નવી દિલ્હીઃ US ફેડ રિઝર્વ બેંકે સતત બીજી વખત વ્યાજદરમાં 0.25 ટકાનો કાપ મૂક્યો છે. જેથી US ફેડના વ્યાજદરની રેન્જ 4.50 ટકા-4.75 ટકા પર આવી ગયા છે. આ અગાઉ બેંકે સપ્ટેમ્બરમાં વ્યાજદર 0.50 ટકા ઘટાડી 4.75 ટકા કર્યો હતો. નિષ્ણાતોનું કહેવું છે કે આ નિર્ણયની અસર IT અને ફાર્મા પર દેખાશે, કેમ ફેડ પછી RBI પણ વ્યાજદર અંગે નિર્ણય લે એવી શક્યતા છે. વળી લોન સસ્તી થવાથી બેન્કિંગ અને ફાઇનાન્શિયલ કંપનીઓને સીધો લાભ થશે.
અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની જીતના બીજા જ દિવસે યુએસ ફેડ રિઝર્વે રેટ કટ કર્યો છે. યુએસ ફેડ રિઝર્વ દ્વારા બે મહિનામાં સતત બીજી વખત રેટ કટ બાદ હવે ભારતીય રિઝર્વ બેંક પર વ્યાજદર ઘટાડવાનું દબાણ વધી રહ્યું છે.
બ્લુમબર્ગના એક રિપોર્ટ મુજબ US ફેડરલ ઓપન માર્કેટ કમિટી એ એક નિવેદનમાં જણાવ્યું છે કે રોજગાર અને મોંઘવારીના લક્ષ્યાંક હાંસલ કરવાનું જોખમ લગભગ સંતુલનમાં છે. ઇકોનોમિક આઉટલૂક અનિશ્ચિત છે અને કમિટી પોતાના આર્થિક લક્ષ્યાંકો હાંસલ કરવા અંગે સચેત છે. યુએસ ફેડ રિઝર્વે જણાવ્યું હતું કે ગયા વર્ષની શરૂઆતથી શ્રમબજારની સ્થિતિ સામાન્ય રીતે સુધરી છે પણ બેરોજગારી દર વધ્યો છે, જોકે એ હજી પણ નીચો છે.
રિઝર્વ બેંકે નવ ઓક્ટોબરે જાહેર કરેલી ધિરાણ નીતિની સમીક્ષામાં સતત 10મી વખત તમામ વ્યાજદર સ્થિર રાખ્યા હતા. ભારતમાં હાલ રેપો રેટ 6.5 ટકા, રિઝર્વ રેપો રેટ 3.35 ટકા, CRR 4.50 ટકા છે. રિઝર્વ બેંકની આગામી મોનેટરી પોલિસી 5 થી 7 ફેબ્રુઆરી, 2025માં યોજાશે. રિઝર્વ બેંક આ મોનેટરી પોલિસી મિટિંગમાં વ્યાજદર ઘટાડે લોનધારકોને મોટી રાહત મળી શકે છે.