કૃષ્ણ જગદગુરુ કેમ?

ભગવાન શ્રીકૃષ્ણનું જીવન કોઈ પણ વ્યક્તિના જીવનમાં આવે એવા અનેક પ્રકારના પલટાઓમાંથી પસાર થયું. એમનો જન્મ, મેઘલી મધરાતે કંસના કારાગારમાં. જન્મ પહેલાં એમનાથી મોટાં વસુદેવ-દેવકીનાં બધાં જ સંતાનો મારી નખાયાં. જન્મ બાદ તરત જ માતાપિતાથી વિયોગ. તેમનાથી માઇલો દૂર પાલક માતાપિતા નંદબાબા અને જશોદામૈયાની દેખરેખ હેઠળ ઉછેર, બે મહિનાની નાની જ ઉંમરથી તાડકાસૂરથી માંડી પૂતના સુધી અનેક રાક્ષસીશક્તિઓ એમને મારી નાખવાના ઇરાદે આવી.

ગોકુળમાં ગાયો ચરાવી એક ગોપબાળ તરીકેનું જીવન. રાધાજી મળ્યાં ખરાં પણ મથુરા જતા કૃષ્ણને રોકવાના એમના હઠાગ્રહ સામે કૃષ્ણે રાધાજીનો તો વિયોગ સહ્યો પણ વધારામાં પોતાને પ્રાણથીયે વહાલી એવી વાંસળી ત્યાગી. કંસ અને જરાસંઘથી માંડી સતત સંઘર્ષમય જીવન. છેવટે દ્વારિકામાં યાદવ સામ્રાજ્યની સ્થાપના અને સુવર્ણની દ્વારકાના મહાસમ્રાટ તરીકે અતિબળવાન યાદવસેનાનું નેતૃત્વ. મહાભારતમાં પાંડવોને સહાય કરવા જતા ક્યારેક નિહથ્થા કર્ણ પર અર્જુનને ઉશ્કેરીને વાર કે પછી નરોવા-કુંજરોવા જેવું અર્ધસત્ય અને ગુરુ દ્રોણાચાર્યનો વધ.

મહાભારતના સર્વનાશને અંતે દ્વારકા પરત ફર્યા બાદ યાદવો છાકટા બનીને અંદરોઅંદર લડ્યા, કપાઈ મૂઆ. પોતે જેનું સર્જન કર્યું હતું તે સોનાની દ્વારિકા અને પોતાના યદુકુળનો નજર સામે જ નાશ. છેવટે પારધિના બાણથી દેહોત્સર્ગ. એક એવો સંદેશ કે કર્મનું ફળ તો ઈશ્વરના અવતારને પણ ભોગવવું પડે છે, તો માણસ એના કર્મના બંધનમાંથી મુક્ત કઈ રીતે રહી શકે?

આમ છતાંય કૃષ્ણ મધરાતે ગવાક્ષમાં ઊભા રહી મથુરા કે બરસાના તરફ શૂન્યમનસ્ક મને તાકી રહે છે રાધાજીએ તો માત્ર કૃષ્ણનો વિયોગ ભોગવ્યો પણ તે સામે કૃષ્ણએ રાધાજી અને વાંસળી બંનેને ખોયાં. પ્રશ્ન એ થાય છે કે કોનો ત્યાગ મોટો? ઈશ્વરનો અવતાર હોવા છતાં પણ કૃષ્ણે બધું જ વેઠ્યું.

અને એટલે જ ગીતા હોય કે મહાભારત, કૃષ્ણ પાસે બધા જ પ્રશ્નોના જવાબ છે.

વંદે કૃષ્ણમ્ જગદગુરુમ્

(નિધિ દિવાસળીવાળા નવી પેઢીની તેજસ્વી લેખિકા છે. સુરતસ્થિત વીર નર્મદ યુનિવર્સિટીના સ્નાતક નિધિના બે પુસ્તકો કાવ્યસંગ્રહ ‘ઝરણી’ અને ચિંતનકણિકાના સંગ્રહ ‘નિજાનંદ’ ઉપરાંત ‘થોડામાં ઘણું’ મોટીવેશનલ સુવિચારોને પણ વાચકોએ વખાણ્યા છે. માનવ સંબંધો, સ્વભાવ અને સમાજ વ્યવસ્થા ઉપર આધારિત એક લેખમાળા એમના સોશિયલ મીડિયા ઉપર નિયમિત પ્રસિદ્ધ થાય છે. આ કોલમમાં એ મહાભારત અને ગીતા ઉપર આધારિત વહીવટ તેમજ મોટીવેશનને લગતી વાતો સરળ ભાષામાં સમજાવે છે.)