ઊંચે કુલ કહ જનમિયા, કરની ઊંચ ન હોય, કનક કલશ મદ સો ભરા, સાધુ નિન્દા સોય. |
મહાભારતમાં કર્ણના મુખેથી એક અદ્ભુત વાક્ય નીકળે છે, “દેવાયત કુલે જન્મ મદાયતમ તુ પૌરુષમ”. કયા કૂળમાં જન્મ થવો તે ભલે દેવના હાથમાં હોય પણ પરાક્રમ કરવાનું સામર્થ્ય મારા હાથમાં છે. ઊંચા કૂળમાં જન્મ હોવાથી મહાનતા પ્રાપ્ત નથી થતી. ગુણ અને કર્મથી પણ ઉચ્ચ થવું જરૂરી છે.
કબીરજી ઉપમાની રીતે કહે છે કે, સુવર્ણનો કુંભ મદિરાથી ભર્યો હોય તો પણ સજ્જનો તેનાથી આકર્ષાઈને તેની પ્રશંસા નથી કરતા. આજના યુગમાં તો મદ્યપાનમાં ‘બ્લેક લેબલ’, ‘બ્લુ લેબલ’, ‘ગોલ્ડ લેબલ’ની બોલબાલા છે. સારાસારનું ભાન ન હોય તે મનને આનંદ આપવાના હેતુથી શરાબનું સેવન કરે છે. શરાબસેવન બાદ સારાનરસાનું ભાન ઓછું થાય છે અને ક્યારેક તો વર્તન સાવ બેહૂદુ થાય છે.
પોતાની બુદ્ધિ કે વિવેકને ભ્રષ્ટ કરે તેવું કોઈ કામ સજ્જનો ન કરે. સમાજના બંધનો ઢીલાં થતાં જાય છે તેવા સમયમાં સભાનપણે યોગ્ય વર્તન કરવાની વ્યક્તિની જવાબદારી છે. આ ફરજ ચૂકીએ છીએ તેમાંથી જ કલેહ નીપજે છે.
(લેખક પ્રવીણ કે. લહેરી નિવૃત્ત સનદી અધિકારી છે. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ સહિત અનેક હોદ્દાઓ પર કામ કરી ચૂકયા છે. વહીવટી અને સમાજજીવનનો બહોળો અનુભવ ધરાવે છે. હાલમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ અને સદવિચાર પરિવાર સાથે જોડાયેલા છે. સમાજજીવનના વિવિધ પ્રવાહો પર એ નિયમિત લખતા રહે છે.)
