દર્શન કીજે સાધુ કા, દિનમેં કઈ કઈ બાર, અસોજા કા મેંહ જ્યોં, બહુત કરે ઉપકાર |
માનવીમાં સારી અને નબળી વૃત્તિઓની બે ધારાઓ સતત વહેતી રહે છે. સારું કામ કરવાનો નિર્ણય કર્યો હોય પણ કાંઈક અંતરાય – પ્રલોભન આવી જાય અને સારો સંકલ્પ અધૂરો રહે. કબીરજીના મતે સાધુ સાથે સતત સત્સંગ કરવાથી સત્-ચિત્ વૃત્તિ પાંગરે છે. હીન વૃત્તિમાંથી નિવૃત્તિ મળે છે.
કબીરજીની દરેક વાતની પુષ્ટિ સચોટ ઉપમાથી જ થાય છે. સત્સંગની જરૂરિયાત અને લાભ સમજાવવા તે અષાઢ મહિનાના મેઘની ઉપમાનો ઉપયોગ કરે છે. જેમ સૂર્ય કન્યા રાશિમાં હોય અને અષાઢ મહિનો આવતાં જ વર્ષાનાં વધામણાં માટે સમગ્ર સૃષ્ટિ આતુર હોય તે રીતે સાધુના મિલન દર્શન માટે તત્પર રહેવું જોઈએ.
જમીન, ખેતી અને સૌ જીવોને અષાઢના વરસાદ સાથે શાતા મળે છે. નવા અંકુર ફૂટવાની સાથે ધાન્યનું સર્જન અને જીવોનું પ્રજનન ઝડપી બની લાભ થાય છે તેમ સત્સંગના સુફળ મળે છે. ઉષ્ણ ધરાને જેમ મેઘજળથી તૃપ્તિ થાય છે તેમ સાધકને સાધુના જીવન-વચનમાંથી પ્રેરણા મળે છે – મોક્ષમાર્ગ સરળ બને છે.
(લેખક પ્રવીણ કે. લહેરી નિવૃત્ત સનદી અધિકારી છે. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ સહિત અનેક હોદ્દાઓ પર કામ કરી ચૂકયા છે. વહીવટી અને સમાજજીવનનો બહોળો અનુભવ ધરાવે છે. હાલમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ અને સદવિચાર પરિવાર સાથે જોડાયેલા છે. સમાજજીવનના વિવિધ પ્રવાહો પર એ નિયમિત લખતા રહે છે.)