અયોધ્યાઃ રામ જન્મભૂમિ મંદિરના મુખ્ય પૂજારીએ કહ્યું હતું કે રામ મંદિરનું નિર્માણકાર્ય શરૂ થવાથી રામ લલ્લાની મૂર્તિઓને હંગામી મંદિરના ગર્ભગૃહમાં રાખવામાં આવી છે. હાલ પૂરતું રામ લલ્લાની મૂર્તિઓને બીજી જગ્યાએ સ્થાપિત કરવામાં આવશે. પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે કહ્યું હતું કે મૂર્તિઓને અસ્થાયી રૂપે મંદિરથી 200 મીટર દૂરની જગ્યાએ સ્થાનાંતરિત કરવામાં આવશે.
મુખ્ય પૂજારીએ કહ્યું હતું કે રામ મંદિરનું નિર્માણ ગર્ભગૃહથી શરૂ થશે. રામ લલ્લાની મૂર્તિઓને સ્થાનાંતરિત કરવા માટે કેટલાક એન્જિનિયરોએ જમીનની માપણી કરી છે. જોકે હું તેમને નથી મળ્યો. રામ લલ્લાની મૂર્તિઓને સ્થાનાંતરિત કરવામાં આવશે અને એને હંગામી ધોરણે માનસ ભવન તરફ સ્થાપિત કરવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું. અયોધ્યા મામલે ટાઇટલ સૂટના પક્ષકાર ત્રિલોકી નાથ પાંડેએ કહ્યું હતું કે ગર્ભ ગૃહનું નિર્માણ કાર્યપૂરું થયા બાદ મૂર્તિઓને તેમના મૂળ સ્થાને પાછી લાવવામાં આવશે.
સુપ્રીમ કોર્ટના આદેશ પર કેન્દ્ર સરકાર દ્વારા ગઠિત રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ન્યાસની પહેલી બેઠક દિલ્હીમાં થશે, જેમાં મંદિર નિર્માણના મુહૂર્ત સહિત કેટલાક વિષયો પર વિચાર કરશે. જેમાં લોકો પાસેથી ફંડ લેવું કે નહીં એ મુદ્દો સામેલ છે.
આ ટ્રસ્ટની બેઠકમાં શિલાન્યાસના મુહૂર્તથી માંડીને નિર્માણ પૂરું થવા સુધી સમયમર્યાદા નિર્ધારિત કરવાના મુદ્દાઓ પર ચર્ચા કરાશે. આ ઉપરાંત આ પ્રક્રિયાને બને એટલી પારદર્શક રાખવામાટે ખાસ ધ્યાન રાખવામાં આવશે, જેથી વિવાદ ઊભો ના થાય. આ બેઠકમાં મંદિરના નિર્માણ દરમ્યાન રામ લલ્લાને રાખવાના સ્થાનને લઈને ચર્ચાવિચારણા થશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર ન્યાસના અન્ય પદાધિકારીઓ વિશે પણ ચર્ચા થવાની શક્યતા છે. સુપ્રીમ કોર્ટે રામ મંદિરની તરફેણમાં ચુકાદો આપતાં અને મંદિર નિર્માણ માટે ન્યાસની રચનાના આદેશ પર કેન્દ્ર સરકારે પાંચ ફેબ્રુઆરીએ ટ્રસ્ટ બનાવવાની જાહેરાત કરી હતી.