કોમેડી ફિલ્મો માટે જાણીતા શ્રેયસ તલપડેની ફિલ્મોમાં શરૂઆત ગંભીર ભૂમિકાથી થઈ હતી. ફિલ્મ ‘ઇકબાલ’ (૨૦૦૫) ના મળી હોત તો શ્રેયસે અભિનય કારકિર્દી છોડી દીધી હોત. ‘ઇકબાલ’ કેવી રીતે મળી એનો કિસ્સો બહુ રસપ્રદ છે. શ્રેયસ અભિનેતા બનવા ૨૦૦૦ ની સાલથી સંઘર્ષ કરતો હતો. ત્રણ વર્ષ પછી પણ કોઈ ઉલ્લેખનીય કામ મળ્યું ન હતું. તે ‘હંગામા’ ચેનલ માટે એક સાપ્તાહિક શૉ કરી રહ્યો હતો અને એ પૂરો થયા પછી અભિનય છોડી દેવાનો હતો. શ્રેયસ એ પછી મિત્રોની મદદથી ક્યાંક નોકરીએ લાગી જવાનું આયોજન કરતો હતો ત્યારે એને મિત્ર યતીનનો ફોન આવ્યો કે નિર્દેશક નાગેશ કુકુનૂર ફિલ્મ ‘ઇકબાલ’ બનાવી રહ્યા છે એમાં એક બોલરની નાની ભૂમિકા માટે કલાકાર જોઈએ છે.
નાગેશ જાણીતા હતા અને આ એક ફિલ્મ મળી રહી હોવાથી શ્રેયસે રસ બતાવ્યો. જ્યારે શ્રેયસ મળવા ગયો ત્યારે નાગેશે પહેલો સવાલ કર્યો કે તું બોલર છે? ત્યારે પોતે એક્ટર હોવાનું જણાવી કહ્યું કે ક્રિકેટ રમું છું અને બોલીંગ આવડે છે. નાગેશે ઉંમર પૂછી અને ૨૯ નો છે એ જાણ્યા પછી કહ્યું કે અમારે 18 વર્ષના કલાકારની જરૂર છે. પછી પૂછ્યું કે પેસ બોલીંગ આવડે છે? ત્યારે શ્રેયસે મીડીયમ પેસ બોલીંગ આવડતી હોવાનું કહ્યું. નાગેસે કહ્યું કે અમે પેસ બોલર શોધી રહ્યા છે. અને શ્રેયસને જરૂર પડશે તો બોલાવીશું કહી રવાના કરી દીધો. શ્રેયસને કોઈ આશા ન હતી પણ એક સપ્તાહ પછી ફોન આવ્યો કે નાગેશ તમારું ઓડિશન જોવા માગે છે.
શ્રેયસ સૂચના મુજબ ક્રિકેટરના કપડામાં ઓડિશન આપવા પહોંચી ગયો. ત્યારે એને પૂછવામાં આવ્યું કે ત્રણ મહિના માટે તમે ફ્રી છો ને? શ્રેયસના મિત્ર યતીને અગાઉ નાની ભૂમિકા હોવાનું કહ્યું હોવાથી નવાઈ લાગી અને આટલા મહિનાની કેમ જરૂર છે? એવા સવાલ પૂછ્યા ત્યારે કહેવામાં આવ્યું કે તારી પાસે ત્રણ મહિના છે કે નહીં એ કહી દે અને એણે હા પાડી દીધી. શ્રેયસ ઓડિશન આપી દીધા પછી જવાબની રાહ જોતો હતો ત્યારે ફોન આવ્યો કે નાગેશ ફરીથી તારું ઓડિશન લેવા માગે છે. ત્યારે શ્રેયસને એ ના સમજાયું કે આ વાતને હકારાત્મક ગણવી કે નકારાત્મક? પણ બીજું કોઈ કામ ન હોવાથી વધુ એક ઓડિશન આપવા પહોંચી ગયો.
નાગેશે અગાઉના ઓડિશનમાં થોડા ફેરફાર કરી ફરી શુટિંગ કર્યું. ઓડિશન થઈ ગયા પછી નાગેશના સહાયકે પૂછ્યું કે ત્રણ મહિનાનો સમય છે ને? ત્યારે શ્રેયસે પૂછી જ લીધું કે આ નાનકડી ભૂમિકા માટે ત્રણ મહિના કેમ લાગશે? ત્યારે એણે કહ્યું કે આ નાની ભૂમિકા નથી મુખ્ય ભૂમિકા છે. તને કોણે કહ્યું કે નાની ભૂમિકા છે? આખી ફિલ્મ આ છોકરા પર જ છે. જે બોલી કે સાંભળી શકતો નથી પણ બોલીંગ કરે છે. શ્રેયસે કહ્યું કે મને કોઈએ કશું કહ્યું જ નથી. હું ફરીથી ઓડિશન આપું? ત્યારે સહાયકે કહ્યું કે તારું પહેલું ઓડિશન સારું હતું એટલે જ તને પાછો બોલાવ્યો છે. બીજા પણ ઘણાના ઓડિશન લીધા છે. અને શ્રેયસને ખબર પડી કે છેલ્લે બે જણ હતા એમાં નાગેશે શ્રેયસને પસંદ કર્યો હતો.
શ્રેયસે એ દિવસો યાદ કરી એક મુલાકાતમાં કહ્યું હતું કે ‘ઇકબાલ’ ની સાથે જ મોટી સ્ટારકાસ્ટવાળી ‘નો એન્ટ્રી’ રજૂ થઈ હતી. પરંતુ એ જોવા જનારાને ટિકિટ મળતી ન હતી ત્યારે નસીરુદ્દીન શાહની ફિલ્મ હોવાથી ‘ઇકબાલ’ જોવા જતાં હતા અને એમને શ્રેયસનું કામ પણ પસંદ આવતું હતું. ‘ઇકબાલ’ ને શ્રેષ્ઠ ફિલ્મના રાષ્ટ્રીય એવોર્ડ ઉપરાંત બીજા ઘણા એવોર્ડ્સ મળ્યા હતા. આ ફિલ્મથી શ્રેયસ ફરી અભિનયમાં આવી ગયો હતો અને પછી ક્યારેય એને છોડવાનો વિચાર કરવાની જરૂર પડી ન હતી.