તહેવારો આપણી સંસ્કૃતિ, સંસ્કાર અને પરંપરાગત વારસાને ઉજાગર કરે છે. ઉત્સવો સાથેનો આપણો સંબંધ સદીઓ પુરાણો છે લોકો ઉત્સવ પ્રિય હોવાથી દરેક તહેવાર રંગે ચંગે ઉજવે છે. જો કે બધા તહેવારો પાછળ
સિડની નવા વર્ષની પૂર્વ સંધ્યા, ઓસ્ટ્રેલિયા
ઓસ્ટ્રેલિયા નવા વર્ષનું સ્વાગત કરનાર વિશ્વનો પ્રથમ દેશ છે. માટે જ અહીં નવા વર્ષની પૂર્વ સંધ્યા ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. સિડનીના આ ઉત્સવનું મુખ્ય આકર્ષણ હાર્બર બ્રિજ અને સિડની ઓપેરા હાઉસની બેકગ્રાઉન્ડમાં જોવા મળતા ભવ્ય ફાયર વર્ક્સ છે. દરેક વર્ષે, ફાયર વર્ક્સ શોમાં અનોખી થીમ હોય છે, જેનું આયોજન ઘણા મહિનાઓ પૂર્વે જ થઈ જાય છે. ફાયર વર્ક્સ શોનો મુખ્ય ભાગ મધરાતે, 12 વાગે યોજાય છે, જે નવા વર્ષનું સ્વાગત કરે છે. આ ઇવેન્ટનું જીવંત પ્રસારણ વિશ્વભરમાં કરવામાં આવે છે. સિડનીના નવા વર્ષની ઉજવણીની શરૂઆત 1990ના દાયકામાં થઈ હતી. સમય જતાં, આ ઉત્સવમાં ઉમેરાઓ થતાં રહ્યાં છે અને આજે એ વિશ્વમાં સૌથી ભવ્ય અને પ્રખ્યાત નવા વર્ષના ઉત્સવોમાંથી એક છે.
રિયો કાર્નિવલ, બ્રાઝિલ
રિયો કાર્નિવલ 18મી સદીથી ઉજવવામાં આવે છે. દર વર્ષે આયોજિત કાર્નિવલ ફેબ્રુઆરી મહિનામાં શુક્રવારે શરૂ થાય છે અને મંગળવાર સુધી ચાલુ રહે છે. આ ફેસ્ટિવલને ‘ગ્રેટેસ્ટ શો ઓન અર્થ’નો દરજ્જો આપવામાં આવ્યો છે. કાર્નિવલની શરૂઆત લેન્ટની શરૂઆતનો સંકેત આપે છે, આ એક જૂની કેથોલિક ધાર્મિક વિધિ છે. જે ખ્રિસ્તીઓ દ્વારા જોવામાં આવે છે. કાર્નિવલમાં જાહેર સમારંભ અથવા પરેડનો સમાવેશ થાય છે જેમાં સર્કસ, માસ્કરેડ અને જાહેર પાર્ટીઓ કરવામાં આવે છે. આ તહેવાર ઇસ્ટરની રજા સુધી ઉજવવામાં આવે છે, એવું માનવામાં આવે છે કે આ દિવસે ઇસુ ખ્રિસ્ત ફરી એક વખત સજીવન થયા હતા.
કુંભ મેળો, ભારત
વિશ્વનો ત્રીજો સૌથી મોટો ઉત્સવ ભારતનો કુંભ મેળો છે. જે દર 12 વર્ષે ભરાય છે. આ મેળો દુનિયાભરમાં થતા ધાર્મિક આયોજનમાં સૌથી વિશાળ હોય છે. અહીં લાખોની સંખ્યામાં ભક્તો આવે છે. દર 12 વર્ષે કુંભ દેશના ચાર પવિત્ર સ્થાન જે નદી કિનારે આવેલા છે તેમાંથી કોઈ એક સ્થળે ભરાય છે. જેમાં હરિદ્વારમાં ગંગા, ઉજ્જૈનમાં શિપ્રા, નાસિકમાં ગોદાવરી અને અલાહાબાદમાં ત્રિવેણી સંગમ જ્યાં ગંગા, યમુના અને સરસ્વતી મળે છે એનો સમાવેશ થાય છે.
કુંભ મેળા પાછળ એક પૌરાણિક માન્યતા પણ જોડાયેલી છે. દેવતાઓ અને રાક્ષસોએ જ્યારે સમુદ્રમંથન કર્યું ત્યારે એમાંથી પ્રગટ થયેલા અમૃત કળશને પ્રાપ્ત કરવા માટે દેવતાઓ અને રાક્ષસો વચ્ચે સંઘર્ષ થયો. એ દરમિયાન કુંભમાંથી અમૃત છલકાવા લાગ્યું. જે અલાહાબાદ, નાસિક, હરિદ્વાર અને ઉજ્જૈનમાં પડ્યું. ત્યારથી દર 12 વર્ષે આ ચાર માંથી કોઈ એક સ્થાન પર કુંભ મેળો ભરાય છે.
