એક ફિલ્મનો ડાયલોગ છે, ‘શેર જબ દો કદમ પીછે લેતા હે તો ઝપટને કે લિયે, ના હી ડરકે’. ક્યારેક લાંબી છલાંગ મારવા માટે થોડું પાછળ હટવું પડે છે. વિમાન પણ ઊંચી ઉડાન ભરવા પહેલા જમીન ઉપર જ થોડો સમય ચાલે છે. ત્યારબાદ take off કરી ગંતવ્ય સ્થાને પહોંચે છે. જિંદગીમાં પણ એવું જ છે ને.
કેટલીક વખત લાખો પ્રયત્ન કરવા છતાં લક્ષ્ય પ્રાપ્ત ન થાય ત્યારે વ્યક્તિ શાંત થઈ થોભી જાય છે. એનો અર્થ એવો નથી કે તે ડરી ગયો છે, પરંતુ તે પોતાની ખામીઓ શોધી ફરીથી બમણા જોશથી comeback કરવા માટે તૈયારી કરી રહ્યો છે.
ધંધા-વ્યવસાયમાં પણ જ્યારે આપણો પ્રતિસ્પર્ધી બળવાન હોય ત્યારે strategically પીછેહઠ કરવું ડહાપણ ભરેલું ગણાય છે. કર્ણ જ્યારે કૌરવોની સેનાનો સેનાપતિ બને છે અને પાંડવો પર બાણોની વર્ષા કરે છે ત્યારે તેને સર્વશ્રેષ્ઠ ધનુર્ધર અર્જુન પણ રોકી શકતો નથી. કર્ણ અર્જુનને ટાર્ગેટ કરી નાગાસ્ત્ર છોડે છે ત્યારે શ્રીકૃષ્ણ અર્જુનનો રથ પાંચ આંગળી જેટલો જમીનમાં નાખી નમાવે છે અને અર્જુન નાગાસ્ત્રથી બચી જાય છે.
શ્રીકૃષ્ણએ રથને નીચો નમાવી અર્જુનને બચાવી લીધો અને એ રીતે મહાભારતનું યુદ્ધ પોતાના પક્ષે નમાવી દીધું. કોઈ કંપની પણ જ્યારે પ્રતિસ્પર્ધી સામે ટકી ન શકે ત્યારે નમવું યોગ્ય છે. આ પણ શ્રીકૃષ્ણનો માર્ગ છે અને શ્રીકૃષ્ણના માર્ગે હંમેશા વિજય જ થાય છે.
[કર્ણપર્વ અધ્યાય ૬૬ શ્લોક ૧૦-૧૧ (દિનકર જોષી રચિત)]
(નિધિ દિવાસળીવાળા નવી પેઢીની તેજસ્વી લેખિકા છે. સુરતસ્થિત વીર નર્મદ યુનિવર્સિટીના સ્નાતક નિધિના બે પુસ્તકો કાવ્યસંગ્રહ ‘ઝરણી‘ અને ચિંતનકણિકાના સંગ્રહ ‘નિજાનંદ‘ ઉપરાંત ‘થોડામાં ઘણું’ મોટીવેશનલ સુવિચારોને પણ વાચકોએ વખાણ્યા છે. માનવ સંબંધો, સ્વભાવ અને સમાજ વ્યવસ્થા ઉપર આધારિત એક લેખમાળા એમના સોશિયલ મીડિયા ઉપર નિયમિત પ્રસિદ્ધ થાય છે. આ કોલમમાં એ મહાભારત અને ગીતા ઉપર આધારિત વહીવટ તેમજ મોટીવેશનને લગતી વાતો સરળ ભાષામાં સમજાવે છે.)
