કુંતિ જ્યારે રાજા કુંતિભોજને ત્યાં ઉછરી રહી હતી ત્યારે એક દિવસ મહામુનિ દુર્વાસા કુંતિભોજના મહેમાન બન્યા. દુર્વાસા મુનિની કુંતિએ એટલી આદર અને લાગણીપૂર્વક સેવા કરી કે તેઓ તેના પર પ્રસન્ન થયા. વિદાય થતી વેળાએ તેમણે કુંતિને પાંચ મંત્રોનો સંપુટ આશીર્વાદરૂપે આપ્યો.
દુર્વાસા મુનિએ કહ્યું કે, આમાંથી જે કોઈ દેવનો મંત્ર બોલીને એનું તું આહ્વાન કરીશ એટલે એ પ્રગટ થશે અને એના આશીર્વાદ અને ગુણો સાથેનો પુત્ર તને પ્રાપ્ત થશે.
આ મંત્ર સાચો છે કે કેમ? એવા કુતૂહલથી પ્રેરાઈને કુંતિએ સૂર્યનું આહ્વાન કર્યું. સૂર્યથી કુંતિને દૈદિપ્યમાન કવચ-કુંડળયુક્ત પુત્ર કર્ણ થયો. સૂર્યએ કુંતિને કન્યાપણું પાછું આપી દોષરહિત કરી પરંતુ લોકાપવાદના ભયથી કુંતિએ કર્ણને સરયૂ નદીમાં વહાવી દીધો. આમ કુંતિનો સૌથી મોટો અને મહાપ્રતાપી પુત્ર યુધિષ્ઠિર નહીં પણ કર્ણ હતો. એણે દુર્વાસામુનિના આશીર્વાદમાં વિશ્વાસમાં રાખી એની ચકાસણી કરવાનો પ્રયોગ ન કર્યો હોત તો કૌરવોની મજાલ નહોતી કે કર્ણના વડપણ હેઠળની કર્ણ, યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નકુલ અને સહદેવ – એમ છ મહાપ્રતાપી પાંડવોનો વાળ પણ વાંકો કરી શક્યા હોત. અધિરાઈ અને અવિશ્વાસ કાયમી ધોરણે કર્ણને પાંડવોથી અલગ અને દુર્યોધનના પક્ષે રાખવાને નિમિત્ત બન્યા.
કેટલાક સમયસિદ્ધ સિદ્ધાંતો હોય છે, એના અખતરા ના થાય એ વાત મેનેજમેન્ટનું પાયાનું સત્ય છે. (મેનેજમેન્ટ શબ્દને બે શબ્દોમાં તોડીએ તો મેનેજ એટલે કે વ્યવસ્થાપન અને મેન્ટ એટલે પોતાના જ્ઞાન, અનુભવ, આવડત, અભ્યાસ અથવા તાલીમને કારણે પ્રાપ્ત કરેલ ક્ષમતા (એજ-Age એટલે પાકટતા, એ જ અર્થમાં એજમેન્ટ Agement એટલે પરિપક્વતા.)
ઠોકર વાગવાથી લોહી નીકળે છે એ અનુભવસિદ્ધ બાબત છે. એ માટે ફરીથી ઠોકર ખાઈને લોહી નીકળે છે કે કેમ એ ચકાસવાને મૂર્ખતા કહેવાય. કુંતિએ આ મૂર્ખતા કરી અને કર્ણ પેદા થયો – એ આનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે, એટલે જ કહ્યું છે કે,
‘ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળે,
તદપિ અર્થ નવ સરે;
સિંહણ કેરું દૂધ હોય તે સિંહણ સૂતને જરે.’
કુંતિએ સાહજિકતાથી મળેલ એક અજેય ટીમ માટેનું વરદાન ઉતાવળિયાપણું અને વધુ પડતી આતુરતામાં તોડી નાખ્યું. નુકસાન આપણી સામે છે.
(નિધિ દિવાસળીવાળા નવી પેઢીની તેજસ્વી લેખિકા છે. સુરતસ્થિત વીર નર્મદ યુનિવર્સિટીના સ્નાતક નિધિના બે પુસ્તકો કાવ્યસંગ્રહ ‘ઝરણી’ અને ચિંતનકણિકાના સંગ્રહ ‘નિજાનંદ’ ઉપરાંત ‘થોડામાં ઘણું’ મોટીવેશનલ સુવિચારોને પણ વાચકોએ વખાણ્યા છે. માનવ સંબંધો, સ્વભાવ અને સમાજ વ્યવસ્થા ઉપર આધારિત એક લેખમાળા એમના સોશિયલ મીડિયા ઉપર નિયમિત પ્રસિદ્ધ થાય છે. આ કોલમમાં એ મહાભારત અને ગીતા ઉપર આધારિત વહીવટ તેમજ મોટીવેશનને લગતી વાતો સરળ ભાષામાં સમજાવે છે.)