નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. આ બેઠકમાં કૃષિ ક્ષેત્ર, વીમા ક્ષેત્ર સહિત ગરીબો અને જરૂરિયાતમંદો માટે મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. આ બેઠકમાં જે સૌથી મહત્ત્વનો નિર્ણયનો લેવામાં આવ્યો છે કે શહેરી પ્રવાસી મજૂરો અને ગરીબો માટે વાજબી ભાડા પર આવાસ યોજનાને મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્રીય શહેરીપ્રધાન પ્રકાશ જાવડેકરે કેબિનેટના નિર્ણયોની માહિતી આપતાં કહ્યું હતું કે કેબિનેટે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ શહેરી પ્રવાસીઓ-ગરીબો માટે વાજબી ભાડા પર આવાસ યોજના (AHRCs)ના વિકાસને મંજૂરી આપી દીધી છે.
આ યોજના હેઠળ ત્રણ લાખ લોકોને ઘર મળશે
આ યોજના હેઠળ ત્રણ લાખ લોકોને ઘર મળશે. આ યોજના હેઠળ હાલના સમયમાં સરકાર દ્વારા આપવામાં આવેલા ફંડથી બનેલા હાઉસિંગ કોમ્પેલેક્સને AHRCમાં તબદિલ કરી શકાય છે. આ યોજના હેઠળ લોકોને વિશેષ મંજૂરી આપવામાં આવશે, તેમને 50 ટકા વધારાના FAR/FSI, ટેક્સ છૂટ આપવામાં આવશે. આ સાથે ટેક્નોલોજી ઇનોવેશન ગ્રાંટ હેઠળ રૂ. 600 કરોડના ખર્ચને પણ મંજૂરી આપવામાં આવી છે. પ્રારંભિક તબક્કામાં આ યોજનાનો લાભ ત્રણ લાખ લોકોને થશે.
અન્ન યોજનાને નવેમ્બર સુધી વધારવામાં આવી
વડા પ્રધાનની અધ્યક્ષતામાં થયેલી કેબિનેટની બેઠકમાં ગરીબ કલ્યાણ અન્ન યોજનાને નવેમ્બર સુધી વધારવના પર સહમતી બની હતી. માર્ચમાં જૂન સુધી આ યોજનાની જાહેરાત કરવામાં આવી હતી, હવે આ યોજનાને નવેમ્બર સુધી વધારવામાં આવી છે. આ સિવાય ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને ત્રણ મહિના મફત સિલિન્ડર આપવાના સમયગાળાને ત્રણ મહિના સુધી વધારવામાં આવી છે. આ સમયગાળાને જૂનથી વધારીને હવે સપ્ટેમ્બર સુધી વધારી દેવામાં આવી છે. આમાં 13,500 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. આનો લાભ ચાર કરોડ લોકોને મળશે.
EPFમાં 24 ટકાની મદદને વધારવામાં આવી
સરકારે વેપારીઓ અને કર્મચારીઓ માટે એમ્પ્લોઈ પ્રોવિડન્ટ ફંડ (EPF)માં 24 ટકાની મદદને ત્રણ મહિના વધારવામાં આવી છે. કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આને મંજૂરી આપવામાં આવી હતી. કેબિનેટે EPFમાં 24 ટકા સરકારી હિસ્સા (12 ટકા કર્મચારી અને 12 ટકા માલિક)ને ત્રણ મહિના માટે વધારવામાં આવ્યો છે. એટલે કે જૂન, જુલાઈ અને ઓગસ્ટમાં સરકાર EPFમાં 24 ટકા આપશે. જાવડેકરે કહ્યું હતું કે સરકાર દ્વારા EPFમાં મદદમાં ખર્ચ આશરે 4,860 કરોડ રૂપિયા આવશે.