પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે તણાવ વધ્યો, અડધી રાતે કર્યો હુમલો

પાકિસ્તાની સેનાએ ફરી એક વખતના રાતના સમયમાં અફઘાનિસ્તાન પર હુમલો કર્યો હતો. આ હુમલાથી ફરી એક વખત બંને દેશો વચ્ચેના તણાવમાં વધી ગયો છે. રાત્રે આશરે દોઢ વાગ્યે પાકિસ્તાની સેના દ્વારા ડૂરંડ લાઇન પાસે ખોશ્ત પ્રાંતના અલી શેર જિલ્લામાં હુમલો કરવામાં આવ્યો હતો. સૂત્રોની માહિતી પ્રમાણે પાકિસ્તાની સેનાએ તાલિબાનના ઠેકાણાઓ પર રોકેટથી હુમલો કર્યો હતો. જેનો તાલિબાની સેનાએ પણ ભારે હથિયારો સાથે વળતો જવાબ આપ્યો હતો. બંને સેનાઓ વચ્ચે સવારે 5 વાગ્યાથી આ સંઘર્ષ શરૂ થયો હતો.

પ્રાપ્ત માહિતી પ્રમાણે હાલ સુધીમાં આ હુમલાને લઈ બંને સેનામાંથી કોઈએ પણ જાનહાનિની જાણકારી આપી નથી. પાકિસ્તાની હુમાલાથી સ્થાનિકોમાં ભયનો માહોલ પ્રસરી ગયો હતો. મોટી સંખ્યામાં લોકો સુરક્ષિત વિસ્તારમાં જતા રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં પણ પાકિસ્તાની સેનાએ અફઘાનિસ્તાનના ચાર વિસ્તારમાં હવાઈ હુમલા કર્યા હતા, જેમાં આશરે 50 લોકોના મોત થયા હતા. પાકિસ્તાનનો દાવો હતો કે, મોતને ભેટલા લોકો ટીટીપી(તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન)ના આતંકવાદી હતા. આ આતંકવાદીઓ પાકિસ્તાન પર મોટો હુમલો કરવાની તૈયારી કરી રહ્યા હતા. જેના જવાબમાં તાલિબાની સેનાએ પણ પાકિસ્તાની પોલીસ સ્ટેશન પર હુમલો કરી દીધો હતો. જેમાં તાલિબાનનો દાવો છે કે, તેઓએ 18 પાકિસ્તાની સૈનિકોને ઠાર કરી દીધા અને અનેક પોલીસ સ્ટેશન કબ્જે કર્યા છે. પાકિસ્તાન અને તાલિબાન વચ્ચે હુમલા અને જવાબી કાર્યવાહીથી બંને દેશો વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ ઊભી થઈ છે. તાલિબાને પણ સ્પષ્ટ કરી દીધું કે, તે ડૂરંડ લાઇનને સીમા રેખાના રૂપે માન્યતા નથી આપતું, જેને અંગ્રેજોએ બનાવી હતી.