અલ્બુકર્ક ઇન્ટરનેશનલ બલૂન ફિએસ્ટા, ન્યુ મેક્સિકો
આ ફેસ્ટીવલ દર વર્ષે સામાન્ય રીતે 1 થી 9 ઓક્ટોબર સુધી ઉજવાય છે. આલ્બુકર્ક વિશ્વના સૌથી મોટા હોટ એર બલૂન ફેસ્ટિવલનું આયોજન કરે છે. આ ફેસ્ટિવલની શરૂઆત પરંપરાગત રીતે 1973માં સાવ નાની જગ્યામાં માત્ર 13 ફુગ્ગાઓ સાથે કરવામાં આવી હતી. આજે 500 એકરના પાર્કમાં 400થી 500 ફુગ્ગાઓ સાથે આ અનોખો ઉત્સવ ઉજવવામાં આવે છે. આ નવ-દિવસીય ઉત્સવની શરૂઆત આકર્ષક “માસ એસેન્શન” દ્વારા કરવામાં આવી હતી. બાળકોને ગમતો આ તહેવાર રાત્રીમાં ઉજાશ ભરે છે. પ્રવાસીઓ ઐતિહાસિક કલાકૃતિઓ અને પ્રદર્શનો છે એ આલ્બુકર્ક મ્યુઝિયમ જોવા પણ આવે છે.
રનીંગ ઓફ ધ બુલ્સ, સ્પેન
12મી સદીનો, રનીંગ ઓફ ધ બુલ્સ એ સ્પેનનો અદભૂત પરંપરાગત તહેવાર છે. સમગ્ર વિશ્વમાંથી અહીં દસ લાખથી વધુ પ્રવાસીઓ આવે છે. આ વિશ્વ-પ્રસિદ્ધ ઉત્સવ દર વર્ષે 7મીથી 14મી જુલાઈ દરમિયાન સેનફર્મિનના તહેવારો દરમિયાન યોજાય છે. આ મેગા ઈવેન્ટ મોરાલેસ ડી સાન્ટો ડોમિંગોથી પેમ્પ્લોનાના પ્લાઝા ડી ટોરસ વચ્ચે યોજાય છે. આ સ્પેનિશ બુલ્સથી પોતાની જાતને બચાવવાની એક અઘરી રમત છે. જીવનો જોખમ હોવા છતાં આ ઉત્સવ સદીઓથી ચાલી રહ્યો છે અને દર વર્ષે દર્શકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.
ઓક્ટોબર ફેસ્ટ (Oktoberfest), જર્મની
ઓક્ટોબર ફેસ્ટ (Oktoberfest) જર્મનીમાં મ્યૂનિખ શહેરમાં પ્રાથમિક રીતે યોજાતો સૌથી મોટો બીયર તહેવાર છે. આ તહેવાર દર વર્ષે સપ્ટેમ્બરથી ઓક્ટોબર સુધી એટલે કે સપ્ટેમ્બરના છેલ્લા સપ્તાહથી શરૂ થઈને ઓક્ટોબરના પ્રથમ સપ્તાહ સુધી ચાલે છે. ઑક્ટોબર ફેસ્ટ એ બેવેરિયન સંસ્કૃતિનો એક મહત્વપૂર્ણ ભાગ છે. આ બિયર ફેસ્ટીવલની શરુઆત ઇસ ૧૮૧૦માં બવેરિયા પ્રાંતના રાજા લુડવિષ પ્રથમના લગ્ન સમયે થઈ હતી. રાણીનું નામ થેરેજ હિલ્ડબુર્ગહાઉઝેન હતું, રાજાએ રાણી સાથે લગ્ન કર્યા એની બિયર પાર્ટી રાખી જેમાં સમગ્ર મ્યૂનિખ શહેરને આમંત્રણ આપ્યું હતું. ૧૨ ઓકટોબર ૧૮૧૦ના રોજ મોટો લોકોત્સવ ઉજવાયો જે આજે પણ ચાલુ છે. ભારતમાં બેંગ્લોર ખાતે જર્મન બિયર ફેસ્ટિવલ ઓકટોફેસ્ટ યોજાય છે. જે મ્યૂનિખ ખાતે યોજાતા સામૂહિક ફેસ્ટિવલનો જ એક ભાગ છે. જયાં પણ જર્મન કલાકારો અને સંગીતકારો ભાગ લે છે. બવેરિયાનું ભોજન અને બિયર હોય છે.
મહત્વની વાત એ છે કે ઓક્ટોબર ફેસ્ટમાં બીયર બોટલમાં મળતી નથી પરંતુ બુવેરિયાની ઓળખ ગણાતા બીયર મગમાં પીરસવામાં આવે છે એને માસ ક્રુગ પણ કહેવામાં આવે છે. બરફ અને બિયરએ મ્યૂનિખની મોટી ઓળખ ગણાય છે.
