સહી ટાઈમ પે લન્ચ કરલે વહી બડી બાત હૈ!”
-અને યુગ તો જ્યારે લોન્ચ થવાનો હશે ત્યારે થશે હાલ તો દેવગનપરિવારનો એક નબીરો આ વર્ષે સો ટકા સિનેપ્રવેશ કરી રહ્યો છે. એ છેઃ અજય દેવગનનો ભાણેજ અમન દેવગન, જે આ પહેલાં ‘ધ આર્ચીઝ’ અને ‘એકે વર્સીસ એકે’ જેવી ઓટીટી-ફિલ્મમાં દેખાયેલો. હવે ‘આઝાદ’ રીતસરની થિયેટરમાં રિલીઝ થશે. અભિષેક કપૂર દ્વારા દિગ્દર્શિત ‘આઝાદ’માં અમનની સહઅભિનેત્રી છે રાશા થડાની, જે રવિના-અનિલ થડાનીની પુત્રી થાય.
આ ઉપરાંત અનન્યા પાંડેનો કઝિન અહાન પાંડે. અહાનને ચારેક વર્ષથી ‘યશરાજ’વાળા બોલિવૂડ-પ્રવેશ માટે તૈયાર કરી રહ્યા છે. હવે વાવડ છે કે મોહિત સુરી દિગ્દર્શિત, નાજુક પ્રણયકથા આધારિત ફિલ્મમાં અહાન ચમકશે. તો મહિપ અને સંજય કપૂરની દીકરી શનાયા કપૂર તેલુગુ મૂવી ‘વૃષભ’થી પા પા પગલી ભરશે. ‘વૃષભ’માં મુખ્ય કલાકાર છે મલયાલમના સુપરસ્ટાર મોહનલાલ.
મને હંમેશાંથી એવું ફીલ થાય છે કે જેમ ડોક્ટરનો દીકરો ડોક્ટર બને અથવા વકીલનો દીકરો વકીલ, એમ ફિલ્મપરિવારનાં દીકરા-દીકરી સિનેમામાં આવે તો એમાં કંઈ રોંગ નથી. વગદાર બા-બાપુજી એકાદ ફિલ્મમાં પ્રવેશ કરાવી આપે, પછી તો એણે એના કૌવતથી જ ચાલવાનું છે. કેમ કે પ્રેક્ષક બહુ સમજદાર છે. એને નહીં ગમે તો બે આંખની શરમ રાખ્યા વિના એને જાકારો આપી દેશે. હા, એટલું ખરું કે આવા સ્ટારકિડ્સને સ્ટ્રગલ કરવી પડતી નથી. તમારો શું મત છે? લખશો અમને?