અહમ બ્રહ્માસ્મિ?

દેવકી વસુદેવ લગ્નગ્રંથિથી જોડાય છે ત્યારે નારદ મુનિ તેમને આશીર્વાદ આપવા પહોંચે છે. ત્યાં તેમને રાજકુમાર કંસ મળે છે. કંસ તેમની પાસે આશીર્વાદ માંગે છે. ત્યારે નારદ મુનિ ખૂબ ઓછા શબ્દોમાં તેને પાપના માર્ગેથી પાછા વળવાની સલાહ આપે. ‘ધર્મની જ્યારે જ્યારે ગ્લાનિ થાય છે ત્યારે ત્યારે તેની પુનઃસ્થાપના કરવા ઈશ્વર પોતે પૃથ્વી પર અવતાર લે છે’ એમ કહી તેઓ કંસને સમજાવવા પ્રયત્ન કરે છે. પોતાના માર્ગમાં કોઈ નહીં આવી શકે એમ વિચારી કંસ અટ્ટહાસ્ય કરે છે.

આવું આપણી સાથે પણ બનતું હોય છે ને? આપણને કોઈ સલાહ આપે ત્યારે આપણે પણ આપણને બધુ ખબર છે, આપણને બધુ આવડે છે, એવા ઓવરકોન્ફિડન્સમાં રહીએ છીએ. ધંધા-વ્યવસાયમાં પણ આપણે ભલે જે-તે ક્ષેત્રના નિષ્ણાત હોઈએ, પરંતુ બધા યોગ્ય તે સૂચનો હંમેશા આવકારવા જોઈએ. કદાચ ધંધાને વધુ ઊંચે લઈ જવા તે ઉપયોગી સાબિત થઈ શકે. જ્યારે વ્યક્તિ નવું શીખવાનું અને બીજાના યોગ્ય કે સલાહ-સૂચન સાંભળવાનું બંધ કરે છે ત્યારથી જ તેની પ્રગતિ અટકી જાય છે.

આપણે સહુ જાણીએ છીએ તેમ અટકેલું પાણી ગંધાય, વહેતું પાણી શુદ્ધ રહે છે. જો કંસે નારદ મુનિ જેવા વિદ્વાનની સલાહ માની હોત તો તેનો આવો અંત ન આવત. એવું અભિમાન કદી ન રાખો કે જે તમને સાચું જોતાં કે સાંભળતા અટકાવે, નહીં તો તમે જ તમારો ધંધો ડૂબાડશો. વ્યક્તિ પોતાના નાક નીચે નથી જોઈ શકતી, એટલે જ એને બીજાની જરૂર પડે છે.

(નિધિ દિવાસળીવાળા નવી પેઢીની તેજસ્વી લેખિકા છે. સુરતસ્થિત વીર નર્મદ યુનિવર્સિટીના સ્નાતક નિધિના બે પુસ્તકો કાવ્યસંગ્રહ ઝરણીઅને ચિંતનકણિકાના સંગ્રહ નિજાનંદઉપરાંત ‘થોડામાં ઘણું’ મોટીવેશનલ સુવિચારોને પણ વાચકોએ વખાણ્યા છે. માનવ સંબંધો, સ્વભાવ અને સમાજ વ્યવસ્થા ઉપર આધારિત એક લેખમાળા એમના સોશિયલ મીડિયા ઉપર નિયમિત પ્રસિદ્ધ થાય છે. આ કોલમમાં એ મહાભારત અને ગીતા ઉપર આધારિત વહીવટ તેમજ મોટીવેશનને લગતી વાતો સરળ ભાષામાં સમજાવે છે.)