ટોરો નાગાશી ફેસ્ટિવલ, જાપાન
ટોરો નાગાશી ફેસ્ટિવલ એ ઓગસ્ટના મધ્યમાં આયોજિત પરંપરાગત બૌદ્ધ ઉત્સવ છે. જેમાં પૂર્વજોની આત્માઓને સન્માનિત કરી એમને યાદ કરીને પૃથ્વી પર એમના પાછા ફરવાની ઉજવણી કરવામાં આવે છે. આ તહેવાર દરમિયાન, પરિવારો પોતાના સગા સબંધીની કબરો સાફ કરીને એની આગળ ધૂપ કરે છે. ઉપરાંત બોન ઓડોરી તરીકે ઓળખાતું નૃત્ય પણ કરવામાં આવે છે. મૃતકોની આત્માની શાંતિ માટે ફાનસ પ્રગટાવવામાં આવે છે. એમને વિદાય આપવા માટે બોનફાયર પણ કરાય છે. આ ફેસ્ટિવલમાં શેરી પરેડ, ફટાકડા અને રમતોનો પણ સમાવેશ થાય છે. ટોરો નાગાશી ફેસ્ટિવલ એ સ્મરણ અને એકતાનો સમય છે, કારણ કે સમુદાયો એમના પૂર્વજોનું સન્માન કરવા અને જીવનની સાતત્યની ઉજવણી કરવા માટે ભેગા થાય છે.
યુઆન ઝિયાઓ ફેસ્ટિવલ, ચીન
ફેબ્રુઆરી મહિનામાં ઉજવાતો ચીનનો યુઆન ઝિયાઓ ફેસ્ટિવલ પરંપરાગત રીતે ચાઈનીઝ ફાનસ ફેસ્ટિવલ તરીકે પણ ઓળખાય છે. જે પ્રવાસીઓ માટે એક વિઝ્યુઅલ ટ્રીટ છે. આ વિશ્વભરમાં પ્રખ્યાત તહેવારોમાંનો એક છે જે અદભૂત લાયન ડાન્સ, ફટાકડાના પ્રદર્શનો અને પરંપરાગત વાનગીઓ સાથે આકાશ ફાનસ સમારોહ માટે જાણીતો છે. ચીનના આ ભવ્ય તહેવાર દરમિયાન, શેરીઓ રંગબેરંગી સજાવટ અને ફાનસથી શણગારવામાં આવે છે જેના પર કોયડાઓ લખવામાં આવે છે. ચાઇનીઝ માને છે કે આ તહેવાર સારા નસીબને આવકારે છે. અને ડરને છોડી દેવાનું પ્રતીક છે.
બર્નિંગ મેન, યુએસએ
બર્નિંગ મેન (Burning Man) ફેસ્ટિવલ, યુનાઇટેડ સ્ટેટ્સના નેવાડા રાજ્યના બ્લેક રોક ડેસર્ટમાં દર વર્ષે ઓગસ્ટના અંતે અને સપ્ટેમ્બરના આરંભે ઉજવવામાં આવે છે. આ તહેવારનું મુખ્ય આકર્ષણ “બર્નિંગ મેન” નામનાં વિશાળ લાકડાની પ્રતિમા છે. આ ઉત્સવમાં કળાત્મક પ્રદર્શનો, મ્યુઝિકલ અને કલ્ચરલ ઇવેન્ટ્સનો સમાવેશ થાય છે.
ધ કાર્નિવલ ઓફ વેનિસ, ઇટાલી
વિશ્વ પ્રસિદ્ધ વેનિસ કાર્નિવલનો ઇતિહાસ સદીઓ જૂનો છે. વેનિસ કાર્નિવલનો આરંભ 11મી સદીના અંતે થયો હતો, પરંતુ આ ફેસ્ટિવલનો પ્રથમ જાણીતો ઉલ્લેખ 1296માં થયો. આ ફેસ્ટિવલમાં માસ્ક અને કોસ્ટ્યુમનું મહત્વપૂર્ણ સ્થાન છે, જે વેનિસની સામાજિક અને આર્થિક વ્યવસ્થાના નિયમોથી મુક્તિ માટેનું પ્રતિક ગણાતુ. લોકો પાસા અને ધાર્મિક તહેવારો પહેલાં પોતાની ઓળખને છુપાવવા માટે વિશિષ્ટ કોસ્ટ્યુમ અને માસ્ક પહેરતાં હતાં.
1797માં નેપોલિયન બોનાપાર્ટની સત્તા પછી, વેનિસ અને તેના કાર્નિવલ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. આ કાર્નિવલ 19મી સદીના અંત સુધી અસ્થિત હતો. 1979માં, વેનિસમાં કાર્નિવલ ફરી શરૂ કરવામાં આવ્યો, જેના દ્વારા સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પર્યટકો માટે આકર્ષણ વધારાયું. તેમાં આસપાસના શહેરો અને વૈશ્વિક યાત્રીઓને આકર્ષવા માટે વિવિધ કાર્યક્રમો અને ઇવેન્ટ્સ શામેલ છે. આ રીતે, વેનિસ કાર્નિવલની અનોખી ઓળખ અને સાંસ્કૃતિક વારસો એની વિશિષ્ટતાઓ બંને સ્થાનિક અને વૈશ્વિક સ્તરે ઉજાગર કરે છે.
હેતલ રાવ