‘સ્વદેશ’ નું ‘પલ પલ હૈ ભારી’ ગીતકાર- ગાયિકા માટે ભારે રહ્યું હતું 

નિર્દેશક આશુતોષ ગોવારીકરની ફિલ્મ ‘સ્વદેશ’ (૨૦૦૪) નું એક ગીત ‘પલ પલ હૈ ભારી’ એના ગીતકાર અને ગાયિકા માટે બહુ ભારે રહ્યું હતું. ‘સ્વદેશ’ માં ગીતો લખતા જાવેદ અખ્તરને આશુતોષનો સંદેશ આવ્યો કે અમે મહાબળેશ્વર નજીક વાઇ ગામમાં શુટિંગ કરી રહ્યા છે અને તમારી જરૂર પડી હોવાથી આવી જજો. એમણે કારણ જણાવ્યું નહીં. જાવેદ પહોંચીને આશુતોષની પાસે ગયા અને શુટિંગમાં બેઠા પણ કોઈ વાત કરી નહીં. રાત્રે મહાબળેશ્વર હોટલમાં રોકાવા ગયા ત્યારે આશુતોષ મળવા આવ્યા અને કેસેટ સાથે પ્લેયર આપી કહ્યું કે સમસ્યા એ છે કે બે દિવસ પછી સંગીતકાર એ. આર. રહેમાન એક મહિના માટે ઈંગ્લેન્ડ જવાના છે. મારે એક ગીતની જરૂર છે જેનું ફિલ્માંકન કરવાનું છે.

અહીં હોટલના એક રૂમને સ્ટુડિયો બનાવી દીધો છે એમાં ગીતનું રેકોર્ડિંગ કરવાનું છે. આવતીકાલે સાંજે રહેમાન આવશે. મેં તમને ધૂન આપી દીધી છે. જાવેદ અખ્તરે કહ્યું કે ઠીક છે. એમને વિશ્વાસ હતો કે એ કોઈપણ સિચ્યુએશન માટે એક-દોઢ કલાકમાં ગીત લખી શકે એમ છે. જ્યારે આશુતોષે સિચ્યુએશન બતાવી ત્યારે જાવેદ હક્કાબક્કા રહી ગયા. ગીતની સિચ્યુએશન એવી હતી કે ગામમાં રામલીલા થઈ રહી છે. સીતાજી અશોકવાટિકામાં છે. રાવણ ત્યાં આવે છે અને કહે છે કે સીતા તેં એવો કયો ગુણ રામમાં જોયો છે કે ‘રામ રામ’ કરતી રહે છે. સીતા જવાબ આપે છે અને બંને વચ્ચે વાતચીત થાય છે. જાવેદે કહ્યું કે તમે તો મને મારવાની યોજના બનાવી દીધી છે. આ બહુ સંવેદનશીલ બાબત છે. જો તમે ફોન પર કહ્યું હોત તો મેં રામચરિતમાનસ કે બીજા પુસ્તકમાં જોયું હોત કે આવું લખાયું છે કે નહીં.

આ એ સમય હતો જ્યારે દેશમાં રામમંદિરની ચળવળનો મુદ્દો ચર્ચામાં હતો. એટલે જાવેદ ગભરાતા હતા. આશુતોષે ઠંડકથી કહ્યું કે મને ખબર છે કે તમે આ ગીત લખી આપશો. જાવેદે ના પાડી દીધી કે આ સિચ્યુએશન પર હું ગીત લખી શકીશ નહીં. પણ આશુતોષ એમના પર ભાર નાખીને જતાં રહ્યા. સવારે વહેલા ઉઠ્યા અને લખવાનો વિચાર કર્યો ત્યારે જાવેદને એમ લાગ્યું કે લખી શકાશે નહીં પણ ચાર પંક્તિ લખી લઉં. જેથી કહી શકાય કે પ્રયત્ન કર્યો છે પણ થઈ શકે એમ નથી. જાવેદે લખવાનું શરૂ કર્યું અને દોઢ કલાક પછી ખ્યાલ આવ્યો કે આખું ગીત લખાઈ ગયું છે. ‘પલ પલ હૈ ભારી’ આશુતોષને જ નહીં રહેમાનને પણ બહુ પસંદ આવ્યું.

જાવેદની જેમ ગાયિકા મધુશ્રી માટે પણ આ ગીત ભારે રહ્યું હતું. જે દિવસે રેકોર્ડિંગ હતું એ જ દિવસે મધુશ્રીને ફોન આવ્યો હતો. ‘સ્વદેશ’ ના બધા જ ગીતો અલકા યાજ્ઞિકે ગાયા હોવાથી મધુશ્રીને એમ હતું કે ડબિંગ માટે બોલાવી છે. મધુશ્રીએ જ્યારે ગીત વાંચ્યું અને જાણ્યું કે ત્રણ રાગ પર આધારિત અને સાત મિનિટ લાંબું છે. તાલ પણ ત્રણ પ્રકારના હોવાથી એને ગાવાનું કામ બહુ ભારે હતું. વળી એક-બે દિવસ સુધી પ્રેક્ટિસ માટે સમય ન હતો. હોટલના રૂમમાં ગીતના રેકોર્ડિંગ વખતે સામે શાહરૂખ ખાન, જાવેદ અખ્તર, આશુતોષ ઉપરાંત પચીસ લોકો હોવાથી મધુશ્રી ગભરાઈ ગઈ હતી. ગીતમાં સીતાના પાત્રના શબ્દો ‘પલ પલ હૈ ભારી વો બિપદા હૈ આઈ, મોહે બચાને અબ આઓ રઘુરાઈ’ જેવી જ સ્થિતિ મધુશ્રીની હતી. મધુશ્રી બરાબર ગાઈ ના શકી. એ ‘બિપદા’ શબ્દ બરાબર બોલી શકતી ન હતી એથી જાવેદ રાજી દેખાતા ન હતા. રહેમાન પરિસ્થિતિ પામી ગયા અને ચા પીવા વિરામ લીધો.

એ પછી રહેમાને માઈકની સ્થિતિ બદલી નાખી. જેથી મધુશ્રી સીધી કોઈને જોઈ ના શકે. મધુશ્રીને એ સ્થિતિ અનુકૂળ રહી અને એના ભાગનું રેકોર્ડિંગ સારી રીતે થઈ ગયું. એ પછીના રેકોર્ડિંગમાં સ્વર વિજય પ્રકાશનો હતો. એ પૂરું થયા પછી ‘રાવણ’ ના ભાગને જે ગાનાર હતા એ આવ્યા ન હતા. એટલે નિર્દેશક આશુતોષ ગોવારીકરે જાતે જ ગાઈને એનું ડબિંગ કરી લીધું. ગીત પૂરું થયા પછી રહેમાને કહ્યું હતું કે ફાઇનલ ડબિંગ માટે તને બોલાવીશ. પણ બોલાવી નહીં. મધુશ્રીને એમ હતું કે અલકા યાજ્ઞિકના સ્વરમાં રેકોર્ડિંગ કરી લેવામાં આવ્યું હશે. જ્યારે ‘સ્વદેશ’ ના સંગીતને રજૂ કરવા કાર્યક્રમ યોજાયો ત્યારે એના અવાજમાં જ ગીત રહ્યું હોવાનું જાણી મધુશ્રીને બહુ આનંદ થયો હતો. હોટલના રૂમમાં રેકોર્ડ થયેલું ગીત જ અંતિમ રહ્યું હતું.