શ્રીકૃષ્ણ અર્જુનના માર્ગદર્શક પણ હતા અને મિત્ર પણ હતા. એમણે કુરુક્ષેત્રના મેદાન પર અર્જુનને ગીતાજ્ઞાનનો બોધ આપ્યો હતો. સામાન્ય માણસના મનમાં પ્રશ્ન થાય કે, આટલી લાંબી શ્રીમદ્ ભગવદ્ ગીતા, જે અઢાર અધ્યાયમાં વહેંચાયેલી છે, તેનો ઉપદેશ ભગવાન શ્રીકૃષ્ણે સામસામે ગોઠવાયેલા યુદ્ધ માટે તત્પર એવા સૈન્ય વચ્ચે કઈ રીતે કર્યો હશે? આવો પ્રશ્ન થવો સ્વાભાવિક છે.
આ માટે આપણે એ સમયે લડાતાં યુદ્ધો પણ નિયમાનુસાર લડાતા હતા તે સમજવું પડશે. બંને પક્ષો સામસામે ગોઠવાય અને યુદ્ધમાં પ્રવૃત્ત થવા માટેનો સંકેત આપે ત્યારે જ યુદ્ધ શરૂ થાય. સૂર્યાસ્ત થાય એટલે યુદ્ધ અટકી જાય. રણમેદાનમાં પડેલા ઘાયલોને સારવાર માટેનો પ્રયત્ન થાય. સામે શત્રુ નિઃશસ્ત્ર હોય ત્યારે એના પર ઘા ન થાય – આવા યુદ્ધના નિયમો વચ્ચે જ્યારે અર્જુને શસ્રો હેઠાં મૂકી દીધાં ત્યારે હજી યુદ્ધ શરૂ થયું નહોતું. અર્જુન લડવા માટે તૈયાર ન થાય ત્યાં સુધી એ રોકાયેલું જ રહેવાનું હતું એટલે ભગવાન શ્રીકૃષ્ણને ગીતાબોધ આપવા માટે જરૂરી એવો સમય ઉપલબ્ધ હતો જ.
જીવનની કોઈ પણ કટોકટીની પરિસ્થિતિમાં જ્યારે હતાશા ઘેરી વળે ત્યારે થોડોક સમય અર્જુનની માફક એ પરિસ્થિતિમાંથી નિવૃત્ત થઈ જવું જોઈએ. પોતાની જાતને આવી પરિસ્થિતિથી અળગી કરીને સ્વસ્થતાપૂર્વક વિચારવું જોઈએ. જ્યારે તમે આ પ્રકારની હતાશાજનક પરિસ્થિતિમાં છો ત્યારે એ હંમેશાં યાદ રાખો કે, પ્રયત્ન છોડી દેવાથી અથવા અર્જુનની માફક હથિયાર ત્યજીને બેસી જવાથી પરિસ્થિતિ તમને વશ થવાની નથી. જીવનસંગ્રામમાં તમારું કામ છે, સતત પ્રવૃત્ત રહેવાનું અને મુશ્કેલીઓ સામે લડવાનું.
યાદ રાખો: વ્યક્તિગત જીવન હોય, કુટુંબને લગતી કોઈ ગૂંચ પડી હોય, તમારા મિત્ર કે પ્રિયપાત્ર સાથેના સંબંધો તૂટવાને આરે આવીને ઊભા હોય, તમારો ઉદ્યોગ-ધંધો નિરાશાજનક પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો હોય ત્યારે ક્યારેય પ્રયત્ન ન છોડી દેશો. યાદ રાખો, ક્યારેક ઝૂડામાંની છેલ્લી ચાવી તાળું ખોલી આપે છે.
(નિધિ દિવાસળીવાળા નવી પેઢીની તેજસ્વી લેખિકા છે. સુરતસ્થિત વીર નર્મદ યુનિવર્સિટીના સ્નાતક નિધિના બે પુસ્તકો કાવ્યસંગ્રહ ‘ઝરણી’ અને ચિંતનકણિકાના સંગ્રહ ‘નિજાનંદ’ ઉપરાંત ‘થોડામાં ઘણું’ મોટીવેશનલ સુવિચારોને પણ વાચકોએ વખાણ્યા છે. માનવ સંબંધો, સ્વભાવ અને સમાજ વ્યવસ્થા ઉપર આધારિત એક લેખમાળા એમના સોશિયલ મીડિયા ઉપર નિયમિત પ્રસિદ્ધ થાય છે. આ કોલમમાં એ મહાભારત અને ગીતા ઉપર આધારિત વહીવટ તેમજ મોટીવેશનને લગતી વાતો સરળ ભાષામાં સમજાવે છે.)