કબીરના મતે ગુરૂ-શિષ્યનો સંબંધ એટલે…

(કબીરના દોહાથી ભાગ્યે જ કોઇ અજાણ હશે. કબીરની ખૂબી એ છે કે એ થોડા શબ્દોમાં ઘણું કહી જાય છે. એમના શબ્દમાં મર્મ છે. એમના શબ્દમાં શીખ છે. અને, સૌથી મોટી વાત એ છે કે એમના શબ્દો ચિંરંજીવ છે. એમણે કહેલી વાત કોઇપણ સ્થળ-કાળમાં એટલી જ પ્રસ્તુત છે. એમની આ વાણીને આજના સંદર્ભમાં સરળ રીતે સમજવા માટે આજથી ચિત્રલેખા.કોમમાં આ નવી શ્રેણી શરૂ થઇ રહી છે-કબીરવાણી નામે. નિવૃત્ત સનદી અધિકારી પ્રવીણ કે. લહેરી કબીરના એક સારા અભ્યાસુ છે. અહીં એ કબીરના દોહાનો મર્મ દર અઠવાડિયે આપણને સરળ શબ્દોમાં સમજાવતા રહેશે…)

 

ગુરુ કુમ્હાર શિષ કુંભ હૈ, ગાઢિ ગાઢિ કાઢે ખોટ,

અન્તર હાથ સહાર દૈ, બાહર બાહે ચોટ.

 

ગુરુ-શિષ્યનો સંબંધ અનોખો છે. કબીરજી વણકર હતા. તેમના દોહામાં વણાટકામનો ઉલ્લેખ આવે તે સ્વાભાવિક છે. આ દોહામાં કબીરજી કુંભારના હાથે ઘડાતા માટલાની ઉપમા દ્વારા કેવી સચોટ વાત કરે છે! આજના યુગમાં શિક્ષકને ટ્યૂશન વહાલું છે અને વિદ્યાર્થીને યેનકેન પ્રકારે ગુણાંક પ્રાપ્ત કરવા છે.

વ્યક્તિગત કે ચારિત્ર્યના ઘડતર વિનાનું શિક્ષણ અધૂરું છે. જેમ કુંભાર ટીપી ટીપીને માટલાનો ઘાટ વ્યવસ્થિત કરવા – તેમાંના દોષ દૂર કરવા કાર્ય કરે છે તેમ ગુરુની એ ખૂબી છે કે બહારથી જે ચોટ લાગે છે તેનાથી કુંભ ફૂટી નથી જતો, પણ અંદર રાખેલ હાથથી ઘડો આકાર ધારણ કરે છે.

કેળવણી એટલે યોગ્ય ઘડતર – આ સૂત્ર કબીરજી ઉપમાસ્વરૂપે કુંભાર કુંભનો દાખલો આપી સાચા શિક્ષણનું હાર્દ સાચી રીતે સમજાવે છે.

(લેખક પ્રવીણ કે. લહેરી નિવૃત્ત સનદી અધિકારી છે. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ સહિત અનેક હોદ્દાઓ પર કામ કરી ચૂકયા છે. વહીવટી અને સમાજજીવનનો બહોળો અનુભવ ધરાવે છે. હાલમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ અને સદવિચાર પરિવાર સાથે જોડાયેલા છે. સમાજજીવનના વિવિધ પ્રવાહો પર એ નિયમિત લખતા રહે છે.)