નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં શિક્ષક ભરતી કૌભાંડ કેસમાં મમતા સરકાર સુપ્રીમ કોર્ટ પહોંચી છે અને કોલકાતા હાઇકોર્ટના ચુકાદાને પડકાર આપ્યો છે. મમતા સરકારે સુપ્રીમ કોર્ટને હાઇકોર્ટના ચુકાદા પર પ્રતિબંધ મૂકવાની માગ કરી છે. સરકારે અરજીમાં કહ્યું છે કે હાઇકોર્ટના ચુકાદાથી સ્કૂલોમાં એક મોટું શૂન્ય પેદા થઈ જશે.
પશ્ચિમ બંગાળની મમતા સરકારે સુપ્રીમ કોર્ટમાં વર્ષ 2016માં કરવામાં આવેલી શિક્ષણ અને બિનશૈક્ષણિક કર્મચારીઓની લગભગ 24,000 નિયુક્તિઓને રદ કરવાના ચુકાદાને પડકાર્યો છે. ટોચની કોર્ટ સમક્ષ અરજીમાં રાજ્ય સરકારે આરોપ લગાવ્યો છે કે હાઇકોર્ટે મૌખિક દલીલોને આધારે અને રેકોર્ડ પર સોગંદનામાના અભાવે મનમાની રીતે નિમણૂકો રદ કરી દીધી છે. રાજ્ય સરકારે હાઇકોર્ટના ચુકાદા પર પ્રતિબંધ મૂકવાની માગ કરી છે.
આ પહેલાં મમતા બેનરજીએ કહ્યું હતું કે હાઇકોર્ટનો ચુકાદો ગેરકાયદે છે અને સરકાર એ ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારશે. હાઇકોર્ટે પશ્ચિમ બંગાળ સ્કૂલ સર્વિસ કમિશન (SSC)ને નવી નિમણૂક પ્રક્રિયા શરૂ કરવાનો પણ નિર્દેશ આપ્યો હતો.