કબીરવાણી: સામાજિક જવાબદારી સાથે દરેકે મોક્ષ માટે જાગૃત રહેવું જોઈએ

માતા, પિતા, સુત, ઈસ્તરી, આલસ બન્ધુ કાનિ,

સાધુ દરશ કો જબ ચલૈ, યે અટકાવે ખાનિ.

સંસાર માયાના મોહપાશમાં જકડાયેલો છે. ભગવાન બુદ્ધને માયાવશ જગતમાં જરા, વ્યાધિ, મૃત્યુ અને દારિદ્રયથી છૂટવાની ઉત્કંઠા થઈ પણ પ્રેમાળ પત્ની, વ્હાલસોયું બાળક, રાજવૈભવ, સંપત્તિ અને સત્તા છોડવાં કેમ ? આત્મચિંતનથી સમજાયું કે, પોતા માટે જ નહીં પણ સંસારના સર્વ જીવાત્મા માટે તેમણે ખોજ કરવી રહી. તમામનો પરિત્યાગ કરી ‘મહાભિનિષ્ક્રમણ’ કર્યું કે જેથી વ્યથિત જગમાં સુખ-શાંતિ લાવી શકાય.

કબીરજી તેથી જ કહે છે કે, આપણા નજીકના સંબંધો જ ઘણી વખત આપણને સત્કાર્યથી વિમુખ રાખે છે. આ પ્રકારની આસક્તિ સહજ લાગે છે. માતા, પિતા, પુત્ર અને પત્નીના સંબંધો પણ પ્રેમની સાથે સાથે અન્ય અપેક્ષાઓથી જોડાયેલા છે. તેમાં આળસ અને સંકોચ ભળે છે.

સમય કોઈની પ્રતીક્ષા કરતો નથી. આત્માનો ચિરાગ રોશનીમય બને તો જીવન સાફલ્યથી વંચિત ન રહે. આપણી સંસ્કૃતિમાં પત્નીને સહધર્મચારિણી કહી છે કે જેથી સત્સંગ-સત્કર્મમાં યુગલ સાથે રહે. સામાજિક જવાબદારી સાથે પણ દરેક વ્યક્તિએ મોક્ષ માટે જાગૃત રહેવું જોઈએ.

(લેખક પ્રવીણ કે. લહેરી નિવૃત્ત સનદી અધિકારી છે. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ સહિત અનેક હોદ્દાઓ પર કામ કરી ચૂકયા છે. વહીવટી અને સમાજજીવનનો બહોળો અનુભવ ધરાવે છે. હાલમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ અને સદવિચાર પરિવાર સાથે જોડાયેલા છે. સમાજજીવનના વિવિધ પ્રવાહો પર એ નિયમિત લખતા રહે છે.)